World

પીએમ મોદી પહોંચ્યા જાપાન, ટોચના ઉદ્યોગપતિઓ સાથે કરી મુલાકાત

જાપાન: વડા પ્રધાન (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે જાપાનના (Japan) પાટનગર ટોક્યો પહોંચ્યા હતાં. તેમના સન્માનમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે ભારતીય પ્રવાસીઓને સંબોધન દરમિયાન કહ્યું હતું કે અહીંની ભાષા, વેશભૂષા અને સંસ્કૃતિ તમારા જીવનનો ભાગ બની ગયા છે, તેનું કારણ છે કે ભારતીય સમુદાયના સંસ્કાર છે. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે જાપાન કમળના ફૂલની જેમ પોતાના મૂળિયા સાથે જોડાયેલું છે. ભારત અને જાપાનના સંબંધ પણ કંઈક આવા જ છે. આ સંબંધને 70 વર્ષ પૂર્ણ થયા છે, ભારત અને જાપાન નેચરલ પાર્ટનર છે. ભારતનો જાપાન સાથેનો સંબંધ બુદ્ધ અને બૌધનો છે. અમારી પાસે માતા સરસ્વતી છે તો જાપાનમાં બેંજાયતિન છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે 21મી સદીમાં પણ ભારત અને જાપાન પોતાના સાંસ્કૃતિ સંબંધોને વિકસાવવાના પ્રયાસો કરી રહ્યાં છે. આજના વિશ્વએ ભગવાન બુદ્ધના બતાવેલા માર્ગ પર ચાલવાની જરૂરિયાત પહેલાં કરતા વધુ છે. હિંસા, ત્રાસવાદ અથવા જળવાયુ પરિવર્તનનો સામનો કરવા માટે આ એક જ માર્ગ છે. વડા પ્રધાને વધુમાં કહ્યું હતું આજે અમે ગ્રીન ફ્યુચર અને ગ્રીન રોડ મેમ માટે ઝડપથી આગળ વધી રહ્યા છીએ. ગ્રીન હાઈડ્રોજન પ્રોજેકટ ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ દાયકાના અંત સુધી અમે 50 ટકા નોન ફોસિલ ઈંધણનો લક્ષ્ય પૂર્ણ કરી લઈશું.

પીએમ મોદી ર્ક્યક્રમમાં લોકોને સંબોધતા જણાવ્યું હતું કે મને માખણ પર લાઈન ખેચવામાં મજા આવતી નથી, હું પથ્થર પર લાઈન ખેંચુ છું. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, મને સંસ્કાર જ એવા મળ્યા છે કે હંમેશા મોટા પડકારો અને લક્ષ્ય માટે કામ કરૂ છું. પીએમ મોદીએ ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરતા કહ્યુ કે, ભારત જ્યારે આઝાદીના 75 વર્ષનો જશ્ન મનાવી રહ્યું છે તો આવનારા 25 વર્ષોની યોજના પણ તૈયાર કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે છેલ્લા બે વર્ષમાં ગ્લોબલ સપ્લાય ચેનને નુકસાન પહોંચ્યું છે. તેના પર સવાલો ઉભા થયા છે. અમે આ સંકટથી બચવા માટે આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યાં છીએ. અમારૂ આ રોકાણ ભારત માટે જ નહીં વિશ્વ માટે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે જાપાનની (Japan) મુલાકાતે પહોંચ્યા હતા. જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદાનાએ તેમજ ટોક્યોમાં (Tokyo) રહેતા મૂળ ભારતીય (Indian) લોકોએ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ ભારતીય લોકોએ ‘ભારત મા કા શેર આયા’ અને ભારત મા કી જયના ​​નારા લગાવ્યા હતા. પીએમ મોદીએ જાપાનના ઘણા ટોચના ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી હતી. સુઝુકી મોટર કોર્પોરેશનના ચેરમેને વડાપ્રધાન મોદીના કામની પ્રશંસા પણ કરી હતી.

24 મેના રોજ ટોક્યોમાં યોજાનારી ક્વાડ સમિટમાં ભારત સહિત 4 દેશો ભાગ લેશે. ભારતના પ્રધાનમંત્રી મોદી સહિત યુએસના પ્રમુખ જો બાઇડેન, જાપાનના વડાપ્રધાન અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેસિન હાજરી આપવાના છે. ક્વાડ સમિટ પહેલા, યુએસ પ્રમુખ જો બાઇડને જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ દરમિયાન બાઇડને સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકા તાઈવાનને ચીની આક્રમકતાથી બચાવવામાં મદદ કરશે. બિડેને તાઈવાનને લઈને ચેતવણી આપતા કહ્યું કે ચીન જોખમ સાથે રમી રહ્યું છે.

જાપાની બાળકની હિન્દી સાંભળી પીએમ ચોંકી ગયા
જાપાનમાં ભારતીય સમુદાયે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પીએમના સ્વાગત માટે બાળકો ભારતીય કપડામાં આવ્યા હતા. ત્યારે જપાની બાળકના મુખે હિન્દી સાંભળી પીએમ મોદીએ બાળકને પૂછ્યું કે તમે હિન્દી બોલી શકો છો? તો બાળકે ના પાડી કહ્યું કે હું હિન્દી નથી બોલી શકતો. ત્યારે પીએમ મોદી આશ્ચર્યચકિત થઇ ગયા હતા. આ સાથે પીએમ મોદીએ બાળકોને ઓટોગ્રાફ પણ આપ્યા હતા. ભારતીય લોકો પીએમ મોદીને મળ્યા અને ‘ભારત મા કા શેર આયા’ અને ભારત મા કી જયના ​​નારા લગાવ્યા હતા.

