Business

શું છે PM MITRA? આ સુવિધા માટે સુરતનો ઉદ્યોગ કેમ વલખા મારી રહ્યો છે?

સુરત : કેન્દ્ર સરકાર (Central govt)ની મેગા ઇન્વેસ્ટમેન્ટ ટેકસટાઇલ્સ રિજીયન એન્ડ એપેરલ પાર્ક (PM MITRA)ની યોજનાને કેબિનેટ દ્વારા મંજૂરી મળી છે, જેને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (chamber of commerce) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આવકાર આપવામાં આવ્યો છે.

મેગા ટેક્સટાઈલ પાર્ક (mega textile park) માટેની ગાઈડ લાઈનમાં ચેમ્બરની રજુઆતો સ્વીકારવામાં આવતા ચેમ્બરે પિયુષ ગોયલ (Piyush goyel) અને દર્શના જરદોશ (Darshna jardosh)નો આભાર માન્યો છે. ભારત સરકારના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ટેકસટાઇલ્સ, કન્ઝયુમર અફેર્સ અને ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન મંત્રી પીયુષ ગોયલ સુરત આવ્યા હતાં ત્યારે ચેમ્બર દ્વારા તેમને ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. ચેમ્બર દ્વારા પીયુષ ગોયલને જણાવવામાં આવ્યું હતું કે, આટલા મોટા પાયા ઉપર જ્યારે ટેકસટાઇલ પાર્ક સ્થપાતો હોય તો તેના માટે જરૂરી છે કે જ્યાં આ પાર્ક સ્થપાય તેની આજુબાજુમાં તેની ઇકો સિસ્ટમ સ્થપાયેલી હોવી જોઇએ. આ સ્કીમની ગાઇડલાઇન પ્રમાણે રાજ્ય સરકારને પાર્ક માટે જમીનની ફાળવણી કરવાની રહેશે. જ્યારે કેન્દ્ર સરકાર ગ્રીન ફિલ્ડ અને બ્રાઉન ફિલ્ડ માટે અનુક્રમે રૂપિયા 500 કરોડ અને રૂપિયા 200 કરોડ ફાળવશે.

આ ઉપરાંત પ્રાઇવેટ ડેવલપર્સ બાકીનું રોકાણ લાવીને પાર્કને મેનેજ કરશે અને કન્સેશન પિરિયડ સુધીમાં જાળવણી ખર્ચની ઉઘરાણી કરશે. જેમાં રાજ્ય સરકારનો પણ હિસ્સો રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા એક પાર્કમાં રૂપિયા 1700 કરોડનો અંદાજિત ખર્ચ મુકવામાં આવ્યો છે. આથી સુરતમાં બ્રાઉન ફિલ્ડ પ્રોજેકટ માટેનો સ્કોપ ઓછો હોઇ ગ્રીન ફિલ્ડ પ્રોજેકટ સ્થપાય તે અંગે ચેમ્બર દ્વારા પ્રયાસ કરવામાં આવશે. આ સ્કીમમાં રાજ્ય સરકારે મહત્વની ભૂમિકા ભજવવાની હોવાથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તરફથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પ્રેઝન્ટેશન કરવાની તૈયારી હાથ ધરાઇ છે. સુરત ફરતેના વિસ્તારો જેવા કે નવસારી, તાપી અથવા ભરૂચ જિલ્લામાં પાર્ક સ્થપાય તે માટે ખૂબ જ ઝડપથી સફળતા મળી શકે છે.

મેગા ટેકસટાઈલ પાર્ક સુરત ફરતેના વિસ્તારમાં સ્થપાશે તો ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ પણ આવશે : ચેમ્બર
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, મેગા ઇન્વેસ્ટમેન્ટ ટેકસટાઇલ્સ રિજીયન એન્ડ એપેરલ પાર્ક (PM MITRA) સુરત ફરતેના વિસ્તારમાં સ્થપાય તો સુરતના એમ.એમ.એફ. ઉદ્યોગનો જબરજસ્ત વિકાસ થશે તથા સ્ટેટ ઓફ ધ આર્ટ, ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ અને પ્રોસેસિંગ એકમો દક્ષિણ ગુજરાતમાં સ્થપાશે. છેલ્લા ઘણા વખતથી આ ક્ષેત્રમાં વિદેશી રોકાણ માટેની પણ ઘણી ઇન્કવાયરી આવી રહી છે ત્યારે જો આ પાર્ક સુરત ફરતેના વિસ્તારમાં સ્થપાશે તો ઘણા મોટા પ્રમાણમાં ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ આવવાની સંભાવના છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પાર્ક બનાવવાથી દક્ષિણ ગુજરાતના એમ.એમ.એફ.

ટેકસટાઇલ ઉદ્યોગ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનશે તથા ગારમેન્ટિંગ ક્ષેત્રે હજી સુધી સુરતમાં જે વિકાસ થયો નથી તેને ખૂબ મોટા પાયા ઉપર વેગ મળશે. જો કે, આ સ્કીમની વિગતવાર ગાઇડલાઇન આવવાની બાકી છે અને એ આવ્યા બાદ આગળની વ્યૂહરચના નકકી કરાશે. ચેમ્બર દ્વારા સૂચવાયેલા ક્રાઇટેરીયાનો જાહેર કરેલી સ્કીમની ગાઇડલાઇનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top