દાયકાઓથી, જે ભારતની રાજધાનીમાં લોકશાહીની પ્રતીતિ કરાવતા સ્મારક તરીકે ઊભું રહ્યું હતું જ્યાં લોકો એ આશા સાથે એકઠા થતા હતા કે તેમના અવાજો સત્તા પર બેઠેલા લોકો સુધી પહોંચશે તે જંતર-મંતર પર હવે ધરણા, વિરોધ પ્રદર્શનો કરી શકાશે નહીં, કારણ કે દિલ્હી પોલીસે જંતર-મંતરને ધરણા, દેખાવો વગેરેના સ્થળ તરીકે ડીનોટિફાય કર્યું છે એટલે કે માન્ય ધરણા સ્થળ તે હવે ગણાશે નહીં. આ જંતર મંતરે અન્ના હજારેના ઉપવાસથી લઈને, નિર્ભયા વિરોધ પ્રદર્શનો, તમિલનાડુના ખેડૂતોના ધરણા અને મહિલા પહેલવાનોના ધરણા અને નીટ પેપર લીક આંદોલન સુધી, આ સ્થળે લોક આંદોલનો અને વિરોધની અનેક શક્તિશાળી અભિવ્યક્તિઓ જોઈ છે. જંતર-મંતરને સ્થાને શહેરના કેન્દ્રીય વિસ્તારોમાં નહીં હોય તેવા ત્રણ સ્થળોને ધરણા, આંદોલનના સ્થળો તરીકે જાહેર કરાયા છે.
આમ તો જંતર મંતર એ એક જૂની વેધશાળા છે — જે સમય અને આકાશગંગાના ગ્રહો-નક્ષત્રોની ગતિ માપવા, જોવા માટે બનાવવામાં આવેલા તેના વિશાળ ભૌમિતિક યંત્રો સાથે આ સ્થળે ઉભું છે. જયપુરના મહારાજા સવાઇ જયસિંહ દ્વારા આ વેધશાળા વર્ષ ૧૭૨૪માં બનાવવામાં આવી હતી. જે સમયે ખગોળીય અવલોકનોના આધુનિક સાધનો નહીં હતા તે સમયે તેના મારફતે પડછાયાઓ વગેરેનો અભ્યાસ કરીને અવકાશી પદાર્થોની ગતિ, સમય વગેરેનો અભ્યાસ કરવામાં આવતો હતો. આધુનિક સમયમાં તેની નજીકનું સ્થળ ધરણા, વિરોધ પ્રદર્શનો વગેરે માટેનું કેન્દ્ર બની ગયું.
હવે, દિલ્હી પોલીસ દ્વારા તેને વિરોધ પ્રદર્શન માટેના અધિકૃત સ્થળ તરીકે રદ કરવામાં આવતાં, આ સીમાચિહ્નસ્થળ લોકો માટે પોતાનો અવાજ બુલંદ કરવાના સ્થળ તરીકેનું પોતાનું મહત્ત્વ ગુમાવવાનું જોખમ ઊભું થયું છે. વર્ષોથી, રાજધાનીના હાર્દસમા આ વિસ્તારમાં જીવનના વિવિધ ક્ષેત્રોના લોકો એકઠા થયા છે, જેઓ ભ્રષ્ટાચાર અને અન્યાય સામેની ફરિયાદો, જવાબદારીની માગણી, મહિલાઓની સુરક્ષા અને સામાજિક પરિવર્તન જેવા મુદ્દાઓ પર એકસાથે આવ્યા છે.
ઘણા લોકો માટે, જંતર મંતર એ એવા મુદ્દાઓ તરફ દેશનું ધ્યાન દોરવાનું પ્લેટફોર્મ હતું જે કદાચ અન્યથા વણસુણ્યા રહી ગયા હોત. દિલ્હીમાં પહેલા આવા ધરણા, પ્રદર્શનો બોટ કલબ ખાતે થતા હતા. ત્યાં ધરણાઓ કરવા પર ૧૯૯૦માં પ્રતિબંધ મૂકાયા બાદ ધીમે ધીમે જંતર-મંતર ધરણાનું નવું સ્થળ બન્યું. આ સ્થળ પરના પ્રારંભિક મહત્ત્વપૂર્ણ પ્રદર્શનોમાંનું એક 1993માં થયું હતું, જ્યારે સરકારની આર્થિક નીતિઓ અને સાંપ્રદાયિકતા વિરુદ્ધ ‘જેલ ભરો’ આંદોલન માટે 33 સંસ્થાઓ એકઠી થઈ હતી. અને પછી તો અનેક જાણીતા આંદોલનોનું સાક્ષી તે બન્યું.
