Top News

More Posts

   The Latest

Most Popular

1960ની દેવઆનંદની ‘કાલાબજાર’ ફિલ્મના ગીતની સમીક્ષા ‘શો ટાઇમ’ પૂર્તિમાં બકુલ ટેલરે બહુ સુંદર રીતે કરી છે. ફિલ્મ જગતમાં સંગીતકાર એસ.ડી. બર્મનની ઓળખ દાદા તરીકેની હતી. દાદાના ખજાનાનું આ ફિલ્મનું ગીત શૈલેન્દ્રએ લખ્યું હતું. આ અણમોલ ગીતના શબ્દો હતા ‘સચ હુએ સપને મેરે’ ગીત દાદાએ એમની ગીતની ઉંડી સમજના આધારે આશા ભોંસલે પાસે ગવડાવીને કમાલ કરી બતાવી હતી. એ જમાનામાં આ ગીતના મુખડાના આશા ભોંસલેના મસ્તીભર્યા અવાજના રમતિયાળ ગીતના અંતિમ શબ્દો ‘ચીકી ચીકી ચીક ચા ચા યૈ’ ઘરે ઘર સંગીત પ્રેમી લોકોના હોઠો પર રમતા થઇ ગયા હતા. થિયેટરમાંથી નીકળતા પ્રેક્ષકો વહિદા રહેમાન પર ફિલ્માવેલા સ્ટેપ ડાન્સ પર ફિદા થઇ ગયા હતા.

આશા ભોંસલેના યુવાની કાળના આ ગીતમાં એમને પ્રાણ ફૂંકી દીધા હતા. આશા ભોંસલે પણ પોતાની કેરિયરનું આ ગીત બેસ્ટ ગીત માને છે. લતા મંગેશકર અને આશા ભોંસલે આ બે બહેનોએ હિન્દી ફિલ્મ જગતમાં વિવિધ પ્રકારના યાદગાર ગીતો આપ્યા છે. એમાં કહેવું જોઇએ કે વર્સેટાઇલ ગાયિકા આશા ભોંસલે પાસે વિવિધતા ઘણી બધી ભરી પડેલી હતી. એને કોઇપણ પ્રકારના ગીતને આસાનીથી ગાઇને લોકોના દિલ જીતી લીધા હતા. લેખકે એક અંતરાના શબ્દો પર વિવેચન કરતા લખ્યું છે કે કોઇ સવારનો ભુલેલો સાંજે ઘરે વળે એ કહેવતની યાદ અપાવી. પ્રેમી પ્રેમિકાની અવસ્થાની યાદ અપાવી મન ઝૂમી ઉઠે છે. નાચી ઉઠે છે. મન મૂકીને ફરી પાછી પેલી ગીતની અંતિમ પંકિતની યાદમાં ખોવાય જઇ ગાઇ ઉઠે છે. ‘ચીકી ચીકી ચીક ચા ચા યૈ’ આ સફળ ફિલ્મની અભિનેત્રી વહિદા રહેમાનનું પણ આ ગીત પસંદગીનું ગીત છે.
સુરત              – જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આખું ટોલનાકું જ ખાનગી ને સરકારને ખબર નથી
હમણાં એક સમાચાર વાંચ્યા, જે આઘાતજનક છે. સરકારી તંત્ર કેવું નિંભર છે તે પણ સમજાય છે. બામણપોર કચ્છ રાષ્ટ્રીય હાઇ વે પર વાંકાનેર નજીક એક ટોલનાકું છે, જેની માલિકી ખાનગી છે. ત્યાંથી પસાર થતાં વાહનો પાસે દાદાગીરીથી ઉઘરાણું કરે છે. શું એ વિસ્તારોમાં આ વિશે જેમને ખબર પડે તેવું સરકારી તંત્ર જ નથી કે પછી તેઓ પણ આમાં સામેલ હશે? નકલી પોલીસ હોય,નકલી કચેરીઓ હોય એ બધું સાંભળ્યું, હવે નકલી ટોલનાકાં પણ સંભળાઈ રહ્યાં છે.
સુરત              – ઝરીન ટપાલી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top