Madhya Gujarat

નડિયાદમાં તળાવના દૂષિત પાણીથી પ્રજા પરેશાન

નડિયાદ: નડિયાદના નવા ગાજીપુર વિસ્તારમાં આવેલ મુળેશ્વર તળાવનું પાણી ઉભરાઈને આસપાસના વિસ્તારોમાં ફરી વળતું હોવાથી આ વિસ્તારમાં નર્કાગાર જેવી સ્થિતી સર્જાય છે. જેને પગલે આ વિસ્તારના ૧૫૦ કરતાં વધુ પરિવારોની હાલત કફોડી બની છે. ત્યારે તંત્ર દ્વારા તળાવને ઉંડુ કરી, આ વિસ્તારના રહીશોને પડતી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, નડિયાદ શહેરના નવા ગાજીપુર વિસ્તારમાં મુળેશ્વર તળાવ આવેલું છે. સાફ-સફાઈને અભાવે ગંદકીથી ખદબદતાં આ તળાવનું પાણી દુષિત બન્યું છે. બારેમાસ છલોછલ રહેતાં આ તળાવમાં કાંસનું જોડાણ આપવામાં આવ્યું છે. જોકે, કાંસમાંથી ઠલવાતું પાણી આ તળાવમાં સમાઈ શકતું ન હોવાથી પાણી ઉભરાઈને આસપાસના વિસ્તારોમાં ફરી વળે છે.

તળાવને અડોઅડ આવેલા કેટલાક મકાનોમાં પણ પાણી ઘુસી જાય છે. તળાવ ઉભરાવવાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલાં સ્થાનિકો ઉપરાંત જાગૃત નગરજનો અને પાલિકાના ચુંટાયેલા કેટલાક કાઉન્સિલરો દ્વારા આ મામલે પાલિકામાં રજુઆતોનો મારો ચલાવ્યો હતો. જે બાદ પાલિકાતંત્રએ મોટર વડે તળાવમાંથી પાણી ઉચેલવાની હંગામી કામગીરી શરૂ કરી સંતોષ માન્યો છે. પાલિકાની હંગામી કામગીરી બાદ તળાવ ઉભરાવવાની સમસ્યાથી સ્થાનિકોને થોડી ઘણી રાહત મળી છે. પરંતુ, પાલિકાતંત્ર દ્વારા તળાવ ઉભરાવવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવી તેવી સ્થાનિકોએ માંગ ઉચ્ચારી છે.

તળાવની સફાઈ મામલે આઠ મહિના અગાઉ પાલિકાના જ કાઉન્સિલરે ચીફ ઓફિસરને રજુઆત કરી હતી
મુળેશ્વર તળાવની સફાઈ મામલે આઠેક મહિના અગાઉ એક મહિલા કાઉન્સિલર દ્વારા પાલિકાના ચીફઓફિસરને લેખિત રજુઆત કરવામાં આવી હતી. જેમાં આ તળાવની સફાઈ કરવામાં આવતી ન હોવા છતાં કોન્ટ્રાક્ટરોને વગર કામગીરીએ બિલ ચુકવવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જે બાદ પાલિકાતંત્રએ તળાવમાંથી માત્ર ઉપર-ઉપરનો કચરો બહાર કાઢી સફાઈ કર્યાંનો સંતોષ માન્યો હતો.

પાલિકાએ મોટર મારફતે તળાવમાંથી પાણી ઉલેચવાની હંગામી વ્યવસ્થા કરી સંતોષ માન્યો
મુળેશ્વર તળાવનું પાણી ઉભરાઈને આસપાસના વિસ્તારોમાં ફરી વળવાની સમસ્યા વિકટ બનતાં સ્થાનિકો, જાગૃત નાગરિકો ઉપરાંત પાલિકાના ચુંટાયેલા કાઉન્સિલરો દ્વારા પાલિકામાં રજુઆતોનો મારો ચલાવવામાં આવ્યો હતો. જે બાદ પાલિકાએ મોટર વડે મુલેશ્વર તળાવમાંથી પાણી કાઢી ગટરમાં છોડવામાં આવી રહ્યું છે. જોકે, આવી હંગામી વ્યવસ્થાને બદલે તેનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.

