SURAT

છાતીમાં દુ:ખાવો થતો હતો છતાં સિવિલના તબીબોએ ઉપરછલ્લી સારવાર કરી આધેડને ઘરે મોકલ્યા, પછી થયું આવું..

સુરત (Surat): સુરત સિવિલ હોસ્પિટલમાં (SuratCivilHospital) ત્રણ કલાકની સારવાર બાદ રજા આપી દેવાયા આધેડ સિક્યુરિટી ગાર્ડનું 5 કલાક બાદ રહસ્યમય મોત (Death) નિપજતા અનેક પ્રશ્ન ઉભા થયા છે. એટલું જ નહિ પણ સિવિલનું મેડિસિન વિભાગ ફરી વિવાદમાં આવ્યું છે.

મૃતકના ભત્રીજા સંજય યાદવે જણાવ્યું હતું કે કાકા રાજકુમાર સવારે દવા પીધા બાદ શૌચાલય જતા જમીન પર પડી ગયેલી હાલતમાં મળી આવ્યા હતા. 108ની મદદથી સિવિલ લવાતા મૃત જાહેર કરાયા છે. રાત્રે 12:30 વાગે પેટ અને છાતીના દુ:ખાવા સાથે લવાયા બાદ ટ્રોમાં સેન્ટરના ડોક્ટરોએ 3 કલાકની સારવાર બાદ રજા આપી દીધી હતી.

સંજય યાદવે વધુમાં જણાવ્યું હતું કે, મૃતક રાજકુમાર યાદવ (ઉં.વ. 45) મૂળ યુપીના રહેવાસી હતા. એક વર્ષ પહેલા કામકાજની શોધમાં સુરત આવ્યા હતા. 4 મહિના પહેલા વતન પરિવાર ને મળીને પરત આવેલા રાજકુમાર વેસુના નંદનવન એપાર્ટમેન્ટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. આજે સવારે અચાનક શૌચાલય ગયા બાદ જમીન પર ઢળી પડતા તેમને 108ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં મૃત જાહેર કરાયા હતા.

સિવિલના ડોક્ટરોએ યોગ્ય નિદાન અને ઉપચાર કર્યો હોત તો બચી જાત
રાજકુમાર ભાઈ ને રાત્રે 12:30 વાગે અચાનક છાતી અને પેટમાં દુખાવો ઉપડતા સાથી સિક્યુરિટી ગાર્ડ સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં ટ્રોમાં સેન્ટરમાં એમને લગભગ 3 કલાક સુધી સારવાર આપ્યા બાદ વહેલી પરોઢે રજા પણ આપી દેવાઈ હતી. ત્યારબાદ આજે સવારે ડોક્ટરની સલાહ મુજબ દવા પીધા બાદ શોચાલય ગયા હતા. જોકે ત્યારબાદ એમનું મોત નીપજ્યું હતું. હાલ રાજકુમાર ભાઈની મોત એક રહસ્ય બની ગઈ છે.

વધુમાં જણાવ્યું હતું કે રાત્રે જ એમને દાખલ કરી દેવાયા હોત તો લગભગ સવારે આવી પરિસ્થિતિ ઉદભવી ન હોત, ડોક્ટરોની ક્યાંય ને ક્યાંય બેદરકારી હોવાની આશંકા લાગી રહી છે. વતનમાં ઘટનાની જાણ બાદ પત્ની, પુત્ર અને બે દીકરીઓ શોકમાં ગરકાવ થઈ ગયા છે. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top