પીએમ મોદી: IPEFની શરૂઆત અમારી સામૂહિક ઇચ્છા છે
આઈપીઈએફના લોકાર્પણ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે, આ અમારી સામૂહિક ઈચ્છાશક્તિની ઘોષણા છે. હું આ મહત્વપૂર્ણ પહેલ માટે રાષ્ટ્રપતિ બિડેનનો ખૂબ ખૂબ આભાર માનું છું. ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર ઉત્પાદન, આર્થિક પ્રવૃત્તિ અને રોકાણનું કેન્દ્ર છે. ભારત સદીઓથી તેનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. ભારતનું સૌથી જૂનું વ્યાપારી બંદર લોથલ ખાતે હતું. આથી જરૂરી છે કે આપણે આર્થિક ક્ષેત્રના પડકારોના સામાન્ય ઉકેલો શોધીએ.

PM મોદી NEC કોર્પોરેશનના ચેરમેનને મળ્યા
PM મોદી ટોક્યોમાં રાષ્ટ્રીય કાર્યકારી સમિતિ (NEC) કોર્પોરેશનના અધ્યક્ષ ડૉ. નોબુહિરો એન્ડોને મળ્યા હતા. પીએમ મોદીએ ભારતના ટેલિકોમ સેક્ટરમાં NECની ભૂમિકાની પ્રશંસા કરી અને ભારતમાં નવી અને તકનીકોમાં તકોની ચર્ચા કરી હતી. તમણે કહ્યું હતુ કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના દિવસોથી જાપાનના લોકો સાથે નિયમિત રીતે વાતચીત કરવાની તક મળી છે. જાપાનની વિકાસલક્ષી પ્રગતિ હંમેશા પ્રશંસનીય રહી છે. જાપાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી, ઈનોવેશન, સ્ટાર્ટ-અપ વગેરે સહિતના મહત્ત્વના ક્ષેત્રોમાં ભારતની ભાગીદારી કરી રહ્યું છે.

સુઝુકી મોટર કોર્પોરેશનના સલાહકારોએ પીએમ મોદીની પ્રશંસા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટોક્યોમાં સોફ્ટબેંક ગ્રુપ કોર્પના બોર્ડ ડિરેક્ટર માસાયોશી સોન સાથે મુલાકાત કરી હતી. આ સિવાય તેઓ સુઝુકી મોટર કોર્પોરેશનના સલાહકાર ઓસામુ સુઝુકીને પણ મળ્યા હતા. સોફ્ટબેંક ગ્રુપ કોર્પોરેશનના બોર્ડ ડિરેક્ટર માસાયોશી સોને પણ પીએમ મોદી અને ભારતની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતમાં દરરોજ નવા સ્ટાર્ટઅપની રચના થઈ રહી છે અને નવા યુનિકોર્ન બનાવવામાં આવી રહ્યા છે. મને લાગે છે કે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે. વડાપ્રધાન મોદી ભારતની સફળતા માટે પ્રતિબદ્ધ છે. તેઓ સ્ટાર્ટઅપ અને યુનિકોર્નને સપોર્ટ કરી રહ્યાં છે. આ સાથે તેઓ ભારતને વિશ્વમાં ટેકનું કેન્દ્ર બનાવી રહ્યા છે. યુનિક્લોના ચેરમેન, પ્રેસિડેન્ટ અને સીઈઓ તાદાશી યાનાઈએ પીએમ મોદીને મળ્યા બાદ ભારતની પ્રશંસા કરી. તદશી યાનાઈએ કહ્યુ કે ભારતના લોકોમાં ઉદ્યોગો શરૂ કરવાની ધગસ પ્રશંસાને પાત્ર છે. પીએમ મોદીએ તેમને પીએમ-મિત્ર યોજનામાં ભાગ લેવા કહ્યું, જે કાપડ ક્ષેત્રને મજબૂત કરવા માટે શરૂ કરવામાં આવી છે.

આ બાબતો પર સુઝુકી સાથે ચર્ચા કરવામાં આવી હતી
વડાપ્રધાન અને ઓસામુ સુઝુકીએ ભારતમાં રોકાણ કરવાની તકો અંગે પણ ચર્ચા કરી હતી. તેમજ ટકાઉ વૃદ્ધિના ધ્યેયને હાંસલ કરવા માટે ઇલેક્ટ્રિક વાહન અને બેટરીના ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા અને ભારતમાં રિસાયક્લિંગ સેન્ટર શરૂ કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. તેઓએ ભારતમાં જાપાન-ભારત ઈન્સ્ટીટ્યુટ ઓફ મેન્યુફેક્ચરીંગ અને જાપાનીઝ એન્ડોવ્ડ કોર્સીસ દ્વારા કૌશલ્ય વિકાસ સહિત ભારતમાં સ્થાનિક ઈનોવેશન સિસ્ટમ્સ બનાવવા માટેની વ્યૂહરચનાઓની ચર્ચા કરી હતી.

પીએમ મોદી જાપાનના ઉદ્યોગપતિઓને મળ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે આ ઉદ્યોગપતિઓમાં ભારત પ્રત્યે ઘણો ઉત્સાહ છે. PM એ લખ્યું કે ટોક્યોમાં ટોચના ઉદ્યોગપતિઓને મળ્યા. અમારી વાતચીતમાં રોકાણમાં નવીનતા, ટેક્નોલોજીથી લઈને ટેક્સટાઈલ, સ્ટાર્ટઅપમાં સુધાર સહિતના ઘણા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ ઉદ્યોગપતિઓમાં ભારત અને ભારતના યુવાનોની સાહસિકતા માટે ઘણો ઉત્સાહ છે.



Most Popular

To Top