નજીક આવેલી ફેક્ટરીમાંથી ચામડાની પ્રોસેસ કરેલું દુષિત પાણી તળાવમાં ઠલવાય છે
ગુજરાતમિત્રની ટીમે કરેલી સ્થળ તપાસ દરમિયાન સ્થાનિકોએ જણાવ્યું હતું કે, મુળેશ્વર તળાવની નજીક ચામડાંની પ્રોસેસ કરવાની એક ફેક્ટરી આવેલી છે. આ ફેક્ટરી પાસેથી પસાર થતાં કાંસનું જોડાણ તળાવમાં આપવામાં આવ્યું છે. ફેક્ટરીમાં ચામડાંની પ્રોસેસ કરેલું દુષિત પાણી આ કાંસ મારફતે રાત્રીના સમયે તળાવમાં ઠાલવવામાં આવી રહ્યું છે. જેને પગલે તળાવનું પાણી દુષિત અને દુર્ગંધયુક્ત બન્યું છે. બારેમાસ છલોછલ રહેતાં આ તળાવમાં ચામડાંની ફેક્ટરીમાંથી વહેવડાવવામાં આવતાં હજારો લિટર પાણીનો ઉમેરો થવાથી તળાવનું પાણી ઉભરાઈને આસપાસના વિસ્તારોમાં ફરી વળે છે.

ચોમાસામાં જળબંબાકાર જેવી સ્થિતી હોય છે
ગંદકીથી ખદબદતું મુળેશ્વર તળાવ બારેમસ પાણીથી છલોછલ હોય છે. ચોમાસા દરમિયાન છલોછલ તળાવમાં વરસાદી પાણી સમાઈ શકતું ન હોવાથી પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળે છે. સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતી સર્જાય છે. ત્યારે આ વિસ્તારના તમામ ઘરોમાં ઢીંચણસમાં પાણીઘુસી જતાં હોય છે. આવા સમયે આ વિસ્તારમાં રહેતાં ૧૫૦ કરતાં વધુ પરિવારોની હાલત કફોડી બને છે. જો વરસાદ સતત વરસતો રહે તો આ વિસ્તારના અનેક પરિવારોને હિજરત પણ કરવી પડે છે. ત્યારે તંત્ર દ્વારા ચોમાસા પહેલાં નવા ગાજીપુર વિસ્તારના રહીશોને પડતી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તે જરૂરી છે.

તળાવ ઉંડુ કરવા માટે આવેદન આપ્યું છતાં યોગ્ય કામગીરી થઈ નથી
આ અંગે ગુજરાતમિત્રની ટીમ સાથેની વાતચીત દરમિયાન પાલિકાના અપક્ષ કાઉન્સિલર માજીદખાન પઠાણે જણાવ્યું હતું કે, મુળેશ્વર તળાવ ઉભરાવવાની સમસ્યા છેલ્લાં ઘણાં વર્ષોથી છે. અવારનવાર ઉભરાતાં તળાવના દૂષિત પાણી આસપાસના ઘરોમાં ઘુસી જાય છે. જેને પગલે સ્થાનિકોની હાલત કફોડી બની છે. સ્થાનિકોને પડતી સમસ્યાના કાયમી ઉકેલ માટે તળાવ ઉંડુ કરવાની માંગ સાથે પાલિકામાં ત્રણેક વખત અરજી કરી છે અને એક વખત આવેદનપત્ર પણ આપ્યું છે. તેમ છતાં પાલિકાતંત્ર દ્વારા આ મામલે કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવી ન હોવાથી પરિસ્થીતી ઠેરની ઠેર જોવા મળી રહી છે.
માજીદખાન પઠાણ, કાઉન્સિલર, નગરપાલિકા, નડિયાદ.

Most Popular

To Top