Sports

પાકિસ્તાનની ફરમાઇશ: વર્લ્ડકપની અમારી મેચો ચેન્નાઇ-કોલકાતામાં રમાડો

નવી દિલ્હી : આ વર્ષના અંતમાં ભારતમાં (India) રમાનારા વન ડે વર્લ્ડકપમાં પાકિસ્તાનની (Pakistan) ટીમ પોતાની મોટાભાગની મેચ ચેન્નાઈ અને કોલકાતામાં રમવા માગે છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના (ICC) સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાની ટીમે આ પહેલાના પોતાના પ્રવાસ દરમિયાન આ બંને સ્થળ પર સુરક્ષિત અનુભવ કર્યો હતો. વન ડે વર્લ્ડકપ 5 ઓક્ટોબરથી શરૂ થવાની શક્યતા છે. તેની 46 મેચો અમદાવાદ, લખનઉ, મુંબઈ, રાજકોટ, બેંગલુરુ, દિલ્હી, ઈન્દોર, ગુવાહાટી અને હૈદરાબાદ સહિત દેશના 12 શહેરોમાં રમાય તેવી શક્યતા છે.

  • ભારતમાં રમાનારા વર્લ્ડકપમાં પાકિસ્તાન પોતાની મોટાભાગની મેચો કોલકાતા અને ચેન્નાઇમાં રમવા માગતું હોવાનો ખુલાસો
  • બીસીસીઆઇ અને ભારત સરકાર પાકિસ્તાનની મેચો અંગે શું નિર્ણય લે છે તેના પર બધુ નિર્ભર રહેશે : આઇસીસીના સૂત્રો

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ મુદ્દે આઈસીસીના ટોચના અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યું છે. જો કે, આ મુદ્દો હજુ પણ એક સંવેદનશીલ વિષય છે. આ બાબતની જાણકારી ધરાવતા આઇસીસીના એક સૂત્રએ જણાવ્યું હતું કે, બીસીસીઆઈ અને ભારત સરકાર શું નિર્ણય લે છે તેના પર ઘણું નિર્ભર રહેશે, પરંતુ પાકિસ્તાન તેની મોટાભાગની વર્લ્ડકપ મેચો કોલકાતા અને ચેન્નાઈમાં રમવા માંગે છે. તેણે કહ્યું હતું કે 2016ના ટી-20 વર્લ્ડકપ દરમિયાન કોલકાતામાં ભારત સામેની મેચ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓ સુરક્ષાને લઈને ખુશ હતા. પાકિસ્તાન માટે ચેન્નાઈ યાદગાર સ્થળ છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ક્ષમતા 1,32,000 દર્શકોની છે અને અહીં ભારત-પાકિસ્તાન મેચ યોજવી આઇસીસી માટે નફાકારક સોદો હશે. જો કે વર્લ્ડકપની ફાઈનલ આ સ્ટેડિયમમાં રમાશે, તેથી ભારત-પાકિસ્તાનની મેચ અન્ય કોઈ સ્થળે રમાશે. આઇસીસીની ઇવેન્ટ કમિટી યજમાન ક્રિકેટ બોર્ડ બીસીસીઆઇ સાથે મળીને આ અંગેની અંતિમ રૂપરેખા આગામી મહિનાઓમાં તૈયાર કરી લેશે. 2011ના વર્લ્ડ કપમાં પાકિસ્તાને મોહાલીમાં ભારત સામે સેમિફાઇનલ મેચ રમી હતી. તેનો હેતુ પાકિસ્તાનના પ્રશંસકો માટે સરહદપાર સ્ટેડિયમમાં આવવાનું સરળ બનાવવાનો હતો. જોકે, આ વખતે મોહાલી વર્લ્ડકપના 12 સ્થળોની યાદીમાં સામેલ નથી.

Most Popular

To Top