Sports

યશસ્વીની ડબલ સેન્ચુરી, ભારતે પહેલી ઈનિંગમાં આટલા રન બનાવ્યા

વિશાખાપટ્ટનમ: ભારત અને ઈંગ્લેન્ડ (IndiaVsEngland) વચ્ચે વિશાખાપટ્ટનમના (VishakhaPattnam) ડૉ. વાય.એસ. રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ મેચ ચાલી રહી છે. આજે 3 ફેબ્રુઆરીના રોજ મેચનો બીજો દિવસ છે. ભારતે તેના પ્રથમ દાવમાં 396 રન બનાવ્યા છે.

ભારત તરફથી ડાબોડી ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જ્યસ્વાલે (Yashaswi Jaiswal) સૌથી વધુ 209 રન ફટકાર્યા છે. યશસ્વીની આ પહેલી બેવડી સદી (double century) છે. ખાસ વાત એ છે કે આ યુવાન ખેલાડીએ સિક્સ ફટકારી સદી અને ચોગ્ગો ફટકારી બેવડી સદી પુરી કરી છે.

આજની મેચની સૌથી મોટી ખાસિયત યશસ્વી જયસ્વાલની બેવડી સદી હતી. જો કે, તેની બેવડી સદી ફટકાર્યાના થોડા જ સમયમાં યશસ્વી જયસ્વાલ 209 રન (290 બોલ, 19 ચોગ્ગા અને સાત છગ્ગા) પર જેમ્સ એન્ડરસનનો શિકાર બન્યો હતો. જયસ્વાલે માત્ર 277 બોલમાં ચોગ્ગો ફટકારીને પોતાની બેવડી સદી પૂરી કરી હતી.

ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર તે ત્રીજો સૌથી યુવા ભારતીય હતો. યશસ્વી સિવાય અન્ય કોઈ બેટ્સમેન 35 રનનો આંકડો પણ સ્પર્શી શક્યો નહોતો. ઈંગ્લેન્ડ તરફથી શોએબ બશીર, જેમ્સ એન્ડરસન અને રેહાન અહેમદે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

તમને જણાવી દઈએ કે આ અગાઉ મેચના પહેલા દિવસે સ્ટમ્પ થવાના સમયે ભારતે તેની પ્રથમ ઇનિંગમાં છ વિકેટે 336 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ 179 રન અને રવિચંદ્રન અશ્વિન 5 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. યશસ્વીની ટેસ્ટ કારકિર્દીની આ બીજી સદી છે. તેની પ્રથમ સદી (171 રન) ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝ સામે આવી હતી.

આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પોતાના પ્લેઈંગ 11માં કુલદીપ યાદવ, રજત પાટીદાર અને મુકેશ કુમારનો સમાવેશ કર્યો હતો. પાંચ મેચોની શ્રેણીની પ્રથમ મેચ 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં રમાઈ હતી, જેમાં ચોથા દિવસે જ ભારતીય ટીમને 28 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં, રોહિત શર્માની કપ્તાની હેઠળની ભારતીય ટીમ આ બીજી ટેસ્ટ મેચ જીતીને શ્રેણી 1-1થી બરાબર કરવા માંગે છે.

Most Popular

To Top