Trending

કટોકટીકાળમાં અગ્રદૂતોનો બોધ…

કોરોનાએ અનેક સત્ય સપાટી પર લાવી દીધા છે. સામાન્ય સંજોગોમાં આ સત્ય આંખ સમક્ષ હોવા છતાં કોઈ જોઈ શકતું નથી. જે ચિત્ર માધ્યમો, આગેવાનો દ્વારા અને આસપાસના વિકાસના મોડલથી ઉપસાવવામાં આવે છે અને ત્યાં સુધી જ સૌની દૃષ્ટિ સિમિત થઈ જાય છે. આ સિલસિલો આજકાલનો નથી, અવિરતપણે સમાજમાં તેની ભજવણી થતી રહી છે. અને એટલે પૂર્વે સમાજના અગ્રદૂતો કહી શકાય તેવાંઓએ આ વિશે પોતાના અનુભવો શબ્દબદ્ધ કર્યાં છે. પ્રજા પ્રત્યે બેદરકારી દાખવવાની અને તેમને ખરા સમયે રઝળતી મૂકી દેવાનો ક્રમ અગાઉ પણ ચાલ્યો છે. પણ આ સ્થિતિ ક્યારે અને કેવી રીતે આવે છે તે વિશે તેમણે કરેલાં મંથન, મનનના થોડાં દાખલા જોઈએ; તો તેનાથી ભવિષ્યઅંગે બોધપાઠ જરૂર મેળવી શકાય.

જેમ કે ટૉલ્સટૉય લિખિત એક સુંદર પુસ્તક છે : ‘ત્યારે કરીશું શું?’ ગુજરાતીમાં આ પુસ્તકનો અનુવાદ નરહરિ પરીખ અને પાંડુરંગ વળામેએ કર્યો છે. નવલકથા હોવા છતાં તેની પ્રસ્તાવનામાં કાકાસાહેબ લખે છે તેમ, “ટૉલ્સટૉયે વર્ણવેલા પ્રસંગો કાલ્પનિક નથી, એણે કરેલી મીમાંસા ‘તાત્વિક’નથી. પુસ્તકની શરૂઆત તો રસ્તા પર ભટકતા ભિખારીઓનાં સુખદુઃખથી થાય છે પણ એનો મુખ્ય વિષય તો આખા મનુષ્યસમાના કલ્યાણનો છે.” આ પુસ્તકમાં એક ઠેકાણે ટૉલ્સટૉય લખે છે તે આજની સ્થિતિનો ચિતાર આપતા હોય તેમ જોઈ શકાય છે. તેઓ લખે છે : “દાક્તરની સ્થિતિ તો એથીયે ખરાબ છે. તે આખી વિદ્યા જ એવી પાખંડ છે કે જે કશું કામ કરતાં ન હોય અ પોતાનું બધું કામ બીજા પાસે કરાવતા હોય તેવાને જ તે સાજા કરી શકે છે. તે શાસ્ત્રીય રીતે કામ કરી શકે તે માટે તેને પાર વિનાનાં ખર્ચાળ સાધનો જોઈએ, ખર્ચાળ દવાઓ જોઈએ, શાસ્ત્રીય અને સ્વચ્છ એવા મોટા ઓરડા જોઈએ, ખર્ચાળ ખોરાક જોઈએ અ ખર્ચાળ સંડાસ જોઈએ. તેની ફી ઉપરાંત આ બધું ખર્ચ ઊઠાવવું જોઈએ. એટલે એક દરદીને તે સાજો કરે તેટલામાં જેમને માથે આ બધા ખર્ચનો બોજો પડે છે તેવા સૌને તો તે ભૂખે મારે. મોટાં મોટાં શહેરોમાં નિષ્ણાતો પાસે અભ્યાસ કરીને તેણે બહુ નામના મેળવેલી હોય છે. ઇસ્પિતાલમાં ખાટલામાં પડી રહેવું જેમને પોસાય એવા જ દરદીઓની તે દવા કરી શકે છે. અથવા સાજા થયા પછી, સાજા રહેવા માટે જરૂરી સાધનો ખરીદ કરી શકે એવા અને છેક ઉત્તરમાંથી દક્ષિણમાં અને દક્ષિણમાંથી ઉત્તરમાં હવાફેર માટે જઈ શકે એવા હોય તથા અમુક પાણીવાળાં સ્થળોએ રહેવા જઈ શકે એવાં હોય, તેવાઓની જ તે દવા કરી શકે છે.”

