Comments

વ્યકિતત્વવિકાસ: પેકીંગ અગત્યનું કે ગુણવત્તા?

વ્યકિતત્વવિકાસ એટલે કે ‘પર્સનાલીટી ડેવલપમેન્ટ’નું એક નવું બજાર કહો કે દુકાન શિક્ષણના ક્ષેત્રમાં આવ્યું છે. આમ તો વ્યકિતત્વવિકાસ એ પ્રક્રિયા છે અને સમગ્ર કેળવણી, ઘડતરનું વર્ષો પછી મળતું પરિણામ એટલે વિકસિત વ્યકિતત્વ સમાજમાં જેને આપણે ‘સજજન’ કહીએ છીએ તે એક પરિપકવ નાગરિક! આજે બજારને સેલ્સમેન જોઇએ છે. આ ‘સેલ્સમેન’ તૈયાર કરવાના કલાસ ચાલુ થયા છે અને આ કોર્ષને ‘પર્સનાલીટી ડેવલપમેન્ટ’નું રૂપાળું નામ આપવામાં આવ્યું છે. અર્થશાસ્ત્ર જેને ઇજારાયુકત હરીફાઇ કહે છે તે આધુનિક બજારોમાં નજીકની અવેજી વસ્તુઓ વેચાય છે. વસ્તુઓ મૂળભૂત રીતે સરખી જ હોય છે. પણ વેપારી પોતાની વસ્તુ વેચવા માટે તે ‘જુદી છે’ તેવો ભ્રમ ઊભો કરે છે અને આ ભ્રમ ઊભો કરવા તે ‘પેકીંગ’ને જુદું પાડે છે. જે જરૂરી નથી તેવી વિશેષતાઓ ઊભી કરે છે અને તેનું માર્કેટીંગ કરે છે.

સ્વામી વિવેકાનંદે વિદેશમાં કહ્યું હતું કે તમારે ત્યાં જેન્ટલમેન દરજી તૈયાર કરે છે. અમારે ત્યાં વિદ્યાપીઠોમાં તૈયાર થાય છે! જો કે ભારત માટેનું આ સત્ય હવે ભારતને જ મંજૂર નથી. તેને પણ દરજીએ તૈયાર કરેલાં સજજનો પર વધારે વિશ્વાસ પડવા લાગ્યો છે. કોટ-પેન્ટ ટાઇ, ચોકકસ હેર સ્ટાઇલ, ચાંપલું ચાંપલું બોલવાની પધ્ધતિ કારણ વગરનું અંગ્રેજી. આ પર્સનાલીટી ડેવલપમેન્ટનાં લક્ષણો છે! બજારમાં કંપનીઓ પોતાની જરૂર મુજબના સેલ્સમેનો તૈયાર કરે છે તેવી જ રીતે ધાર્મિક સમ્પ્રદાયો પણ પોતાના સંપ્રદાયના પ્રચાર પ્રસાર માટે ‘સેલ્સમેનો’ તૈયાર કરે છે અને પોતાની વિચારધારા મુજબના વ્યકિતત્વઘડતરને ‘પર્સનાલીટી ડેવલપમેન્ટ’ ગણે છે, જે ખરેખર તો મગજનું કન્ડીશનીંગ કરે છે.

શિક્ષણજગતને લાગેવળગે છે ત્યાં સુધી આવા ‘ખાસ’ વ્યકિતત્વવિકાસના અભ્યાસક્રમોની જરૂર નથી. ઉલટાનું એક રીતે આ અલગ રીતે થતા તમામ પર્સનાલીટી ડેવલપમેન્ટ કોર્ષ એ સૌ પ્રથમ તો શિક્ષણજગતને જ ચેલેન્જ કરે છે! આવા જુદા, ખાનગી કોર્ષની શરૂઆત જ એ વાતથી થાય છે કે ‘આજના ઔપચારિક શિક્ષણમાં તમારો વિકાસ થતો નથી, થવાનો નથી’, ‘આપણી શિક્ષણપધ્ધતિમાં જ આ નથી.’ ખરેખર તો શિક્ષણની પ્રક્રિયામાં વિદ્યાર્થીના વ્યકિતત્વઘડતરની પ્રક્રિયા આપોઆપ જોડાયેલી જ છે. હા, ઉચ્ચ શિક્ષણમાં જે ખાસ વ્યવસાયલક્ષી કોર્ષ આવ્યા છે તેમાં તે નથી, પણ આપણા મૂળભૂત શાળા- કોલેજના શિક્ષણમાં તો કેળવણીની આખી પ્રક્રિયા છે જ! મૂળ વાત છે તે પ્રક્રિયાને જીવંત રાખવાની. શાળા કે કોલેજ કક્ષાએ વકતૃત્વ સ્પર્ધા, ગીત સ્પર્ધા, નાટક, કિવઝ, નિબંધ જેવી સ્પર્ધાઓ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓના આંતરિક ગુણોનો વિકાસ કરે છે. શાળા કોલેજના શિક્ષકો અધ્યાપકો આ પ્રવૃત્તિ દ્વારા જ વિદ્યાર્થીઓના આંતરિક ગુણોને ઓળખે છે. સારા શિક્ષકનું કામ જ આ છે કે તે વિદ્યાર્થીને ખરા અર્થમાં ઓળખે!

