National

કોર્ટ પરિસરમાં જ બુટ-ચંપલ અને ઈંડાનો મારો, ટીએમસીના પૂર્વ ધારાસભ્ય પર લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો

કોલકાતાના આરજી કર હોસ્પિટલની મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. મૃતકના અંતિમ સંસ્કાર ઉતાવળમાં કરાવવાના આરોપમાં ધરપકડ કરાયેલા પૂર્વ ટીએમસી ધારાસભ્ય નિર્મલ ઘોષ પર શુક્રવારે ઉત્તર 24 પરગણા જિલ્લાના ખરદહ પોલીસ સ્ટેશન બહાર મોટી ભીડે હુમલો કર્યો. પોલીસ તેમને બેરકપુર કોર્ટમાં લઈ જઈ રહી હતી ત્યારે લોકોએ જૂતાં, ઈંડાં અને કાદવ ફેંક્યો હતો.

ખરદહ પોલીસ સ્ટેશન બહાર અચાનક ભીડ બેકાબૂ

નિર્મલ ઘોષની એક દિવસ પહેલાં ઓડિશાના બાલાસોરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. શુક્રવારે પોલીસ તેમને ખરદહ પોલીસ સ્ટેશનથી બેરકપુર કોર્ટ લઈ જઈ રહી હતી. આ દરમિયાન પોલીસ અને રેપિડ એક્શન ફોર્સના જવાનોની હાજરી છતાં મોટી સંખ્યામાં લોકો ઘોષ તરફ ધસી આવ્યા.

ભીડે તેમના પર જૂતાં, ઈંડાં અને કાદવ ફેંક્યા. સ્થિતિને જોતા સુરક્ષાકર્મીઓએ ઘોષને ચારેય તરફથી ઘેરી લીધા હતા અને તેમના માથાની સુરક્ષા માટે હેલ્મેટ પણ પહેરાવવામાં આવ્યું હતું. કોર્ટ પરિસરમાં પહોંચ્યા બાદ પણ લોકોનો ગુસ્સો શાંત થયો નહોતો. ત્યાં આરોપીઓ વિરુદ્ધ ‘ચોર, ચોર’ના નારા લગાવવામાં આવ્યા હતા.

બીજા આરોપી સંજીબ મુખર્જી પર પણ હુમલો

નિર્મલ ઘોષની સાથે કેસમાં આરોપી બનાવાયેલા સંજીબ મુખર્જીને પણ ભીડના વિરોધનો સામનો કરવો પડ્યો. પોલીસ જ્યારે તેમને કોર્ટમાં લઈ જવા માટે વાહન સુધી લઈ જઈ રહી હતી ત્યારે લોકોએ તેમના પર પણ હુમલો કર્યો.

સંજીબ મુખર્જી પૂર્વ ટીએમસી કાઉન્સિલર છે અને નિર્મલ ઘોષના નજીકના સહયોગી તરીકે તેમનું નામ સામે આવ્યું છે. મૃત ડોક્ટરના પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પનિહાટી સ્મશાન ઘાટ લઈ જવામાં આવ્યો ત્યારે મુખર્જી પણ ત્યાં હાજર હતા.

અંતિમ સંસ્કારને લઈને ગંભીર આરોપો

મૃતક ડોક્ટરના પરિવારની ફરિયાદ બાદ આ મામલે ફરી તપાસ તેજ થઈ છે. પરિવારનો આરોપ છે કે તેમની સંમતિ અને ઈચ્છાને અવગણીને મૃતદેહનો અંતિમ સંસ્કાર ઉતાવળમાં કરાવવામાં આવ્યો હતો.

પરિવારે એવો પણ આરોપ લગાવ્યો છે કે આ ઉતાવળ પાછળનો હેતુ મૃતદેહનું ફરી પોસ્ટમોર્ટમ કરવાની શક્યતા રોકવાનો અને મહત્વના પુરાવા સામે ન આવે તે સુનિશ્ચિત કરવાનો હતો. આ આરોપોની તપાસ માટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની નવી ટીમે જૂન 2026માં પનિહાટી સ્મશાનની મુલાકાત લઈને રેકોર્ડ અને કર્મચારીઓની પૂછપરછ પણ કરી હતી.

