SURAT

સુરત એરપોર્ટથી એરલાઈન્સ આ કારણસર દૂર જઈ રહી છે

સુરત: 2019ના વર્ષમાં 15 લાખની પેસેન્જરોની (Passengers) અવરજવર સાથે દેશના ટોપ 40 બિઝીએસ્ટ ડોમેસ્ટિક એરપોર્ટની યાદીમાં એક સમયે સામેલ થયેલા સુરત (Surat) એરપોર્ટ (Airport) પર પેસેન્જર સંખ્યા કેમ ઘટી રહી છે અને એરલાઈન્સ કેમ એક પછી એક ફ્લાઈટ બંધ કરી રહી છે એના ઉત્તર આરટીઆઇ અરજીના ઉત્તરમાં મળી રહ્યા છે. પીટીટી અને એપ્રનનાં કામોનાં નામે રન-વે, રેસા એરિયા, પાર્કિંગ બેયસ સહિતના એરિયામાં કેટલાક અંકુશો મુકાતાં પાયલટને વિમાન લેન્ડિંગ અને ટેક ઓફમાં સમસ્યાઓ આવી રહી છે. જે ફ્લાઈટ નહીં નફો નહીં નુકસાનના લેવલે ચાલતી હતી એવી ફ્લાઈટ એરલાઈન્સે સુરત એરપોર્ટથી ખેંચી બીજા રૂટ પર મૂકી દીધી છે. સુરત એરપોર્ટના જવાબદાર અધિકારીઓ કોન્ટ્રાક્ટર પાસે સમયસર કામ લેવામાં બેદરકાર રહેતાં NOTAM (નોટિસ ટુ એરમેન) એટલે કે, પાયલટને એરપોર્ટ પર ચાલી રહેલાં કામોને લીધે વિમાનના લેન્ડિંગ અને ટેક ઓફ માટે કેટલાક અંકુશો-પ્રતિબંધ લાગતા હોય છે. એરક્રાફ્ટ જ્યાં ઊભું રાખવું પડે ત્યાં જગ્યા સીમિત બનતી હોય છે.

આરટીઆઇ અરજીમાં એરપોર્ટ ઓથોરિટીએ ખુલાસો કર્યો છે કે, અંકુશોને લીધે માત્ર વેસુ તરફનો રન-વે નહીં, પરંતુ ડુમસ તરફના રન-વેનો ઉપયોગ 2905 મીટરને બદલે 2291 મીટરનો જ કરવામાં આવ્યો છે. કેટલાક પાર્કિંગ બેયસ પણ અંકુશોને લીધે ઉપયોગમાં આવી રહ્યા નથી. NOTAMના અંકુશોને લીધે સુરત એરપોર્ટથી એરલાઈન્સ એર ઓપરેશન બંધ કરી રહી છે. જે કારણોસર અંકુશ મૂકવામાં આવ્યા એ પેરેલલ ટેક્સી ટ્રેક અને એપ્રનનાં કામો મંથર ગતિથી ચાલી રહ્યા છે, એની સામે વિમાન લેન્ડિંગ અને ટેક ઓફના અંકુશો લંબાતાં એરલાઈન્સ સુરત એરપોર્ટથી નવાં એર ઓપરેશન શરૂ કરવાનું ટાળી રહી છે અથવા બંધ કરી રહી છે. આ સ્થાનિક એરપોર્ટ તંત્રની બેદરકારી અને વહીવટ પર પકડના અભાવે થઈ રહ્યું છે. કામો ક્યારે પૂરાં થશે એ ચોક્કસ નહીં હોવાથી અનિશ્ચિતતાના કારણે એરલાઈન્સ કંપનીઓએ તેમની સેવા ઘટાડવાનું નક્કી કર્યું હોય શકે છે.

