બહેન સાથે અફેરની શંકામાં પ્રોફેસરની હત્યા
મહારાષ્ટ્રના લાતુરમાં સંબંધોને લઈને ઊભી થયેલી શંકાએ એક પ્રોફેસરનો જીવ લઈ લીધો. પોલીસના જણાવ્યા મુજબ, બહેન સાથે અફેર હોવાની શંકામાં બે ભાઈઓએ પોતાના બે મિત્રો સાથે મળીને 32 વર્ષીય પ્રોફેસર નિતિન ધનજી સંગમેનું અપહરણ કરીને તેની હત્યા કરી નાખી. આ સમગ્ર ઘટનામાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસના જણાવ્યા પ્રમાણે, 4 ઓક્ટોબરની સાંજે આશરે 4:30 વાગ્યે નિતિન લાતુરના કનેરી ચોક વિસ્તારમાં હતો. આ દરમિયાન આરોપીઓ પૃથ્વીરાજ દેશમુખ અને ધવલ દેશમુખ તથા તેમના મિત્રો પ્રથમેશ રેડ્ડી અને આદિત્ય ભાલકેએ મળીને તેને એક SUVમાં બેસાડ્યો અને અપહરણ કરીને બરદાપુર ગામમાં આવેલા સ્ટોન ક્રશર પ્લાન્ટ પર લઈ ગયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર આ જ સ્થળે નિતિન પર હુમલો કરવામાં આવ્યો હતો.સ્ટોન ક્રશર પ્લાન્ટ પર ચારેય આરોપીઓએ નિતિનને ડંડા, બેલ્ટ અને લોખંડની રોડથી બેરહેમીપૂર્વક માર માર્યો હોવાનો પોલીસનો આરોપ છે. ગંભીર ઈજાઓને કારણે નિતિનનું મોત થયું હતું. મૃતક નિતિન કોલ્હાપુર શહેરમાં પ્રોફેસર તરીકે કામ કરતો હતો અને કનેરી ચોક વિસ્તારમાં રહેતો હતો. પોલીસ હવે હત્યા પાછળના ચોક્કસ કારણો અને ઘટનાના અન્ય પાસાઓની પણ તપાસ કરી રહી છે.આ ઘટનાની જાણ પોલીસને 5 ઓક્ટોબરની વહેલી સવારે લગભગ 5 વાગ્યે થઈ હતી. માહિતી મળતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ લાતુરના શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસે તપાસ દરમિયાન પૃથ્વીરાજ દેશમુખ, ધવલ દેશમુખ, પ્રથમેશ રેડ્ડી અને આદિત્ય ભાલકેની ધરપકડ કરી હતી. ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા અદાલતે તેમને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. હવે પોલીસ આરોપીઓની પૂછપરછ કરીને હત્યાની પાછળનું સંપૂર્ણ કારણ, હુમલાની સમગ્ર ઘટનાક્રમ અને તેમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે નહીં તે અંગે તપાસ કરી રહી છે.આ ઘટનાએ લાતુરમાં ચકચાર મચાવી છે. માત્ર શંકાના આધારે કોઈ વ્યક્તિનું અપહરણ કરી તેની સાથે હિંસક મારપીટ કરીને હત્યા કરવામાં આવી હોવાના આરોપથી સમગ્ર મામલો ગંભીર બની ગયો છે. હાલમાં ચારેય આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને તપાસ પૂર્ણ થયા બાદ હત્યાના કેસમાં આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.