World

પાકિસ્તાન: બલૂચિસ્તાનમાં ઇદેમિલાદના જુલૂસ દરમિયાન આત્મઘાતી હુમલો, 50થી વધુના મોત, અનેક ઘાયલ

પાકિસ્તાનના (Pakistan) બલૂચિસ્તાનમાં એક બોમ્બ બ્લાસ્ટમાં (Blast) 52 લોકોના મોત થયા છે. આ એક આત્મઘાતી હુમલો હતો જે ઇદેમિલાદના (Eid-e-Milad) જુલૂસ દરમ્યાન થયો હતો. આ દુર્ઘટનામાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે. હુમલાખોર પોલીસ અધિકારીના (Police Officer) વાહનની નજીક આવ્યો હતો અને પોતાની જાતને બોમ્બથી ઉડાવી દીધી હતી. આ આત્મઘાતી હુમલામાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. બ્લાસ્ટ થયો ત્યારે મુસ્તાંગ જિલ્લામાં મસ્જિદની બહાર ઇદેમિલાદના જુલૂસ માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. છેલ્લા 15 દિવસમાં મસ્તાંગમાં આ બીજો મોટો વિસ્ફોટ છે. આ મહિનાની શરૂઆતમાં મસ્તાંગમાં જ એક બ્લાસ્ટમાં 11 લોકોના મોત થયા હતા.

વિસ્ફોટ મસ્તુંગ જિલ્લામાં મદીના મસ્જિદ પાસે થયો હતો. જુલૂસ દરમિયાન ફરજ પર રહેલા મુસ્તાંગના નાયબ પોલીસ અધિક્ષક (ડીએસપી) નવાઝ ગશકોરી પણ આત્મઘાતી વિસ્ફોટમાં માર્યા ગયા હતા. મસ્જિદ પાસે વિસ્ફોટ ત્યારે થયો જ્યારે લોકો પયગંબર મોહમ્મદના જન્મદિવસ પર ઈદ-મિલાદ-ઉન-નબીના અવસર પર એકઠા થયા હતા. સિટી પોલીસ સ્ટેશનના પ્રભારી મોહમ્મદ જાવેદ લાહિરીએ જણાવ્યું હતું કે આ એક ‘આત્મઘાતી વિસ્ફોટ’ હતો અને હુમલાખોરે પોલીસ અધિકારીના વાહનની બાજુમાં ઉભો હતો ત્યારે બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટ બાદ મસ્જિદની છત ધરાશાયી થઈ ગઈ હતી. અહીં 30-40 લોકો કાટમાળ નીચે દટાયા છે. 12 લોકોને બચાવી લેવાયા છે.

ઈદ-એ-મિલાદને ધ્યાનમાં રાખીને સમગ્ર પાકિસ્તાનમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ ઘટનામાં હજી વધુ લોકો ઘાયલ થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા બલૂચિસ્તાનના મુખ્યમંત્રીએ સમગ્ર ક્ષેત્રમાં 3 દિવસના શોકની જાહેરાત કરી છે. બલૂચિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન એટલે કે TTPએ કહ્યું છે કે આ વિસ્ફોટ પાછળ તેમનો હાથ નથી.

મસ્તુંગના આસિસ્ટન્ટ કમિશનર અતાહુલ મુનીમે ઘાયલોની સંખ્યા વિશે માહિતી આપી હતી. મુનિમે પુષ્ટિ કરી કે વિસ્ફોટ ડીએસપી ગિશકોરીની કારમાં થયો હતો, જે સરઘસની બાજુમાં હાજર હતા. એસએચઓ મોહમ્મદ જાવેદ લહેરીએ કહ્યું કે આ ઘટનામાં એક પોલીસકર્મીનું પણ મોત થયું છે. વિસ્ફોટ પછી ઘણા ફોટોગ્રાફ્સ સામે આવ્યા છે જેમાં લોહીથી લથપથ લાશો અને શરીરના વિચ્છેદિત અંગો દરેક જગ્યાએ વેરવિખેર જોવા મળે છે. હજુ સુધી કોઈ જૂથે આ હુમલાની જવાબદારી લીધી નથી. બલૂચિસ્તાન પ્રાંતના અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારને ઘેરી લીધો છે અને હુમલાખોરોને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. જણાવી દઈએ કે મસ્તુંગ ક્વેટાથી દક્ષિણ-પશ્ચિમમાં લગભગ 51 કિમી દૂર છે.

Most Popular

To Top