National

વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને જયપુરમાં કર્યો રોડ-શો

જયપુર: (Jaipur) પ્રજાસત્તાક દિનની પરેડના મુખ્ય અતિથિ બનવા માટે ભારત (Bharat) આવેલા ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રોડ-શો કર્યો હતો. બંને નેતાઓએ ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રસ્તાની બાજુએ ઉભેલા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

જયપુરના જાણીતા ઐતિહાસિક જંતર મંતરથી તેમણે પોતાના રોડ-શોનો આરંભ કર્યો હતો. બંને ખુલ્લા વાહનમાં જયપુરના રસ્તાઓ પર ફર્યા હતા અને રસ્તાની બાજુઓ પર ઉભેલા લોકો તરફ હાથ હલાવીને તેમનું અભિવાદન ઝીલ્યું હતું. ફ્રેન્ચ પ્રમુખ મેક્રોન જયપુર પહોંચ્યા હતા, જ્યારે યુપીથી વડાપ્રધાન મોદી પહોંચીને તેમને મળ્યા હતા. બંને નેતાઓ જંતર મંતર નજીક મળ્યા હતા. આ પહેલા મેક્રોન જયપુરનો જાણીતો આમેરનો કિલ્લો જોવા ગયા હતા. આ કિલ્લો નિહાળીને તેઓ જંતર મંતર આવ્યા હતા અને ત્યાં વડાપ્રધાન મોદી સાથે તેમની મુલાકાત થઇ હતી.

ફ્રેન્ચ પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સરસ રીતે સજાવેલા જયપુર શહેરમાં આવી પહોંચ્યા ત્યારે રાજસ્થાનના ગવર્નર કલરાજ મિશ્રા અને મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. મેક્રોનની સાથે આવેલા પ્રતિનિધિમંડળનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પરથી મેક્રોન આમેરનો કિલ્લો જોવા ગયા હતા જ્યાં વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી હાજર હતા.

આમેરના કિલ્લા ખાતે મેક્રોન માટે લાલ જાજમ પાથરવામાં આવી હતી અને તેમના માનમાં શણગારેલા હાથીઓ હરોળ બધ્ધ ઉભા રાખવામાં આવ્યા હતા. મેક્રોને જયપુરના અન્ય સ્થળો પર પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ જંતર મંતર વેધશાળા ગયા હતા જ્યાં વડાપ્રધાન મોદી સાથે તેમની મુલાકાત થઇ હતી, મોદી ઉત્તર પ્રદેશના બુલંદ શહરથી કાર્યક્રમ પતાવીને જયપુર આવ્યા હતા. બંનેએ જંતર મંતર વેધશાળાથી રોડ-શો શરૂ કર્યો હતો જે રોડ શો હવા મહલ ખાતે પુરો થયો હતો.

Most Popular

To Top