ટૉલ્સટૉયની તમામ વાતથી વાચક સહમત ન થાય, પણ આજની આપણી સ્થિતિનું કંઈક અંશે થયેલું નિરૂપણ તેમના આ લખાણમાં જોવા મળે છે. આ પુસ્તકમાં માનવજીવનની કડવી વાસ્તવિકતાની રજૂઆત છે અને એટલે જ કાકાસાહેબે પુસ્તક વિશે લખ્યું છે:“એ બહુ ખરાબ ચોપડી છે. એ આપણને જાગ્રત કરે છે, અસ્વસ્થ કરે છે. ધર્મભીરુ કરે છે. આ ચોપડી વાંચ્યા પછી એશઆરામ અને મોજમાજના દૂધમાં પશ્ચાતાપનો ખારો કાંકરો પડે છે. જ્યારે પોતાનું જીવન કાંકઈક સુધારીએ ત્યારે જ એ મનોવ્યથા ઓછી થાય. માણસાઈને જ સાવ ગૂંગળાવી મારીએ તો તો સવાલ જ નથી.”

માણસાઈને ગૂંગળાવી મારનારાં આપણા આગેવાનો છે અને અત્યારે આવેલી સ્થિતિ તેમની બેદરકારીને આભારી છે. ટૉલ્સટૉયે જેમ બજાર દ્વારા ઊભી થયેલી આપણી સ્થિતિને આલેખી છે, તેવી જ રીતે એરિક ફ્રોમે ‘શાણો સમાજ’ પુસ્તકમાં સત્તાવાદી મૂર્તિપૂજા નામના પ્રકરણમાં આગેવાનો વિશે લખ્યું છે. એરિક ફ્રોમનું આ પુસ્તક કાંતિ શાહ દ્વારા અનુવાદિત થયું છે. અહીં એરિક લખે છે : “ફાસીવાદ, નાઝીવાદ અને સ્ટાલિનવાદમાં સામ્ય એ છે કે તેઓએ વામણા ને વિચ્છિન્ન થઈ ગયેલ માણને એક નવો આશરો ને સહીસલામતી બક્ષ્યાં. આ સમાજવ્યવસ્થાઓમાં માનવીનું પરાયાપણું પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. વ્યક્તિને એવો અનુભવ કરાવાઈ રહ્યો છે કે તે શક્તિહીન અને તુચ્છ છે, પણ સાથે તેને એવું શીખવવામાં છે કે તેની બધી જ માનવીય શક્તિઓનું નેતામાં, રાજ્યમાં, પિતૃભૂમિતામાં આરોપણ કરવાનું. અ પોતે તેમને શરણે જવાનું છે તેમજ તેમની પૂજા કરવાની છે. તે પોતાની સ્વતંત્રતાથી ભાગી છૂટે છે, અ એક નવી મૂર્તિપૂજાનું શરણું સ્વીકારે છે. …આ નવી વ્યવસ્થાઓનું ચણતર એમના કાર્યક્રમો તેમ જ એમના નેતાઓ વિશેના અત્યંત ખુલ્લંખુલ્લાં જુઠ્ઠાણાઓ પર થયું છે. એમના કાર્યક્રમોમાં તેઓએ કો’ક પ્રકારનો સમાજવાદ સિદ્ધ કરવાનો દાવો કર્યો છે, જ્યારે વ્યવહારમાં તેમણે જે કાંઈ કર્યુ તે આ શબ્દના અર્થથી વિરુદ્ધનું હતું. એમના નેતાઓનાં વ્યક્તિત્વો પણ અત્યંત છેતરામણાં હતાં.”

એરિક ફ્રોમની આ વાતનો ઉદ્દેશ આપણા દેશના સંદર્ભમાં સમજીએ તો જાણી શકાય કે કોરોનાનું જોર જ્યારે ઓછું થયું ત્યારે તેનો શ્રેય સરકારના નુમાંઈદગી કરનારાઓએ લીધો અને આજે કોરોના વકર્યો છે ત્યારે તેઓ પોતાની સત્તા વધુ વિસ્તરે તે માટે પ્રચાર કરી રહ્યા છે. વિદેશ ચિંતકોની જેમ આપણી ભાષાના સાહિત્યમાં આવા બોધ સાંપડે છે. મનુભાઈ પંચોળી ‘દર્શક’નું સૉક્રેટીસથી માર્ક્સ નામના પુસ્તકમાં ‘ઈશુ અને તેનો ધર્મ’ નામના પ્રકરણમાં લખે છે : “સમગ્ર રાજનીતિના કેન્દ્રમાં પ્રશ્ન એ છે કે રાજ્ય અનિવાર્ય છે, રાજ્યને દંડશક્તિ આપવી અનિવાર્ય છે. પણ તેને દંડશક્તિ કેટલી આપવી? તેના પર કેમ અંકુશ રાખવો? સત્તા એવો નશો ચડાવે છે કે, સત્તા મેળવનારા વધારે ને વધારે સત્તા પ્રાપ્ત કરવા હંમેશા પ્રયત્નશીલ રહે છે અને બીજું, તેમને પોતાનાં કૃત્યોનો જવાબ આપવાનું પસંદ નથી.”

