National

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં કોંગ્રેસ, સપા અને NCPનું ક્રોસ વોટીંગ

નવી દિલ્હી: દેશમાં રાષ્ટ્રપતિ(President)ની ચૂંટણી(Election) માટે મતદાન(Voting) શરુ થઇ ગયું છે.NDAએ દ્રૌપદી મુર્મુ(Draupadi Murmu)ને પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે યશવંત સિંહા(Yashwant Sinha) વિપક્ષનો ચહેરો છે. આજે મતદાન થયા બાદ 21 જુલાઈએ મતગણતરી કરવામાં આવશે. ત્યારબાદ દેશને 15મા રાષ્ટ્રપતિ મળશે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સોમવારે સવારે 10 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. રાજ્યની વિધાનસભાઓ અને સંસદ ગૃહોમાં મતદાન થઈ રહ્યું છે. જેમાં લોકસભા-રાજ્યસભાના ધારાસભ્યો અને સાંસદો મતદાન કરી રહ્યા છે. સંસદ ભવનના પહેલા માળે રૂમ નંબર 63માં મતદાન થઈ રહ્યું છે. સાંસદોએ બેલેટ પેપર પર રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ સામે તેમની પસંદગીની નોંધણી કરવાની રહેશે.

પી.એમ મોદી – અમિત શાહનું મતદાન
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહીછે. આ દરમિયાન વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ પણ મતદાન કર્યું હતું. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, ગુજરાતનાં મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાનો મત આપ્યો છે. તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચેન્નાઈમાં વિધાનસભામાં પોતાનો મત આપ્યો હતો.

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ક્રોસ વોટીંગ
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાત, યુપી, ઓડિશાથી લઈને આસામ સુધી ક્રોસ વોટિંગ જોવા મળ્યું હતું. યુપીના બરેલીના સપા ધારાસભ્ય શાહજીલ ઈસ્લામે દ્રૌપદી મુર્મુને મત આપ્યો. શાહજીલ ઈસ્લામ યુપીના સીએમ યોગી આદિત્યનાથ પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ચર્ચામાં આવ્યો હતો. આ પછી તેમની મિલકતો પર પણ બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. બીજી તરફ ગુજરાતમાં એનસીપી અને ઓડિશા-આસામમાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ક્રોસ વોટિંગનો દાવો કરવામાં આવ્યો હતો.

મારી અંતર આત્માનો અવાજ સાંભળી દ્રૌપદી મુર્મુને મત આપ્યો: કોંગ્રેસ ધારાસભ્ય
ગુજરાતમાં શરદ પવારની પાર્ટી એનસીપીના ધારાસભ્ય કાંધલ એસ જાડેજાએ કહ્યું કે તેમણે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને મત આપ્યો છે. ઓડિશાના કોંગ્રેસના ધારાસભ્ય મોહમ્મદ મુકીમે કહ્યું કે, તેઓ કોંગ્રેસના ધારાસભ્ય છે. પરંતુ તેમણે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને મત આપ્યો. તેણે કહ્યું, આ મારો અંગત નિર્ણય છે, મેં મારી અંતર આત્માનો અવાજ સાંભળ્યો, જેણે મને મારી માટી માટે કંઈક કરવાનું કહ્યું. તેથી જ મેં દ્રૌપદી મુર્મુને મત આપ્યો. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓડિશામાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ન બનાવવાને કારણે મુકિમ નારાજ છે. AIUDF ધારાસભ્ય કરીમુદ્દીન બરભુઈયાએ દાવો કર્યો છે કે આસામમાં કોંગ્રેસના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે. કરીમુદ્દીનના મતે કોંગ્રેસે રવિવારે મતદાન બોલાવ્યું હતું. માત્ર 2-3 ધારાસભ્યો જ પહોંચ્યા હતા. બેઠકમાં માત્ર જિલ્લા પ્રમુખ જ પહોંચ્યા હતા. તેના પરથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. એટલું જ નહીં, તેમણે દાવો કર્યો કે કોંગ્રેસના 20 થી વધુ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું. તેણે કહ્યું, પરિણામમાં તમને નંબર ખબર પડશે.

રાષ્ટ્રપતિ ચૂંટણી માત્ર ઔપચારિકતા: નીરજ તમંગ ઝિમ્બા
દાર્જિલિંગના ભાજપના ધારાસભ્ય નીરજ તમંગ ઝિમ્બાએ કહ્યું કે, રાષ્ટ્રપતિની ચૂંટણી માત્ર એક ઔપચારિકતા છે. દ્રૌપદી મુર્મુ ચૂંટણી જીતી ચૂકી છે. આંકડાઓ કહી રહ્યા છે કે દ્રૌપદી મુર્મુ દેશની પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનશે. આ અમારા માટે ખુશીનો પ્રસંગ છે. તેને દરેક જગ્યાએ સમર્થન મળી રહ્યું છે.

દ્રૌપદી મુર્મુનાં સમર્થનમાં આ પાર્ટીઓ
NDAના ઘાટ દળ ઉપરાંત BJD, YSR કોંગ્રેસ, BSP, AIADMK, TDP, JD(S), શિરોમણી અકાલી દળ, શિવસેના, JMM એ પણ NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન જાહેર કર્યું છે. આવી સ્થિતિમાં માનવામાં આવી રહ્યું છે કે આ ચૂંટણીમાં દ્રૌપદી મુર્મુ યશવંત સિન્હાથી આગળ છે. જો દ્રૌપદી મુર્મુ આ ચૂંટણી જીતશે તો તે દેશની રાષ્ટ્રપતિ બનનાર પ્રથમ આદિવાસી મહિલા હશે.

યશવંત સિંહાની સાથે છે આ ટીમ
અત્યાર સુધી વિપક્ષી ઉમેદવાર યશવંત સિંહાને કોંગ્રેસ, NCP, TMC, SP, CPI(M), RLD, RJD, RSP, TRS, DMK, નેશનલ કોન્ફરન્સ, CPI, કેરળ કોંગ્રેસ (M) જેવી પાર્ટીઓ દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે. વિપક્ષના ઉમેદવાર પાસે અત્યાર સુધીમાં 3 લાખ 89 હજાર મત છે.

Most Popular

To Top