Gujarat

પીએમ મોદી મહેસાણામાં રૂ.2890 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કરશે

ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદી આગામી તા.9થી 11 દરમ્યાન ગુજરાતની (Gujarat) મુલાકાતે આવી રહ્યા છે, વિવિધ લોકાર્પણ તથા ખાતમુહૂર્તની તૈયારીઓ ચાલી રહી છે. તા. 9 ઓક્ટો.ના રોજ પીએમ નરેન્દ્ર મોદી મહેસાણા ખાતે રૂ.2890 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

આ વિકાસકાર્યોમાં રૂ.511 કરોડના ખર્ચે સાબરમતી-જગુદણ ગેજ કન્વર્ઝન (53.43 કિમી)નું લોકાર્પણ કરવામાં આવશે, જે અમદાવાદ-મહેસાણા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ (68.78 કિમી)નો એક ભાગ છે. સાથે જ, રૂ.336 કરોડના ખર્ચે ONGC-નંદાસણ સરફેસ ફેસિલિટીનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત, જે વિકાસકાર્યોનું લોકાર્પણ થશે, તેમાં એમ.એસ. પાઇપલાઇન પ્રોજેક્ટ, મોઢેરા સોલાર વિલેજ, ધરોઇ ડેમ આધારિત વડનગર, ખેરાલુ અને ધરોઇ ગ્રુપ રિફોર્મ સ્કીમ, બેચરાજી-મોઢેરા-ચાણસ્મા રોડ, ઉંઝા-દસાજ-ઉપેરા-લાડોલ રોડ એક્સપાન્શનની કામગીરી, મહેસાણા ખાતે રિજિયોનલ ટ્રેનિંગ સેન્ટર (SPIPA) અને મોઢેરા સૂર્યમંદિર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શૉનો સમાવેશ થાય છે. કુલ મળીને રૂ.1145.64 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.

1181.34 કરોડના હાઈવે-રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરાશે
સાથે જ, રૂ.1181.34 કરોડના ખર્ચે NH-68 ના પાટણથી ગોઝારિયા સુધીના રસ્તાનું 4 લેન અપગ્રેડેશન અને પીએસ હાઇવેની કામગીરીનું ખાતમુહૂર્ત ઉપરાંત, રૂ.340 કરોડના ખર્ચે મિલ્ક પાવડર પ્લાન્ટ, રૂ.110 કરોડના ખર્ચે ટેટ્રા પેક પ્લાન્ટ અને રૂ.106 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના કાર્યોનું પણ ખાતમુહૂર્ત તેમજ વિસનગર-ઉમટા-સુંઢિયા-ખેરાલુ રોડ પર બ્રિજીસના બાંધકામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. બધું મળીને કુલ રૂ.1747.38 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આમ, મહેસાણાને રૂ.2893.02 કરોડના વિકાસકાર્યોનો આરંભ થશે.

Most Popular

To Top