Gujarat

PM મોદી ગાંધીનગરમાં રૂ.1946 કરોડના ખર્ચે તૈયાર કરેલ આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કરાવશે

ગાંધીનગર: પીએમ (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) આવતીકાલે એક દિવસ માટે ગુજરાતની (Gujarat) મુલાકાતે આવી રહ્યાં છે, જેના પગલે ગાંધીનગરમાં સધન સલામતી વ્યવસ્થા ઊભી કરાઈ છે. પીએમ મોદી આવતીકાલે ગાંધીનગરમા મહાત્મા મંદિર ખાતે 1946 કરોડના રૂા.42,441 આવાસોના ગૃહ પ્રવેશ – લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે ( અમૃત આવાસોત્સવ ) – જયારે રૂા.2452 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત ગીફટ સિટી નજીક નિજાનંદ ફાર્મ ખાતે અખિલ ભારતીય શૈક્ષણિક સંમેલનને સંબોધન કરશે.

અમૃત આવાસોત્સવ
પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે 12 મી મે 2023 ના રોજ ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ) ના લાભાર્થીઓ માટે રૂ.1946 કરોડના ખર્ચે આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કરાવશે. મહાત્મા મંદિર ખાતે બપોરે 12.00 વાગે યોજાનાર આ ‘અમૃત આવાસોત્સવ’ કાર્યક્રમમાં માનનીય સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમજ અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ 7113 આવાસોનું લોકાર્પણ, 4331 આવાસોનું ખાતમુહુર્ત અને 18,997 આવાસોમાં ગૃહપ્રવેશ કરાવવામાં આવશે, જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 232 તાલુકાઓના 3740 ગામોમાં 12,000 આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. આમ, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ રૂ.1946 કરોડના ખર્ચે 42,441 આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કરવામાં આવશે.

2452 કરોડના લોકાર્પણ – ખાતમુહૂર્ત
પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે તા. 12 મે ના રોજ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રૂ.2452 કરોડના વિવિધ વિભાગોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. જેમાં શહેરી વિકાસ વિભાગના રૂ.1654 કરોડ, વોટર સપ્લાય વિભાગના રૂ.734 કરોડ, માર્ગ અને વાહનવ્યવહાર વિભાગના રૂ.39 કરોડ તેમજ ખાણ અને ખનિજ વિભાગના રૂ.25 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. રાજયના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

શહેરી વિકાસ વિભાગના અનેક ફ્લાય ઓવર ખુલ્લા મુકાશે
શહેરી વિકાસ વિભાગ દ્વારા મહેસાણાના કસ્બામાં 18.46 MLD ક્ષમતાના અને નાગલપુરમાં 23.18 MLD ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (STP) તેમજ અમદાવાદમાં બાપુનગર સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે 30 MLD ક્ષમતાના STP તેમજ રાઇઝિંગ મેઇનનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત, દહેગામ ખાતે ઓડિટોરિયમનું લોકાર્પણ તેમજ અમદાવાદમાં એસપી રિંગ રોડ અને મુમદપુરા ક્રોસિંગ પાસે ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે.

પીએમ મોદી 91 હજાર શિક્ષકોને સંબોધશે
પીએમ મોદી ગીફટ સીટી નજીક અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના 29મા દ્વિવાર્ષિક શૈક્ષણિક સંમેલનને સંબોધન કરશે જેમાં દેશભરમાંથી 91 હજાર શિક્ષકો ઉપસ્થિત રહેશે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક આવેલ નિજાનંદ ફાર્મ ખાતે તારીખ 11 થી 13 મે, 2023 દરમિયાન અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના 29મા દ્વિવાર્ષિક શૈક્ષણિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વખતના સંમેલનની થીમ છે, ‘ટીચર્સ એટ ધ હાર્ટ ઓફ ટ્રાન્સફોર્મિંગ એજ્યુકેશન’ (શિક્ષણમાં પરિવર્તન લાવવાની પ્રક્રિયાના કેન્દ્રમાં શિક્ષકો). આ સંમેલનના બીજા દિવસે એટલે કે 12 મે, 2023ના રોજ પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પુરુષોત્તમ રૂપાલા, લોકસભા સાંસદ સી.આર. પાટિલ, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા, ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

Most Popular

To Top