SURAT

તાપી નદીમાં હવે પ્રતિબંધિત વિસ્તારમાં પણ પ્લેટફોર્મ બનાવી રેતીખનન

સુરત જિલ્લામાં તાજેતરમાં કલેકટરે શહેર અન તાપી નદીના હિતમાં ચોકકસ વિસ્તારોમાં યાંત્રિક નાવડા એટલે કે બાજ મારફત રેતીખનન કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં કામરેજમાં મોટાપાયે રેતીખનન ચાલું થતા આજે કોંગ્રેસના આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી તપાસ કરાવવા માંગણી કરી છે.

સુરત શહેરમાં બેરોકટોક ચાલી રહેલા ગેરકાયદે રેતીખનન સાથે સાથે સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કામરેજ તાલુકાના ગાયપગલા, ખોલેશ્વર, ડુંગરા, ધોરણ પારડી તેમજ આંબોલી અને કરજણ ગામના તાપી તટે ખુલ્લેઆમ રેતીખનન ચાલી રહ્યું છે.

જિલ્લા કલેકટરે કાકરાપાર વિયર તેમજ સુરત શહેરના હિતમાં સિંચાઇ વિભાગની રજૂઆતોને પગલે તાપી નદીમાં યાંત્રિક બોટ એટલે મોટા બાર્જ મારફત રેતીખનન માટે મનાઇ ફરમાવી દીધો હોવા છતાં ખોલેશ્વરમાં ખુલ્લેઆમ રેતીખનન ચાલી રહ્યું છે. આ અંગે સુરત જિલ્લા યુવક કોંગ્રેસના આગેવાન પ્રદીપ ભરવાડે કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.

આવેદનપત્રમાં રજૂઆત કરતાં જણાવ્યું છે કે, કામરેજ તાલુકામાં ખનિજમાફિયાઓ બેફામ છે. ભૂસ્તર વિભાગના અધિકારીઓના મેળાપીપણામાં ખનિજમાફિયાઓ જિલ્લા કલેકટરનો પરિપત્ર ઘોળીને પી ગયા છે. છેલ્લા કેટલાંક સમયથી ઉકત વિસ્તારમાં રોજની હજારો ટ્રક રેતી ઉલેચી સરકારને કરોડોની રોયલ્ટીની ચોરી કરી રહ્યા છે. પ્રદીપ ભરવાડે કહ્યું હતું કે સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ચાલી રહેલી ગેરકાયદે રેતીખનન સામે ગ્રામજનોમાં પણ ભારે રોષ છે. પરંતુ ગામના કેટલાંક મોટામાથાઓ અને ખનિજ માફિયાઓ ભેગા મળી સ્થાનિક લોકોનો અવાજ દબાવી રહ્યાં છે. યુવક કોંગ્રેસએ જિલ્લા કલેકટર પાસે સમગ્ર કામરેજ પંથકના તાપી કિનારે તપાસની માંગણી કરી છે.

ખોલેશ્વરમાં દામજી દુધાગરાને કોના ઇશારે પ્લેટફોર્મ બનાવવા પરવાનગી અપાઇ?

સુરત યુવક કોંગ્રેસના આગેવાન પ્રદીપ ભરવાડે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરતા કહ્યું હતું કે, એક તરફ જિલ્લા કલેકટર બાર્જ ચલાવવા તેમજ પ્લેટફોર્મ બનાવવા ના પાડી છે. તો બીજી તરફ ખોલેશ્વર ગામમાં છેલ્લા કેટલાંક સમયથી ખુલ્લેઆમ દામજીભાઇ પોપટભાઇ દુધાગરાએ પ્લેટફોર્મ બનાવી બાર્જ મારફત રેતી ઉલેચવાનું ચાલુ રાખ્યું છે.

દરઅસલ તેમની લીઝ એરિયા અને કલેકટરનો પ્રતિબંધિત એરિયા નજીક છે. લીઝ હોલ્ડર દુધાગરાને જિલ્લા કેલકટર તરફથી સ્પેશ્યલ કેસમાં પ્લેટફોર્મ બનાવવાની પરમિશન અપાઇ છે કે કેમ તેની તપાસ જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, જો કલેકટરે આ એક લીઝ હોલ્ડરને પ્લેટફોર્મ માટે પરવાનગી આપી હોય તો બીજા લીઝ હોલ્ડરને કેમ અન્યાય કરાઇ રહ્યો છે? તેમણે આ અંગે આગામી દિવસોમાં આંદોલન તેજ બનાવવાની ચિમકી આપી છે.

કેટલાંક લીઝ હોલ્ડરો રાતે બેઠક કરી ભેગા થયા

સુરત જિલ્લા કામરેજ તાલુકામાં ઠેરઠેર ચાલી રહેલા ગેરકાયદે રેતીખનનના પર્દાફાશ બાદ આજે રાતે કેટલાંક લીઝ હોલ્ડરો ભેગા થયા હતા. તેમને આ મામલે ચર્ચા કરી હતી. કહેવાય છે કે એક પ્લેટફોર્મ બનાવવા માટે લાખ્ખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. અને આ મહિને તેમને રેતીખનન કરવામાં અવરોધ ઉભો થાય તો પ્લટોફોર્મનો ખર્ચ માથે પડે તેમ છે. જેને પગલે આજે રાતે લીઝ હોલ્ડરો ભેગા થયા હતાં. કહેવાય છે કે ભૂસ્તર વિભાગના બે માણસો આ લોકો સાથે લાઇન ઉપર છે તેમને આ વિસ્તારમાં ગેરકાયદે રેતીખનન ચાલુ રાખવા દેવા માટે લાંબુ ટૂંકી રકમ ભેગી કરવા માટે પણ કહ્યું છે. જેને લઇને લીઝ હોલ્ડરોએ ફંડફાળો ભેગો કરવાની કવાયત ચાલુ કરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top