આ પુસ્તકમાં જ આગળ ‘રાષ્ટ્રવાદ : દુનિયાનું દોજખ’ નામના પ્રકરણમાં મનુભાઈ પંચોળી લખે છે : “આ દુનિયામાં કોઈ પણ નિમિત્તે કે જરૂરિયાતોના સંદર્ભમાં લોકપ્રિય નેતાઓ-સરમુખત્યારોનાં પ્રજાએ અંધઅનુયાયી થવું અને તેમને સર્વસત્તા સમર્પિત કરવી તે આત્મઘાતક છે. સત્તા હંમેશાં નશો ચડાવે છે અને લૉર્ડ ઍક્ટને ધ્યાન દોર્યું છે તેમ નિરંકુશ સત્તા નિરકુંશ નશો ચડાવે છે અને પછી મનુષ્ય સર્વ ભાન ભૂલી જાય છે. જર્મનો પણ માણસ જ હતા. તેમને સંતાનો-પરિવાર હતાં છતે તેમની અંધ દેશભક્તિના ખ્યાલે નેતાઓના પ્રભાવ સાવ જડ પશુથી પણ હીણાં બનાવ્યાં. એટલે માનવજાતે કોઈ પણ અંધભક્તિ કરવી ન જોઈએ અને હંમેશાં વિવેકનો દીવો પ્રજ્વલિત રાખવો ઘટે.”

કોરોના અગાઉ આવી કટોકટીની કોઈએ કલ્પના પણ નહોતી કરી. જોકે નાની નાની અનેક ઘટનાઓ કટોકટીના એલાર્મરૂપી તો દેશમાં બનતી જ હતી,પરંતુ તેનો બોધપાઠ ન લેવાયો અને આજે દેશ સ્વાસ્થની કટોકટીમાં આવી ચૂક્યો છે. રોજેરોજ કોરોનાનો આંકડો રેકોર્ડ બ્રેક કરી રહ્યો છે. મૃત્યુઆંક વધી રહ્યો છે. તેમ છતાં તેનાં અનુભવને ગાંઠે બાંધીને નિર્ણય લેવાઈ રહ્યા નથી. બંગાળમાં ગત્ મહિનામાં જે ચૂંટણી પ્રચાર થયો તે તેનું ઉદાહરણ છે. અગાઉ રાજ્યમાં પણ એ જ રાહે ચૂંટણી થઈ પછી ક્રિકેટ જલસો થયો.

હવે આ સ્થિતિ કેમ આવી તે વિશે એરિક ફ્રોમ ‘શાણો સમાજ’ પુસ્તકમાં ‘સમજશક્તિ, અંતરાત્મા અને ધર્મ’ નામના પ્રકરણમાં લખે છે : “આજે માણસની બુદ્ધિનો ઘણો વિકાસ થયો છે, પણ તેની સમજશક્તિ ઘણી ઘટી છે. વાસ્તવિક પરિસ્થિતિને એ જેમની તેમ સ્વીકારી લે છે. એ તેને ખાવા માગે છે, તેનો ઉપભોગ કરવા માગે છે, તેને સ્પર્શવા માગે છે, તેને અનુકૂળ બનાવીને પોતાના માટે તેનો ઉપયોગ કરવા માગે છે, પરંતુ એ પૂછતોયે નથી કે તેની પછવાડે શું છે, આજે તે જેવી છે, તેવી શા માટે છે, અને બધું ક્યાં જઈ રહ્યું છે. ગમારપણાનો અર્થ આપણે જો સમજશક્તિપણાનો અભાવ કરતા હોઈએ, તો તે આજે પહેલાં કરતાં વધ્યું છે. આજે લગભગ દરેક માણસ ગીતા કે કુરાનની જેમ છાપું વાંચે છે, તેમ છતાં રાજકીય બનાવી સમજણનો આજે અભાવ છે. આજે આપણને એવા શસ્ત્રાસ્ત્રો બનાવી આપે છે, જેના પર આપણી સમજશક્તિ અંકુશ રાખી શકતી નથી. આપણને ‘શુંછે’ તેની ખબર છે, પણ ‘શા માટે’ છે તેની ખબર નથી.”

Most Popular

To Top