Gujarat

પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે ગાંધીનગરમાં કોંગ્રેસના ધરણા-દેખાવો: અમીત ચાવડાની ધરપકડ

ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે શુક્રવારે ગાંધીનગરમાં ગુજરાત કોંગ્રેસના સિનિયર અગ્રણીઓ દ્વારા ધરણા-દેખાવો કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમીત ચાવડાની ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાંથી ધરપકડ કરી લેવાઈ હતી. આ વિરોધ પ્રદર્શનના આંદોલનમાં સ્થાનિક તેમજ રાજ્યકક્ષાના આગેવાનો પણ જોડાયા હતા. રાજ્યવ્યાપી ધરણા દરમ્યાન કોંગીની નેતાગીરીએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 5 મહિનામાં 42 વખત ભાવ વધારો કરાયો છે. સરકાર જો તાત્કાલિક આ પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો અને લુંટ બંધ નહી કરે તો આવનારા સમયમાં લોકોને સાથે રાખીને આંદોલનાત્મક કાર્યક્રમો વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, હાલમાં મોંઘવારીનો કહેર છે, પેટ્રોલ-ડીઝલ, ગેસ, તેલના ભાવો આસમાને છે. ખાસ કરીને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી તમામ ચીજવસ્તુઓમાં ભાવ વધારો થાય છે, મોંઘવારી વધે છે. કોરોના મહામારીના કપરા સમયમાં ચારે તરફ લોકો પાયમાલ થઈ ગયા છે. લોકોના કામધંધા ઠપ્પ થઇ ગયા હોય, લોકોને ઘર ચલાવવું મુશ્કેલ હોય ત્યારે સરકારે રાહત આપવાની હોય- મદદ કરવાની હોય તેના બદલે પોતાની તિજોરી ભરીને લુંટવાનું કામ થઇ રહ્યું છે, તિજોરી ભરીને પણ પ્રજા માટે પૈસાના વપરાય પણ ભવ્ય સંસદ ભવન અને વડાપ્રધાન નિવાસસ્થાન બનાવવાના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પાછળ પૈસાનું આંધણ થાય છે. ત્યારે આજે દેશમાં ગુજરાતમાં લોકોમાં મોંઘવારીના નામે, પેટ્રોલ- ડીઝલના ભાવ વધારાના નામે સરકાર લુંટી રહી હોવાનો આક્રોશ છે .

મોદી સરકારે આ રીતે ૫ ગણીથી વધારે કમાણી કરી
કોંગ્રેસ અગ્રણીઓએ આક્ષેપ કર્યો હતો કે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના ભાવ ઓછા હોવા છતાં ભારતમાં પેટ્રોલ- ડીઝલ મોંઘા મળી રહ્યા છે, વર્ષ ૨૦૧૪ પહેલા પેટ્રોલ- ડીઝલના ભાવો સામે કાગારોળ મચાવનારી ભાજપ હવે પોતે સત્તામાં આવીને એક્સાઈઝ ડ્યુટીમાં તોતિંગ વધારા કરીને અને પેટ્રોલ- ડીઝલના ભાવોમાં વધારા કરીને દેશના સામાન્ય માણસમાં લુંટ મચાવી રહી છે. પેટ્રોલ-ડીઝલની મૂળ કિંમત કરતા પણ વધારે ટેક્સ તો માત્ર કેન્દ્ર સરકાર લઇ રહી છે, ઉપરથી રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતા VATનો બોજ સામાન્ય લોકોની કમર તોડી નાખે છે. વર્ષ ૨૦૧૪માં યુપીએ સરકાર દરમિયાન પેટ્રોલ પર ૧૦.૩૮ રૂપિયા ટેક્સ લેવામાં આવતો હતો જે આજે ૩૨.૯૦ રૂપિયા લેવામાં આવે છે. તો વર્ષ ૨૦૧૪માં યુપીએ સરકાર દરમિયાન ડીઝલ પર કેન્દ્ર સરકાર દ્વારા ૪.૫૨ રૂપિયા ટેક્સ લેવામાં આવતો હતો જે હાલમાં ૩૧.૮૦ રૂપિયા લેવામાં આવે છે.

આમ કેન્દ્રમાં મોદી સરકારના શાસનમાં કોંગ્રેસની સરકારની તુલનામાં એક્સાઈઝ ડ્યુટીમાં પેટ્રોલ પર ૩ ગણો અને ડીઝલ પર સાત ગણો વધારો કરવામાં આવ્યો છે. જેના પર રાજ્ય સરકારનો VAT લાગતા લોકોએ મૂળ કિંમત કરતા ત્રણ ગણી કિંમત ચૂકવવી પડે છે. વર્ષ ૨૦૧૪થી ક્રુડના ભાવોમાં સતત ઘટાડો થવા છતાં કેન્દ્રની મોદી સરકારે તેનો લાભ દેશના નાગરિકોને આપવાને બદલે કમાણી કરવામાં જ લીધો છે. પેટ્રોલ- ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીથી વર્ષ 2013-14માં સરકારને 51053 કરોડની આવક થઇ હતી, ત્યારબાદ મોદી સરકારના શાસનમાં આવતા વર્ષ 2014-15માં 72160 કરોડ, વર્ષ 2015-16માં 1 લાખ 53 હજાર 736 કરોડ, વર્ષ 2016-17માં 2 લાખ 15 હજાર 392 કરોડ, વર્ષ 2017-18માં 2 લાખ 3 હજાર 494 કરોડ, 2018-19માં 1 લાખ 25 હજાર 631 કરોડ, વર્ષ 2019-20માં 2 લાખ 01 હજાર 396 કરોડ, વર્ષ 2020-21ના 10 મહિનામાં 2 લાખ 94 હજાર 481 કરોડની આવક મેળવી છે, એટલે કે યુપીએ સરકાર કરતા એક્સાઈઝના રૂપમાં કેન્દ્રની મોદી સરકારે ૫ ગણીથી વધારે કમાણી કરી રહી છે.

Most Popular

To Top