Columns

જાહેર વાત ખાનગી વાત

પાટીલ અને પટેલ એક થઇ ગયા છે?

ગાંધીનગરમાં એક ચર્ચા હાલ ખૂબ જોરમાં છે કે પાટીલ અને પટેલ એક થઇને સરકારને દોડતી કરી રહ્યા છે. ભાજપમાં રહેલા એક નેતાનું માનીએ તો છેલ્લા કેટલાક સમયથી ભાજપનું જ એક ચોક્કસ ગ્રુપ સરકાર વિરુદ્ધ લાગેલું છે. એમાં પાટીલની સહાય મળી છે અને છૂપી રીતે મુખ્ય મંત્રી બનતાં બનતાં રહી ગયેલા પટેલ પણ મદદ કરી રહ્યા છે. ચર્ચાઈ રહયું છે કે કોરોનાકાળમાં અને એ પછી તાઉતે વાવાઝોડામાં ગુજરાત સરકારની કામગીરી નબળી રહી છે અને ભાજપ સંગઠનની કામગીરી ખૂબ સારી રહી છે એવું બતાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. કેટલાક તો એવું પણ કહી રહ્યા છે કે પાટીલ ની C.M. બનવાની ઈચ્છા છે એટલે પોતે સારું કામ કરી રહ્યા છે એવું દર્શાવવા માટે સંગઠનની સારી છબી દિલ્હી સુધી પહોંચાડી રહ્યા છે. જયારે પટેલ પણ એવું ઈચ્છે છે કે પોતે ભલે મુખ્ય મંત્રી ન બન્યા હોય પણ જે મુખ્ય મંત્રી છે એમને હટાવવા માટે કોઈ મળે તો એને સાથ આપવો જોઈએ. એ જ રાહે હાલ પાટીલ અને પટેલે ગુજરાતની સત્તા ખુરશીખેંચની રમત શરૂ કરી છે.

વળી એવું પણ કહેવાય રહયું છે કે 2022માં ગુજરાતના પ્રદેશપ્રમુખ તરીકે ટિકિટ અને ભાજપ ઉમેદવાર નક્કી કરવાની પ્રક્રિયા હાલ શરૂ થઇ છે અને એમાં પાટીલ સાહેબ એવું ઈચ્છે છે કે મોટા ભાગના ઉમેદવારો એમના પસંદ કરેલા હોય જેથી 2022 માં જો C.M. પદની વાત આવે તો એમના સમર્થનમાં વધારે ઉમેદવારો ઊભા રહે. હા આ રમતમાં કહેવાતા કેટલાક અઠંગ ખેલાડીઓ પણ હવે ઊતરી પડ્યા હોવાની વાત છે. બધા ભેગા થઇને ગમે તે રીતે નવા C.M. માટે મથી રહ્યા છે. આ પ્રયત્ન કરનારાં લોકોને એટલી ખબર નથી કે જે પાટીલ વિશે ક્યારેય કોઈ વિચારી શકતું નહોતું કે ગુજરાત પ્રદેશપ્રમુખ બનશે એમને પ્રમુખ બનાવી દીધા અને પાર્ટીનાં લોકોને ખબર પણ ન પડી તો C.M. કોને બનાવવા એ જાહેર ચર્ચા અને વિષયને આધારે દિલ્હી બેઠેલા દાઢીવાળા બાબા ક્યારેય નહિ બનાવે. ખેર રાજકારણ છે. રાજકારણમાં સાચીખોટી ચર્ચાઓ થયા જ કરે. જોઈએ શું આગળ આગળ થાય છે.

રવિના આખરે રામ રામ!

ગયા અઠવાડિયે જ જાહેર વાત ખાનગી કોલમમાં આરોગ્ય સચિવના અલવિદા થવાની ચર્ચા લખી હતી અને આ જ અઠવાડિયામાં જ્યંતી રવિએ રામ રામ કરી પણ દીધા. ખેર એમના જવા પાછળનાં અનેક કારણો અને ચર્ચાઓ છે પણ મહત્ત્વની ચર્ચા એ થઇ રહી છે કે કોરોનાની બીજી લહેરમાં આરોગ્ય સચિવ સદંતર નિષ્ફ્ળ નીવડ્યાં, ઓક્સિજનથી માંડી રેમડેસિવિર ઇન્જેક્શન અને પછી મયુકરના રોગચાળામાં પણ ગુજરાત સરકારની પ્રતિષ્ઠાનું સતત ધોવાણ થઇ રહ્યું હતું એટલે સરકાર એમને બદલવા જ માંગતી હતી, વળી જયંતીમેડમની સાથે કામ કરતા કેટલાક અધિકારીઓ એવું પણ કહી રહ્યા છે કે મેડમ ક્યારેય સરખું સાંભળતાં જ નહિ અને કોઈ ભૂલ થઇ હોય તો સ્વીકારવાને બદલે જુદા જુદા વિભાગો પર દોષનો ટોપલો ઢોળી દેતા હતા.