પરિવારની ફરિયાદ બાદ ધરપકડ સુધી મામલો પહોંચ્યો

મૃતક ડોક્ટરના માતા-પિતાએ મે 2026માં કોર્ટમાં અરજી કરીને નિર્મલ ઘોષ ઉપરાંત સોમનાથ દાસ અને સંજીબ મુખર્જિયાની ધરપકડ તથા કસ્ટોડિયલ પૂછપરછની માંગ કરી હતી. પરિવારનું કહેવું હતું કે આ લોકોની ભૂમિકા ઉતાવળમાં અંતિમ સંસ્કાર કરાવવામાં હતી અને બીજી વખત પોસ્ટમોર્ટમની શક્યતા અટકાવવાનો પ્રયાસ થયો હતો.

નિર્મલ ઘોષ અગાઉ પણ આ મામલે તપાસ એજન્સીના સવાલોના જવાબ આપી ચૂક્યા છે. 2024માં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને તેમની લાંબી પૂછપરછ કરી હતી. તપાસ દરમિયાન તેઓ ઘટનાના દિવસે હોસ્પિટલ અને પનિહાટી સ્મશાનમાં હાજર હોવાના મુદ્દે પણ સવાલોના ઘેરામાં આવ્યા હતા.

ત્રીજો આરોપી હજુ પોલીસથી દૂર

આ કેસમાં પનિહાટી નગરપાલિકાના પૂર્વ ચેરમેન સોમનાથ દાસનું નામ પણ સામે આવ્યું છે. જોકે હાલ તે ફરાર હોવાનું જણાવાયું છે. તપાસ એજન્સી ઘટનાની રાતથી લઈને મૃતદેહના અંતિમ સંસ્કાર સુધીની સમગ્ર ઘટનાઓની કડી તપાસી રહી છે. તેમાં પોલીસની ભૂમિકા, રાજકીય નેતાઓની હાજરી અને અંતિમ સંસ્કારની પ્રક્રિયા અંગેના સવાલોનો પણ સમાવેશ થાય છે.

2024ની ઘટનાએ ફરી પકડી રાજકીય ગરમી

આરજી કર હોસ્પિટલમાં 8 ઓગસ્ટ 2024ની રાત્રે ડ્યુટી પર રહેલી પોસ્ટગ્રેજ્યુએટ ટ્રેઇની ડોક્ટરનો મૃતદેહ સેમિનાર હોલમાંથી મળી આવ્યો હતો. ત્યારબાદ બળાત્કાર અને હત્યાના આરોપમાં સંજય રોયની ધરપકડ કરવામાં આવી હતી. કેસની તપાસ બાદમાં કલકત્તા હાઈકોર્ટના આદેશથી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને સોંપવામાં આવી હતી. હવે લગભગ 2 વર્ષ બાદ અંતિમ સંસ્કારને લઈને થયેલી નવી તપાસ અને ધરપકડે આ સમગ્ર કેસમાં ફરી સવાલો ઊભા કર્યા છે. ખાસ કરીને મૃતદેહને ઉતાવળમાં શા માટે અગ્નિદાહ આપવામાં આવ્યો અને તેમાં કોની ભૂમિકા હતી, તે તપાસનું મહત્વનું કેન્દ્ર બની ગયું છે.

મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ નવી તપાસના આપ્યા આદેશ

આરજી કર કેસમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ નવી તપાસના આદેશ આપ્યા હતા. મૃતક ડોક્ટરના ઉતાવળમાં કરવામાં આવેલા અંતિમ સંસ્કાર અને તપાસમાં થયેલી કથિત બેદરકારી અંગે ફરિયાદ બાદ બેરકપુર પોલીસને તપાસ આગળ વધારવા સૂચના આપવામાં આવી હતી. આ તપાસ બાદ જ પૂર્વ ટીએમસી ધારાસભ્ય નિર્મલ ઘોષ સહિત અન્ય લોકોની ભૂમિકા ફરી તપાસના દાયરામાં આવી અને નિર્મલ ઘોષની ધરપકડ કરવામાં આવી.

Most Popular

To Top