Columns

Paytm બેંકના ગૂંચવાડાને કારણે ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રને ફટકો પડશે

ભારતીય રિઝર્વ બેંકે Paytm પેમેન્ટ બેંક પર પ્રતિબંધની જાહેરાત કરી છે. ૨૯ ફેબ્રુઆરી પછી Paytmની ઘણી સેવાઓ બંધ થઈ જશે. રિઝર્વ બેન્કે કહ્યું છે કે Paytm એ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેને કારણે Paytm જેવી બીજી પેમેન્ટ બેન્કો પણ શંકાના ઘેરાવામાં મૂકાઈ ગઈ છે. સરકાર ભારતમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળે તે માટે પ્રયાસો કરી રહી છે, પણ લોકો જેના દ્વારા બહોળા પ્રમાણમાં ડિજિટલ પેમેન્ટ કરી રહ્યા છે તેમાં ગોબાચારી ચાલી રહી છે. ડિજિટલ બેન્કોમાં લોકોના જે રૂપિયા પડ્યા હોય છે તેનો ઉપયોગ કરીને પેમેન્ટ બેન્કો કાળાં નાણાંને ધોળા કરી દેતી હોવાની શંકા પરથી Paytm સામે પગલાં ભરવામાં આવ્યાં છે.

દેશભરમાં જે બેન્કો થકી આપણને ફાસ્ટ ટેગની સેવા પૂરી પાડવામાં આવે છે, તેમાં પણ શંકાસ્પદ વહેવારો થતાં હોવાથી દેશના તમામ ફાસ્ટ ટેગ ધારકોને ૩૧ જાન્યુઆરી સુધીમાં નવેસરથી કેવાયસી કરાવી લેવાનો ફતવો ૧૫ જાન્યુઆરીના બહાર પાડવામાં આવ્યો હતો. તે કામ ૧૬ દિવસમાં શક્ય ન હોવાથી મુદત વધારી આપવામાં આવી છે. વાતનો સાર લેવા જેવો છે કે જ્યારે સરકાર પાસે નેટવર્ક તૈયાર ન હોય ત્યાં સુધી જાહેરાતો કરવાનો કોઈ ફાયદો નથી.

આરબીઆઈના નિર્ણયની શું અસર થશે તે સમજવા માટે પહેલાં એ જાણવું જરૂરી છે કે પેટીએમ બેંક શું છે અને તે સામાન્ય બેંકથી કેવી રીતે અલગ છે. Paytm પેમેન્ટ બેંક માત્ર પૈસા જમા કરાવી શકે છે, પણ તેમની પાસે લોન આપવાની સત્તા નથી. તેઓ ડેબિટ કાર્ડ ઈશ્યુ કરી શકે છે પરંતુ ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરવા માટે તેમને નિયમનકાર સાથે વ્યવહાર કરવો પડશે. તેનો અર્થ એ છે કે તે એક બેંક ખાતું છે, જેમાં પૈસા રાખી શકાય છે. સામાન્ય રીતે વેપારીઓ દ્વારા પ્રાપ્ત થતી ચૂકવણી તેમના Paytm પેમેન્ટ એકાઉન્ટમાં જાય છે અને પછી પૈસા તેમનાં બેંકનાં ખાતાંમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. બદલામાં Paytm બેંક તેના ગ્રાહકોને ક્રેડિટ પોઈન્ટ આપે છે. Paytm ની મૂળ કંપનીનું નામ One97 Communications છે અને આ કંપની પાસે પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ લાઇસન્સ છે.