વિતેલાં વર્ષોમાં કેટ-1 લાઈટના અભાવે શિયાળામાં ધુમ્મસભર્યા વાતાવરણમાં ફ્લાઈટ ડાયવર્ટ થવાનું વધ્યું છે. અંકુશોને લીધે વપરાશમાં રન-વેની ઓછી લંબાઇ મળવી. ATC સ્ટાફની અછત, પાર્કિંગની જગ્યાનો અભાવ, નાઇટ પાર્કિંગની ઉપલબ્ધતા, RESA-સુરત એરપોર્ટનો રન-વે એન્ડ અને રન-વે સ્ટ્રીપ સેફ્ટી એરિયા RWY 04 સિવિલ વર્કને કારણે પૂર્ણ ઉપલબ્ધ નથી. આ એ વિસ્તાર છે જ્યાં અગાઉ જુલાઈ-2019માં ચોમાસા દરમિયાન ભોપાલ ફ્લાઇટ ઓવરશૂટ રન-વે પર આવી હતી.
એરપોર્ટ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની ધીમી પ્રગતિ અને સુરત એરપોર્ટ અધિકારીઓનું ઉદાસીન વર્તન પણ જવાબદાર હોઈ શકે છે. એ કારણે સુરતની જનતાએ ભોગવવું પડે છે. કારણ કે, ફ્લાઇટ ઓછી હોવાથી ભાડું વધારે ચૂકવવું પડે છે. જેના કારણે લોકોને અન્ય એરપોર્ટ અને અન્ય રૂટ પરથી મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. રવિવાર અને બુધવાર એરપોર્ટ સવારે 7:50 વાગ્યે ખૂલે છે અને મધ્ય રાત્રિ 2:00 વાગ્યે બંધ થાય છે. પાર્કિંગ બેયસની નજીકની જગ્યા માણસોની હાજરી, સામગ્રી, મશીનની અવરજવરને કારણે ઉપયોગમાં નથી.

ટર્મિનલ બિલ્ડિંગ બની જાય તો પણ સુરતને કઈ રીતે નવી એર કનેક્ટિવિટી નહીં મળે?
એવિએશન ઇન્ડસ્ટ્રીના જાણકારો કહે છે કે, હયાત ટર્મિનલ બિલ્ડિંગનું બંને તરફનું વિસ્તરણ કામ માર્ચ-2023 સુધી પૂરું થઈ જાય તો પણ સુરતને વધુમાં વધુ નવી એર કનેક્ટિવિટી મળવાની શક્યતા નહીંવત છે. સુરત એરપોર્ટ પર મુસાફરોની અવરજવર 2019-20માં 15 લાખની સર્વકાલીન ઉચ્ચત્તમ સપાટીએ પહોંચી હતી. એ દર્શાવે છે કે અત્યારે જે કાર્યશીલ છે એ જૂના ટર્મિનલ બિલ્ડિંગની કેપેસિટી વર્ષની 15 લાખ પેસેન્જરથી વધુ પેસેન્જર હેન્ડલ કરવાની છે. પણ જો ઓગસ્ટ-2023 સુધી પેરેલલ ટેક્સી ટ્રેક અને એપ્રનનાં કામો પૂરાં નહીં થાય તો જે ફ્લાઈટ અત્યારે ચાલી રહી છે એ પણ ચલાવવી મુશ્કેલ બનશે.

એક એરલાઈન્સ કંપનીએ તેનું કામ સ્થગિત પણ કરી દીધું છે. વિસ્તારા એરલાઈન્સ અને એલાયન્સ એરનું આગમન નિશ્ચિત હતું, પણ એ પણ હવે વિલંબમાં મુકાયું છે. એર ઇન્ડિયાએ કોલકાતા-સુરત ફ્લાઈટ ક્રિસમસ પછી ખેંચી લેવા બુકિંગ બંધ કર્યું છે. સુરત એરપોર્ટ પર હવાઈ સેવામાં ઘટાડો ખૂબ જ ચિંતાજનક છે. કારણ ગમે તે હોય, પરંતુ જ્યારે સમગ્ર ભારતમાં એરપોર્ટ પર ટ્રાફિક વધી રહ્યો છે, ત્યારે સુરત એરપોર્ટ પર કયાં સાચાં કારણોસર પેસેન્જર સંખ્યા અને એર કનેક્ટિવિટી ઘટી રહી છે એની તપાસ કરી સરકારે બેદરકાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા જોઈએ.

Most Popular

To Top