આપણા યુવક મહોત્સવો જિલ્લા કે રાજય કક્ષાની વિવિધ સ્પર્ધાઓ વ્યકિતત્વવિકાસની પ્રવૃત્તિ જ છે. યુનિવર્સિટીઓ દ્વારા યોજાતી તાલીમ શિબિરો વ્યકિતત્વઘડતરને દિશા આપે છે! અને વિદ્યાર્થીનું સહજ રીતે ઘડતર થાય છે! પણ આજે પરીક્ષાનાં પરિણામ અને ટકા પાછળ છોડતા વાલીઓ જ બાળકોને આ વિવિધ સાંસ્કૃતિક, રમતગમત સ્પર્ધાઓમાં ભાગ લેવા દેતા નથી! આ જ મા-બાપ પાછળથી છોકરાઓને બજારમાં ચાલતા ‘પર્સનાલીટી ડેવલપમેન્ટ’ કોર્ષમાં મૂકે છે. આજે ‘મોટીવેશનલ સ્પિકરોનો રાફડો ફાટયો છે. જો બાળક શાળા કોલેજમાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઇને ઘડાયો હોય તો તેને કોઇ મોટીવેશનલ સ્પિકરની જરૂર પડતી નથી! ગામડાની શાળા કોલેજમાં અપ-ડાઉન કરીને ભણતાં વિદ્યાર્થીઓ મોટીવેશનલ સ્પિકરોને આશ્વાસન આપે તેવા હોય છે.

યાદ રાખવા જેવી વાત એ છે કે જેમ રોજની થોડી કસરત, થોડી શારીરિક પ્રવૃત્તિ, પોષણયુકત આહાર અને નિયમિત જીવનક્રમમાંથી એક સ્વસ્થ – મજબૂત શરીર વિકસે છે. વિટામીનની ગોળી લઇને વિકસતું નથી. તે તો ઊણપ દૂર કરે છે! માત્ર! તેમ વ્યકિતત્વવિકાસ એ ઘડતરની પ્રક્રિયાનું પરિણામ છે. એકાદ અઠવાડિયા, મહિનાના કોર્ષથી તે થઇ શકતું નથી!

વળી કોઇ પણ ‘વ્યકિતત્વવિકાસના કોર્ષ’ મૂળભૂત વ્યકિતત્વ બદલતા નથી. તે માત્ર ઘાટ ઘડવામાં મદદ કરે! ‘શેપ’ આપે! સાચો માર્ગદર્શક જે વ્યકિતત્વ છે તેને વધારે નિખાર કેમ આપવો તે માર્ગ બતાવે છે. ટૂંકમાં કહો કે ‘ગધેડાએ સારા ગધેડા કેમ બનવું!’ તે કરવાનું છે. ગધેડાને ઘોડો નથી બનાવવાનો! (અને બને પણ નહીં!) પણ આ વાતો માત્ર વાતો છે! આજના શહેરી-ઔદ્યોગિકીકરણની અસર હેઠળ જીવતાં ભારતીયો જેમને વિદેશોનું ઘેલું લાગ્યું છે તેઓ માનસિકતા બદલીને નહીં કપડાં બદલીને વિકસવા માંગે છે!

વળી તેઓએ તો વિદેશી શૂટ-બૂટમાં સજજ ચપડ-ચપડ અંગ્રેજી બોલતા વ્યકિતત્વને જ આદર્શ માન્યું છે. પણ સાથે સાથે તેઓ ઇચ્છે છે કે તેમનો ડ્રાઈવર પણ આવા જ કપડાં પહેરે, આવી જ ભાષા બોલે! આ જ રીતે વર્તન કરે! આ ‘વિદેશી મોડલ’ વ્યકિતત્વવિકાસનું પ્રતીક છે કે ગુલામ માનસિકતાનું એ જ એને ખબર નથી. બીજી બાજુ આપણા દરેક સંપ્રદાયોને એમ થાય છે કે હાય હાય દેશ લૂંટાઇ ગયો! સંસ્કૃતિ ધરાતલ ગઇ! આપણે બચાવવી પડશે! માટે પોતાના સંપ્રદાયના વિચારો અમલમાં મૂકે તેવા વ્યકિતત્વવિકાસમાં તે કામે લાગ્યા છે.

‘જગતના ધર્મો’ એવા વિષયનું પુસ્તક વાંચ્યું ત્યારે તેમાં લખ્યું હતું કે, કોઇ પણ સંપ્રદાય કે પથમાં બે બાબત મહત્ત્વની હોય છે. એક, વિચારધારા, મૂળભૂત માનવમૂલ્યોનો આગ્રહ. જેમ કે માનવમાત્ર પ્રત્યે પ્રેમ, દયા. નબળાઓને મદદ. અન્યનો આદર. વગેરે. અને બે પ્રતીકો જેમાં તિલક, પ્રાર્થનાની રીત, પહેરવેશ ઉત્સવો વગેરે. હવે માણસ મૂળભૂત મૂલ્યો પાળી શકતો નથી. એટલે પ્રતીકો દ્વારા ગાડું ગબડાવે છે. કપડાં પહેરીને, તિલક કરીને, ધર્મ નિભાવે. જે ખરેખર તો વર્તન દ્વારા નિભાવાનો હોય! હવે આ પર્સનાલીટી ડેવલપમેન્ટના દેશી સર્જકો છે તે આ જ કરે છે. વ્યકિતને પ્રતીકો દ્વારા દેખાવને બદલવાનું શીખવાડે છે. ઔપચારિકતા વધતી જાય છે અને આત્મા મરતો જાય છે. ટૂંકમાં, મૂળભૂત શિક્ષણપ્રક્રિયા સારી ચલાવો તો વિદ્યાર્થીના વ્યકિતત્વનો વિકાસ આપોઆપ થશે!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top