૨૯ ફેબ્રુઆરી સુધી પેટીએમની તમામ સેવાઓ સામાન્ય રીતે કામ કરશે. આ પછી Paytm વૉલેટ અને UPI સેવાનો ઉપયોગ કરનારાં લોકો માટે કેટલાક ફેરફારો થશે. સૌથી અગત્યની વાત એ છે કે જો તમારા વોલેટમાં પહેલાંથી જ પૈસા હોય તો તમે તેને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકો છો, પરંતુ વોલેટમાં કોઈ રકમ જમા કરાવી શકાતી નથી. જો કે જો તમે તમારું Paytm એકાઉન્ટ થર્ડ પાર્ટી બેંક સાથે લિંક કર્યું હોય તો તમારું Paytm કામ કરવાનું ચાલુ રાખશે અને તમે UPI પેમેન્ટનો ઉપયોગ કરવાનું પણ ચાલુ રાખી શકશો. થર્ડ પાર્ટી અથવા બાહ્ય બેંકનો અર્થ છે કે જો તમે પેટીએમ પર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, HDFC બેંક અથવા પંજાબ નેશનલ બેંક સહિત કોઈ પણ માન્યતા પ્રાપ્ત બેંકના ખાતાનો ઉપયોગ કરો તો તમારા માટે કંઈ પણ બદલાશે નહીં. પરંતુ જો તમે Paytm બેંક સાથે જોડાયેલા વોલેટનો ઉપયોગ કરી રહ્યા છો તો તમે આ કરી શકશો નહીં. ૨૯મી ફેબ્રુઆરી પછી બેંક ખાતામાં કે વોલેટમાં કોઈ ક્રેડિટ લઈ શકાશે નહીં.

સરકારી નિયમો અનુસાર કોઈ પણ કારની વિન્ડશિલ્ડ પર ફાસ્ટેગ હોય છે. ફાસ્ટેગ એ ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ છે, જે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત છે. દરેક ટોલ બૂથ પર ટોલ ફ્રી પ્રીપેડ વોલેટ દ્વારા ચૂકવવામાં આવે છે. હવે આરબીઆઈના નવા નિર્ણય બાદ ૧ માર્ચથી ગ્રાહકો પેટીએમ પર ફાસ્ટેગ સેવામાં તેમની બાકી રહેલી બેલેન્સનો ઉપયોગ કરી શકશે પરંતુ ફાસ્ટેગ એકાઉન્ટમાં વધુ પૈસા જમા કરાવી શકશે નહીં. જે દુકાનદારો તેમના પેટીએમ પેમેન્ટ બેંક ખાતામાં પૈસા મેળવે છે તેઓ ચૂકવણી પ્રાપ્ત કરી શકશે નહીં. આ એટલા માટે છે કારણ કે તેમના ખાતામાં ક્રેડિટની મંજૂરી નથી. ઘણા વેપારીઓ પાસે અન્ય કંપનીઓના QR સ્ટીકરો હોય છે, જેના દ્વારા તેઓ ડિજિટલ ચૂકવણી સ્વીકારી શકે છે.

રિઝર્વ બેંકની આ જાહેરાત બાદ Paytmના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. ગુરુવારે ટ્રેડિંગ શરૂ થયા પહેલાં જ Paytmના શેરમાં ૨૦ ટકાનો ઘટાડો થયો હતો. Paytmના શેરનો ભાવ રૂ. ૬૦૯ પર પહોંચી ગયો છે, જે છેલ્લા છ સપ્તાહમાં સૌથી નીચો ભાવ છે. રિઝર્વ બેંકના આદેશથી સમાજના મોટા વર્ગને અસર થઈ શકે છે કારણ કે Paytm પાસે ડિજિટલ પેમેન્ટ માર્કેટમાં ૧૬-૧૭ ટકા હિસ્સો છે અને નિષ્ણાતોના મતે કરોડો લોકો તેનાથી પ્રભાવિત થઈ શકે છે. આરબીઆઈએ પેટીએમ અંગે આદેશ જારી કર્યો ત્યારથી જ તેના શેરના ભાવ ઘટી રહ્યા છે અને નિષ્ણાતોનું માનવું છે કે આ ભાવ વધુ ઘટશે. Paytm પાસે ત્રણ એન્ટિટી છે અને તેમાંથી એક બંધ થવા જઈ રહી છે, તેથી તેની ગંભીર અસરો થઈ રહી છે, પરંતુ તે જોવાનું બાકી છે કે શું તેમની સૌથી મોટી સેવાઓ વોલેટ અને યુપીઆઈ ચાલુ રહેશે અને તેઓ ઘટાડાને રોકી શકશે કે કેમ?