જેની પણ ફરિયાદ દિલ્હી સુધી થઇ. આ ઓછું હોય તેમ વેક્સિનેશનના કાર્યક્રમમાં પણ સરકારની અનેક ક્ષતિઓ ઉજાગર થઇ. કેટલાક તો એવો પણ આરોપ લગાવી રહ્યા છે કે મેડમે સરકાર દ્વારા રસીકરણના કાર્યક્રમને પ્રોત્સાહન આપવાની જગ્યાએ પ્રાઇવેટ હોસ્પિટલોને રસીકરણ કરવા દેવાના કાર્યક્રમને વધારે મહત્ત્વ આપ્યું. કહેવાય છે કે અમદાવાદના જી.એમ.ડી.સી.ગ્રાઉન્ડમાં એપોલો હોસ્પિટલના ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનનો વિવાદ ઊભો થયો ત્યારે આરોગ્યમંત્રીએ કહ્યું કે ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન ની મંજૂરી સરકાર જોડે લેવાઈ છે કે નહિ એ અંગે મને કોઈ જાણ નથી. હવે તમે વિચારો કે વેક્સિનેશનનો કાર્યક્રમ થતો હોય અને આરોગ્યમંત્રી કહે કે મને ખબર નથી એટલે જવાબદારી કોની બને ? ખેર આરોગ્યમંત્રીના નિવેદન પછી અમદાવાદ કોર્પોરેશન અને આરોગ્ય વિભાગે સ્પષ્ટતાઓ કરવી પડી હોય એવી પણ ચર્ચા છે. આ બધાં કારણોને લઇ છેવટે જયંતી રવિને સરકારે રામ રામ કરીને તમિલનાડુ મોકલી દીધાં હોવાની ચર્ચા છે!

ગુજરાતના કોંગ્રેસ પ્રભારી માટે ગહેલોતની મજૂરી જરૂરી?

ગુજરાત કોંગ્રેસમાં એમ પણ કાંઈ કાંદા કાઢી લેવાના નથી પણ કોંગ્રેસના નેતાઓ છે કે સુધરવાનું નામ જ નથી લેતા. ચારે બાજુથી ગુજરાતમાં કોંગ્રેસ પૂરી થઇ રહી છે પણ ગુજરાત તરફ કોઈ કોંગ્રેસી નેતાનું ધ્યાન નથી. ચર્ચા છે કે રાહુલ હાલ મોદીની, અમિત શાહની નિષ્ફ્ળતાઓ, ગુજરાત મોડેલની નિષ્ફ્ળતાઓ આખા દેશ સમક્ષ ઉજાગર કરવા માટે કોઈ સારા નેતાને ગુજરાતના પ્રભારી બનાવવા માંગે છે.

ચર્ચા છે કે આ અંગે રાહુલ ગાંધીએ પહેલા રાજસ્થાનમાં ગહેલોત સામે પડેલા સચિન પાયલટનું નામ નક્કી કર્યું હતું, લગભગ બધું જ ગોઠવાઈ ગયું હતું, આમ પણ સચિન પાયલટ પાસે રાજસ્થાનમાં કોઈ પદ નથી વળી રાજસ્થાનમાં કોંગ્રેસને બેઠી કરવાનો શ્રેય પણ પાયલટના નામે જાય છે એટલે ગુજરાતમાં કોંગ્રેસની જે સ્થિતિ છે એને જોઈને કદાચ રાહુલ ગાંધીએ સચિન પાયલટનું નામ નક્કી કર્યું હતું. જો કે દર વખતે કોંગ્રેસમાં થાય છે એમ ગુજરાતના પ્રભારી તરીકે પાયલટનું નામ આવતાં જ ગહેલોત બગડ્યા અને રાહુલને પાયલટની નિમણુક કરતા અટકાવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

ચર્ચાઈ તો ત્યાં સુધી રહયું છે કે ગુજરાતમાં પાયલટ ન આવે એ માટે ગહેલોતે રાજસ્થાનના પ્રભારી અને એમના નિકટના ગણાતા મહારાષ્ટ્રના નેતા અવિનાશ પાંડેનું નામ ગુજરાતના પ્રભારી તરીકે આપ્યું છે. વળી બીજી બાજુ કોંગ્રેસના જ કેટલાક સીનિયર નેતાઓ બી.કે.હરિપ્રસાદને પણ ગુજરાતના પ્રભારી બનાવવા માટે કહ્યું છે કેમ કે એમની પાસે પહેલાં ગુજરાતમાં કામ કરવાનો અનુભવ છે અને ગુજરાતના નેતાઓને ઓળખે છે. હા એ વાત અલગ છે કે રાહુલ કોઈ નવાને જ મૂકવા માગે છે એટલે એમનું નામ કદાચ પસંદ ન થાય તો પાયલટ અને બી.કે. હરિપ્રસાદનું નામ ન પસંદ થાય તો અવિનાશ પાંડેનું નામ લગભગ નક્કી મનાય છે. જોઈએ હવે કોંગ્રેસ અને ગહેલોત કોની પર પસંદગીનો કળશ ઢોળે છે!

Most Popular

To Top