Business

ઈસુના આગમનની તૈયારી

ક્રિસમસ ઉત્સવ ચાલુ સાલે ૨૫ ડિસેમ્બર, શનિવારે ઉજવાશે.  નાતાલની તૈયારી વિશ્વભરમાં શરૂ થઇ ગઈ છે. માર્કેટમાં, ખાસ કરીને વિદેશમાં, ગરમાવો આવવા લાગ્યો છે.  લોકો ક્રિસમસની ખરીદી અને તૈયારી કરી રહેલ છે. આ વાત છે ભૌતિક તૈયારીની પણ અહીં વાત કરવી છે ધાર્મિક-આધ્યાત્મિક તૈયારીની. ખ્રિસ્તી ધર્મ સામાન્ય રીતે ગ્રેગોરિયન કેલેન્ડર પર ચાલે છે પરંતુ તેની ધાર્મિક વિધિ-વાંચન માટે  અલગ કેલેન્ડર છે. જેને લીટરજીકલ અથવા ક્રિશ્ચિયન કેલેન્ડર કહેવામાં આવે છે. તેમાં રોજેરોજની ધાર્મિક વિધિઓ,  શાસ્ત્ર પાઠો, તહેવારો, વગેરે જરૂરી  વિગતવાર માહિતી  હોય છે. વિશ્વભરનાં ચર્ચોમાં આ કેલેન્ડરમાં નિર્દિષ્ટ  સૂચનો મુજબ જ અમલ થાય છે.

જેને લઈને  ભાષા સિવાય, બીજી બધી બાબતો દુનિયાભરનાં ચર્ચોમાં એક સમાન જ રહે છે. આ લીટરજીકલ કેલેન્ડરનો પ્રારંભ ક્રિસમસ અગાઉનાં ચાર અઠવાડિયાં પહેલાં થાય છે.   લિટરજીકલ વર્ષના પ્રારંભના દિવસે જ Advent season યાને આગમન રૂતુ શરૂ થાય છે. Advent શબ્દ  લેટિન ભાષાના  Adventus શબ્દ પરથી બનેલો છે જેનો અર્થ coming એટલે કે આગમન થાય છે: એટલે કે  ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસ યાને ક્રિસમસના આગમનની રાહ જોવાય છે. એની સાથે સાથે એક બીજા આગમનની પણ રાહ જોવાય છે. તે છે, ઈસુના પુનરાગમનની રાહ. બાઈબલમાં કહ્યું છે તે મુજબ, ઈસુ ભગવાન  દુનિયાના અંતિમ દિવસે  બીજી વાર દુનિયામાં આવશે. આ સમયે તમામ મૃતકો સજીવન થશે અને તેમનાં કર્મોને આધારે અંતિમ ન્યાય કરવામાં આવશે.

સજ્જનોને મોક્ષ અને દુર્જનોને નરકમાં મોકલી આપવામાં આવશે.  દુનિયાનો અંત ક્યારે આવશે અને ઈસુ ખ્રિસ્ત અંતિમ ન્યાય માટે ક્યારે આવશે તેની કોઈને પણ ખબર નથી એટલે દરેક માણસે સદકૃત્યો કરવાં જોઈએ અને હંમેશાં પાપમુક્ત રહેવું જોઈએ. જો જાણેઅજાણે પાપ કર્યું હોય તો તરત ઈશ્વર પાસે  પ્રાયશ્ચિત્ત કરી પાપની માફી મેળવી લેવી જોઈએ. પરમકૃપાળુ ઈશ્વર દયાવાન છે અને પશ્ચાત્તાપ સાથે પૂરા દિલથી માંગેલ માફી ઈશ્વર જરૂર આપે છે. આ છે ખ્રિસ્તી ધર્મની આસ્થા! આ આસ્થાને કેન્દ્રસ્થાને રાખીને એડવન્ટનાં આ ચાર  અઠવાડિયાં દરમિયાન ધાર્મિક વિધિઓ, પ્રાર્થના અને મનન-ચિંતન કરવામાં આવે છે. આ સિઝનને આશા અને આસ્થાની સિઝન કહેવામાં આવે છે.