ભારતીય રિઝર્વ બેંક દ્વારા પર્સનલ લોનના નિયમો કડક બનાવ્યા બાદ Paytm એ નાની પર્સનલ લોનને લઈને મોટો નિર્ણય લીધો છે. Paytm હવે ૫૦,૦૦૦ રૂપિયાથી ઓછીની પર્સનલ લોનની સંખ્યામાં ઘટાડો કરવા જઈ રહ્યું છે. કંપનીએ બુધવારે આ જાણકારી આપી છે. નોંધનીય છે કે RBIની કડકાઈ બાદ Paytmની નાની લોનની સંખ્યામાં ૫૦ ટકા સુધીનો મોટો ઘટાડો જોવા મળી શકે છે. Paytm માને છે કે કંપનીની કમાણી અને માર્જિન પર વધુ અસર નહીં થાય કારણ કે ૫૦,૦૦૦ રૂપિયાથી વધુની લોનમાં ઘણી સંભાવનાઓ છે.

હાલમાં જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પર્સનલ લોન સંબંધિત નિયમોને કડક બનાવ્યા છે. RBIએ નાની લોનના જોખમના વજનમાં ૨૫ ટકાનો વધારો કર્યો છે અને તે ૧૦૦ ટકાથી વધીને ૧૨૫ ટકા થયો છે. સેન્ટ્રલ બેંકના આ નિર્ણય બાદ પર્સનલ લોન મોંઘી થશે અને Paytm જેવી કંપનીઓને અસુરક્ષિત પર્સનલ લોનની સંખ્યા ઘટાડવાની ફરજ પડી છે. પેટીએમ દ્વારા નાની રકમની અસુરક્ષિત પર્સનલ લોનની સંખ્યા ઘટાડવાના નિર્ણય બાદ ગુરુવારે શેરબજારમાં કંપનીના શેરને ફટકો પડ્યો છે. ડિજિટલ પેમેન્ટ ફર્મ પેટીએમની પેરેન્ટ કંપની One97 કોમ્યુનિકેશન્સના શેરમાં ૭ ડિસેમ્બરે ૨૦ ટકાનો ઘટાડો થયો હતો. બ્રોકરેજ ફર્મ જેફરીઝે જણાવ્યું હતું કે નાની પર્સનલ લોનના નિયમોને કડક બનાવવાના આરબીઆઈના નિર્ણય બાદ પેટીએમના ‘બાય નાઉ પે લેટર’બિઝનેસને સીધી અસર થવાની છે. કંપની દ્વારા આપવામાં આવેલી લોનમાં નાની પર્સનલ લોનનો હિસ્સો ૫૫ ટકા છે.

મિડિયા રિપોર્ટ્સ અનુસાર નેશનલ હાઈ વે ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે જોડાયેલ ઈન્ડિયન હાઈ વે મેનેજમેન્ટ કંપની લિમિટેડે Paytm પરથી નવા FASTag ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે Paytm દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. નેશનલ ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શનનો ભાગ એવા તમામ ટોલ પ્લાઝા પર Paytm ફાસ્ટેગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમે PayTm થી નવો FASTag ખરીદી શકો છો, પરંતુ જો તમે PayTm FASTag ખરીદવા માંગતા હો તો તમને પ્લેટફોર્મ પર આ સુવિધા નહીં મળે. જ્યારે તમે Paytm પેમેન્ટ એપ પર Buy FASTag વિકલ્પ પર ક્લિક કરશો, ત્યારે તમને PayTm FASTag વિકલ્પને બદલે HDFC FASTag વિકલ્પ મળશે. આના પરથી સ્પષ્ટ થાય છે કે તમે Paytm ફાસ્ટેગ ખરીદી શકતા નથી પરંતુ જો તમે Paytmથી ફાસ્ટેગ ખરીદવા માંગતા હો તો તમે આ માટે એપની મદદ લઈ શકો છો. આરબીઆઈના નિયમો અનુસાર Paytm ફાસ્ટેગ ખરીદવાનો વિકલ્પ હટાવી દેવામાં આવ્યો છે. ભારત સરકાર તેમ જ રિઝર્વ બેંક દ્વારા જે રોજ નવા ફતવા બહાર પાડવામાં આવે છે, તેના કારણે લોકોના મનમાં ગૂંચવાડા ઊભા થયા છે.

Most Popular

To Top