Dakshin Gujarat

પારડી તાલુકામાં શિકારની શોધમાં આવેલો દીપડો પાંજરે પુરાયો, દીપડાની હરકતો સીસીટીવીમાં થઈ કેદ

પારડી: વલસાડના (Valsad) પારડી (Pardi) તાલુકામાં આવેલા ડુમલાવ (Dumlao) અને આસપાસના વિસ્તારમાં 3 દીપડા (leopard) દેખાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ત્યારે ગામના સરપંચ દ્વારા વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. વન વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમાં પાંજરા (Cage) ગોઠવવામાં આવ્યા હતા. પરંતુ વન વિભાગને જાણકારી મળી હતી કે દીપડાએ ડુમલાવ ગામના પારસી ફળીયામાં એક પાલતું શ્વાનનો શિકાર કર્યો હતો. ત્યારે વન વિભાગે પારસી ફળીયામાં ત્રણથી ચાર પાંજરા ગોઠવ્યા હતા. અને ગતરોજ દીપડો પાંજરે પુરાયો હતો.

  • પારડીના ડુમલાવ ગામે શિકારની શોધમાં આવેલ કદાવર દીપડો આખરે પાંજરે પુરાયો
  • ડુમલાવમાં પારડી વન વિભાગે ગોઠવેલા પાંજરામાં દીપડો સીસીટીવી કેમેરામાં કેદ
  • અત્યાર સુધીમાં સૌથી કદાવર દીપડો પાંજરે પુરાયા બાદ રાત્રે સ્થળ થી થોડે દૂર એક દીપડો ગર્જના કરતો હતો
  • બે દીપડા હજી ખુલ્લેઆમ ફરતા હોવાનું સામે આવ્યું

મળતી માહિતી અનુસાર પારડી તાલુકામાં ડુમલાવ અને આસપાસના વિસ્તારમાં 3 કદાવર દીપડા ફરતા દેખાતા ગામના સરપંચ પ્રકાશભાઇ પટેલે વન વિભાગ ટીમને જાણ કરી હતી. જેમાં પારડી વન વિભાગની ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ કરીને અલગ અલગ વિસ્તારોમાં પાંજરાઓ ગોઠવવામાં આવ્યા હતા. પરંતુ આ વિસ્તારમાંથી દીપડાઓ પાંજરે પુરાતાં ન હતા.

આખરે દીપડો પાંજરે પુરાયો
ત્યારે વન વિભાગને જણકારી મળી હતી કે શનિવારના રોજ ડુમલાવ પારસી ફળિયામાં કીકુભાઈ છગનભાઈ પટેલના ઘરેથી રાત્રે એક શ્વાનનું મારણ કર્યું હતું. આ અંગે જાણ થતાં સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી પાંજરું તથા સીસીટીવી કેમેરા ગોઠવી દીપડો પકડવાની કામગીરી કરી હતી. ત્યારે રવિવારે આખરે અંદાજે સાંજે શિકારની શોધમાં આવેલ કદાવર દીપડો પાંજરામાં પૂરાયો હતો. દીપડો પાંજરામાં પૂરાતા જ લોકોએ થોડો રાહતનો શ્વાસ લીધો હતો.

દીપડાનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે
વન વિભાગે ગોઠવેલા પાંજરામાં દીપડો પુરાયો હોવાની જાણ વન વિભાગની ટીમને જાણ થતાં દીપડાનો કબ્જો મેળવી ખડકી હાઇવે સ્થિત વનવિભાગના નર્સરી ખાતે લાવ્યા હતા જ્યાં પારડીની પશુ ચિકિત્સક ડૉ ઉર્વશી પટેલ નિરીક્ષણ માટે આવી પહોંચ્યા હતા. તેમજ પારડી વન વિભાગના આર.એફ.ઓ. ડી ટી કોંકણી સાથે તેમની ટીમના અમિત હીલીમ, શીતલ પટેલ, કૈલાશ પટેલ, જાનુ ભાઈ વગેરે વન વિભાગની ટીમની હાજરીમાં પ્રાથમિક નિરીક્ષણ કરી આગળની તજવીજ વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

હજી પણ બે દીપડા ખુલ્લેઆમ ફરી રહ્યા છે
હાલ તો આ પાંજરે પુરાયેલા દીપડા ને ડાંગ જિલ્લાના જંગલ વિસ્તારમાં અધિકારીની સૂચના મુજબ મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે. અત્યાર સુધીમાં સૌથી કદાવર દીપડો પાંજરે પુરાયા બાદ રાત્રે સ્થળથી થોડે દૂર એક દીપડો ગર્જના કરતો હતો હોવાનું સરપંચ પ્રકાશ પટેલે જણાવ્યું હતું. ત્યારે હજુ પણ ડુમલાવ અને આજુબાજુના વિસ્તારમાં બે દીપડા ફરી રહ્યાં હોવાની લોકોમાં બૂમ ઉઠી રહી છે. જેને પકડવા બે પાંજરા ગોઠવામાં આવ્યાં છે. હોવાનું પારડી વન વિભાગના ડી ટી કોંકણી એ જણાવ્યું હતું

Most Popular

To Top