 પરંપરાગત બીજી એક ખાસ પ્રથા આ સિઝન સાથે જોડાયેલ છે. તે છે, Advent wreath -એડવન્ટ  રીથ, જેનો અર્થ થાય છે પુષ્પહાર. મારી દ્રષ્ટિએ આ માટે ‘ફૂલછાબ’ યોગ્ય શબ્દ છે. ક્રિસમસ- ૨૫, ડિસેમ્બર અગાઉના ચાર રવિવાર સુધી ચર્ચમાં ધાર્મિક વિધિ પહેલાં વિશિષ્ટ પ્રાર્થના સાથે  દર રવિવારે એક એક મીણબત્તી  પેટાવવામાં  આવે છે. આ મીણબત્તીઓ ખૂબ આકર્ષક પુષ્પોથી સુશોભિત બનાવેલી સુંદર રીંગ કે બાસ્કેટમાં  ગોઠવેલ હોય છે; જેમાં ત્રણ પર્પલ- જાંબલી રંગની અને એક રોઝ-ગુલાબી રંગની હોય છે. જે અનુક્રમે hope- આશા,  love-પ્રેમ,  joy-આનંદ અને peace-શાંતિના પ્રતીકરૂપે હોય છે. આ મીણબત્તીઓ નીચે મુજબના ક્રમમાં પેટાવવામાં આવે છે.

પ્રથમ રવિવાર : પર્પલ-જાંબલી કેન્ડલ – આશાની કેન્ડલ. ઈસુના જન્મ પહેલાંના પયગંબરો કે જેઓએ ઈસુના જન્મની આગાહીઓ કરી, આતુરતાથી આવનાર ઈસુ-મસીહાની રાહ જોતા હતા તેમની યાદમાં. બીજો રવિવાર: પર્પલ-જાંબલી  કેન્ડલ. પ્રેમની કેન્ડલ. બેથલેહેમની કેન્ડલ. તૈયારીની  કેન્ડલ.શાસ્ત્રોમાં આગાહી થયા મુજબ ઈસુનો  જન્મ બેથલેહેમમાં થવાનો હતો અને તે પ્રમાણે થયું તેની યાદમાં. તેમજ  આગમનની તૈયારી રૂપે.ત્રીજો રવિવાર: પિંક-ગુલાબી કેન્ડલ. આનંદની કેન્ડલ. ભરવાડોની કેન્ડલ.સૌ પ્રથમ ઈસુનું દર્શન કરવા સીમમાં પડાવ નાખીને રહેતા ભરવાડો ભાગ્યશાળી બન્યા હતા તેની  યાદમાં.ચોથો રવિવાર: પર્પલ-જાંબલી કેન્ડલ. પ્રેમની કેન્ડલ, દેવદૂતની કેન્ડલ.ઈસુના જન્મની ખબર પ્રથમ દેવદૂતે ભરવાડોને આપી  હતી તેની યાદમાં.ક્રિસમસ ડે -પાંચમી કેન્ડલ. ઈસુની કેન્ડલ.

ઈસુ ખ્રિસ્ત જગતમાં લોકોના તારણ માટે આવ્યા હતા. જે તેમણે પોતાનું લોહી વહેવડાવી, જાતનો ભોગ આપી પરિપૂર્ણ કર્યું તેની યાદમાં. જો કે એડવન્ટ રીથની મીણબત્તીઓ અંગે એકરૂપતા જળવાતી નથી. વિવિધ ખ્રિસ્તી સંપ્રદાયોમાં કલર જેવી બાબતમાં તફાવત જણાય છે. કેટલાં ચર્ચો મસીહા એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં લાંબા સમયથી રાહ જોનાર લોકો, પયગંબરો, સંત જોન ધ બાપ્ટિસ્ટ અને ખુદ ઈસુના પ્રતીક રૂપે પણ આ મીણબત્તીઓને માને છે. પરંતુ મુખ્ય મુદ્દો કે  ક્રિસમસના અને ઈસુ ભગવાનના બીજા આગમનની પ્રતીક્ષા અર્થે આ પ્રાર્થના-વિધિ થાય છે એ પર તમામ ખ્રિસ્તી પંથોમાં એક વાક્યતા છે.

   કહેવાય છે કે સદીઓ પહેલાં યુરોપના દેશોમાં કૌટુંબિક પ્રાર્થના માટે આ પ્રથા શરૂ થયેલ, જેને પાછળથી ચર્ચોએ અપનાવી લીધી છે. આજે પણ વિદેશમાં ઘણાં કુટુંબો ઘરમાં પણ આ રીથ- ફૂલછાબ વસાવે છે, જેમાં ૨૮ મીણબત્તીઓ રાખવામાં આવે છે અને ક્રિસમસના દિવસ સુધી રોજ એક એક મીણબત્તી પેટાવે છે અને કુટુંબીજનો પ્રાર્થના કરે છે. જો કે આપણા દેશમાં હજુ આ  પ્રથા ખાસ પ્રચલિત બની નથી પણ તે ચર્ચ સુધી મર્યાદિત રહી છે.

Most Popular

To Top