World

પાકિસ્તાનના ફૈસલાબાદમાં પેસેન્જર બસમાં ભીષણ આગ, 16નાં મોત, 15 ઘાયલ

નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) ફૈસલાબાદમાં એક પેસેન્જર બસમાં (Bus) ભીષણ આગ લાગવાથી 16 લોકોના મોત (Death) થયા છે અને 15 લોકો ઘાયલ (Injured) થયા છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. જાણકારી મુજબ આ ધટના ત્યારે ધટી જ્યારે પેસેન્જર બસ ડીઝલના ડ્રમ લઈ જતી પીકઅપ વાન સાથે અથડાઈ હતી. આ પછી બંને વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે તેઓએ બારીના કાચ તોડીને મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા હતા. જેનાં કારણે ઘણાં લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે બસમાં 35 થી 40 લોકો હતા અને તે કરાચીથી ઈસ્લામાબાદ જઈ રહી હતી. રિપોર્ટમાં જિલ્લા પોલીસ અધિકારી ડૉ. ફહાદને ટાંકીને કહેવામાં આવ્યું છે કે બસ અથડામણ બાદ તરત જ આગ લાગી ગઈ હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.

નોર્થ વઝીરિસ્તાનના શવાલમાં બસમાં આગ લાગવાથી મુસાફરી કરી રહેલા કેટલાય લોકોના મોત
ગયા મહિનાની શરૂઆતમાં પંજાબના રાજનપુર જિલ્લાના ફાઝિલપુર વિસ્તારમાં બસ પલટી જતાં એક મહિલા અને બે સગીર સહિત પાંચ લોકોના મોત થયા હતા અને 20 અન્ય ઘાયલ થયા હતા. આવી જ ઘટના શનિવારે નોર્થ વઝીરિસ્તાનના શવાલ વિસ્તારમાં બની હતી, જ્યાં એક પ્રચંડ વિસ્ફોટમાં બસમાં મુસાફરી કરી રહેલા કેટલાય લોકોના મોત થયા હતા.

આ ઘટના શનિવારની રાત્રે બની જ્યારે એક ડઝનથી વધુ મજૂરો એક વાહનમાં ઉત્તર વજીરિસ્તાનના શવાલ વિસ્તારથી દક્ષિણ વજીરિસ્તાન જઈ રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ વાહન ખાનગી હતું અને તેમાં મજૂરોને લઈ જવાતા હતા. જ્યારે તે ગુલ મીર કોર્પ્સ એરિયામાં પહોંચ્યો ત્યારે તેને લેન્ડમાઈનથી અથડાઈ હતી. અત્યાર સુધી, અધિકારીઓએ આ ઘટનામાં કેટલા લોકો માર્યા ગયા તે જાહેર કર્યું નથી, પરંતુ સ્થાનિકોએ દાવો કર્યો છે કે ઓછામાં ઓછા 11-16 કામદારોના મોતની આશંકા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઘટના બાદ તરત જ ઘાયલ અને મૃતકોના મૃતદેહોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

Most Popular

To Top