Dakshin Gujarat

પારડીમાં મોપેડ-બાઈક પર થેલા ભરીને દારૂની હેરાફેરી કરી રહ્યાં હતા 4 વ્યક્તિ, પોલીસની નજર પડી ગઈ

પારડી: (Pardi) પારડી તાલુકાના કલસર ગામે સડક ફળિયામાં કેટલાક ઇસમ બાઈક (Bike) ઉપર દારૂની (Alcohol) હેરાફેરી કરતા હોવાની પોલીસને બાતમી મળતા રેડ કરી હતી. ઘટના સ્થળે પોલીસે તપાસ કરતા બાઈક પર બે ઈસમ તથા મોપેડ પર બે ઇસમ સહિત ચારેય મીણીયા થેલા લઈને બેઠા હતા. તે દરમિયાન પોલીસે (Police) ચારેયને ઝડપી પાડ્યા હતા.

આ સમયે કલસર મેદાન પાસેથી જતીન નાનુ પટેલ (રહે. વલસાડ માલવણ) દારૂનો જથ્થો ખભા પર મૂકી આવી રહ્યો હતો. જે પોલીસને જોઈ થેલા નીચે મૂકી ત્યાંથી ભાગી છુટ્યો હતો. પોલીસે દારૂની બોટલ નંગ 300 જેની કિં.રૂ. 26,400 નો જથ્થો ઝડપી પાડ્યો હતો. બાઈક ઉપર દારૂની હેરાફેરી કરતા અરબાઝ હનીફ મકરાણી અને ઈમ્તિયાઝ ઇસ્તીયાક શેખ (બંને રહે.અતુલ વલસાડ) તેમજ મોપેડ પર બેઠેલા જય અનિલ દેસાઈ (રહે. બીનવાડા વલસાડ) અને શાહબાઝ અલીભાઈ ખલીફા (રહે.અતુલ વલસાડ)ને પોલીસે ઝડપી પાડ્યા હતા.

આ જથ્થા અંગે પૂછપરછ કરતા ભાગી છૂટેલો આરોપી જતીન નાનુ પટેલ દમણથી દારૂનો જથ્થો લઈ આવી બાઈક ઉપર વલસાડ માલવણ ખાતે લઈ આવવા જણાવ્યું હતું. પોલીસે મોપેડ, બાઈક, દારૂનો જથ્થો, સહિત કુલ રૂ.1.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા ચાર તથા એક વોન્ટેડ આરોપી વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.

પારડીના નેવરીમાં ટેમ્પામાં દારૂનો જથ્થો લઇ જતો ખેરલાવનો યુવક ઝડપાયો
પારડી : પારડી તાલુકાના નેવરી ગામે ત્રણ રસ્તા નાનાપોંઢા તરફ જતા રોડ ઉપર પોલીસે દારૂની હેરાફેરીની બાતમીના આધારે વોચ ગોઠવી હતી. ટેમ્પામાં સેલવાસથી દારૂનો જથ્થો ભરી પારડીના ગોઈમા, ધગડમાળ, નેવરી થઈ ખેરગામ રાનકુવા જતો હોવાની બાતમી મળી હતી. તે દરમિયાન ટેમ્પો આવતા પોલીસે રોક્યો હતો. જેમાં તાડપત્રી હટાવીને તપાસ કરતા 80 નંગ પુંઠાના બોક્સમાં 2880 નંગ દારૂની બોટલ જેની કિં.રૂ. 1.92 લાખનો જથ્થો મળી આવ્યો હતો. ટેમ્પો ચાલક રજની ઉર્ફે ઋત્વીક જયેશ પટેલ (રહે ખેરલાવ તા.પારડી)ને ઝડપી પાડ્યો હતો.

પોલીસે આ અંગે પૂછપરછ કરતા આ જથ્થો નિમેષ (રહે. સેલવાસ)એ ભરી આપ્યો હતો અને પ્રિતેશ (રહે.રાનકુવા ખેરગામ)ને આપવાનો હોવાનું જણાવ્યું હતું. આ સાથે દારૂ ભરેલા ટેમ્પાનું બાઈક પર પાયલોટિંગ કરનાર નિલેશ લલ્લુ પટેલ (રહે. ખેરલાવ તા.પારડી) સહિત ત્રણેને વોન્ટેડ બતાવ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો ટેમ્પા સહિત કુલ રૂ.6.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલ એક ઈસમ તથા વોન્ટેડ ત્રણ આરોપી વિરુદ્ધ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top