માણસને સત્તા અને શાસન સામે પોતાનો વિરોધ વ્યક્ત કરવા આવા વિરોધ પ્રદર્શનો કરવાની જરૂર સદીઓથી રહી છે. જ્યાં લોકશાહી ન હોય ત્યાં પણ આવા પ્રદર્શનો થયા તો છે જ, જો કે આટલા મુક્તપણે નહીં થઇ શકે અને તેમાં ભાગ લેનારાઓ અનેક જોખમોનો સામનો કરતા હોય તે સ્વાભાવિક છે. તિયાનાનમેન ચોકમાં ૧૯૮૯માં લોકશાહીતરફી આંદોલનકારીઓ પર ચીની સરકારે કેવું દમન કર્યું હતું હાલ થોડા દાયકાઓ પહેલાનો જાણીતો ઇતિહાસ છે. તિયાનાનમેન ચોક સહિત વિશ્વના અનેક સ્થળો ધરણા, પ્રદર્શનના સ્થળ તરીકે જાણીતા થયા છે. દિલ્હીમાં જંતર-મંતરને વિરોધ પ્રદર્શન સ્થળ તરીકે રદ કરવાના નિર્ણયથી ભલે આ બાબત પર ધ્યાન કેન્દ્રિત થયું હોય કે શહેરના હાર્દસમા વિસ્તારમાં દેખાવોની મંજૂરી આપવી જોઈએ કે નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે ઘણા “ફ્રી-સ્પીચ ઝોન” મોટે ભાગે જે-તે શહેરોના કેન્દ્રીય વિસ્તારોમાં સ્થિત છે.
લંડનનું હાઇડ પાર્ક સ્થિત સ્પીકર્સ કોર્નર હોય, ટ્રાફલગર સ્ક્વેર અને પાર્લામેન્ટ સ્ક્વેર હોય, ન્યુ યોર્કનું યુનિયન સ્ક્વેર હોય, વોશિંગ્ટનનું લાફાયેટ સ્ક્વેર અને નેશનલ મોલ હોય, તુર્કીના ઇસ્તંબુલનું તકસિમ સ્ક્વેર હોય, સિંગાપોરનું હોંગ લિમ પાર્ક હોય કે પછી પેરિસનું પ્લેસ ડે લા બાસ્ટીલ હોય—આ તમામ કેન્દ્રીય સ્થળોએ જ આવેલા છે. ઉપરાંત, ઇજિપ્તના કૈરોનું તહરીર સ્ક્વેર, કીવનું મૈદાન નેઝાલેઝનોસ્ટી અને બેઇજિંગનું તિયાનમેન સ્ક્વેર તાજેતરના ઇતિહાસમાં સૌથી મોટા દેખાવો માટે વૈશ્વિક સ્તરે જાણીતા બન્યા છે. ધરણા, દેખાવો, વિરોધ પ્રદર્શનો, આંદોલનો સફળ થાય કે નહીં થાય, માણસના વિરોધના કે અસંતોષના અવાજને વ્યક્ત કરવા માટે તે મહત્વના રહ્યા છે અને લોકશાહીમાં તો આગવું મહત્વ ધરાવતા આવ્યા છે.
આ સ્થળો દેશની રાજધાની, રાજ્યોના પાટનગરો કે મહત્વના શહેરોના કેન્દ્રીય કે હાર્દસમા વિસ્તારોમાં હોય તે વધુ ઇચ્છનીય છે. આ સાથે જ ધરણા કે દેખાવોને કારણે સામાન્ય વ્યક્તિઓને અગવડો નહીં પડે તેનું ધ્યાન રાખવાનું આંદોલનકારીઓ માટે જ પણ જરૂરી છે. જે-તે આંદોલનને પ્રજાનો કેટલો ટેકો છે તે પણ આ સ્થળોના વિરોધ પ્રદર્શનના માહોલને જોતા અંદાજ આવી જતો હોય છે. પ્રજાજનોને અસંમતિનો અવાજ ઉઠાવવો જ નહીં પડે, અને ઉઠાવવો પડે તો તે માટે જરૂરી મોકળાશ મળી રહે તેમ ઇચ્છીએ.