Charchapatra

જોખમ વધી રહ્યું છે.. મક્કાઈ પુલ સર્કલ પાસે

સુરત શહેરના તળ વિસ્તારમાં મેટ્રો રેલનો પ્રોજેક્ટ તો શહેરીજનોને માથાભારે લાગી જ રહ્યો છે, ત્યારે દાઝ્યા ઉપર ડામની જેમ વહેલી સવારથી મોડી સાંજ સુધી નાનપુરા દોટીવાલા બેકરી સામે આવેલ હદ કરતાં દોઢા વધુ એવા સ્વામી વિવેકાનંદ ટ્રાફિક સર્કલ પાસે એક તરફ પગપાળા રોજિંદી અવરજવર કરતાં શ્રમજીવીઓનાં ટોળાં, સામેથી – ચારેય દિશામાંથી આવતો વાહનચાલકોનો એકધારો પ્રવાહ અને એની સમાંતર સિટી બસોના કાચ વગર સૂચનાઓવાળા,કે સાઈન બોર્ડ વગરના આડેધડ પાર્કિંગ.. સાથે આડાઅવળા,લારી ગલ્લાના , ફેરિયાઓનું ન્યૂસન્સ સહિત સમગ્ર સર્કલની તદ્દન બિનજરૂરી બનેલી એવી રાહદારીઓને માટેની ફૂટપાથનાં દબાણો જે,દિવસ રાત એકના એક સ્થળે પડ્યા પાથર્યાં રહેતાં ગરીબ અને લાચાર , ભિક્ષાપાત્ર માણસોના છૂટાછવાયા પથારા સમેત સાઈકલરીક્ષા, હાથ ગરગડીના પાટિયાનાં દબાણ જોતાં અને સર્કલની ફરતે પગપાળા કે વાહન લઈને જતા આવતા નાગરિકોને ટ્રાફિકની ઝંઝટ એ હવે રોજની રામાયણ બની ગયું છે. 

થોડા સમય પહેલાં જ અહીં ખતરનાક સિટી બસની અડફેટે અકસ્માત સર્જાયો હતો, એમાં એક નિર્દોષ રાહદારીનો ભોગ લેવાયો, છતાં પણ આજની તારીખે પણ આ, સર્કલ પાસે તમામ નડતરરૂપ પાર્કિંગો અને અકસ્માતની સંભાવનાઓ જાણે દિનપ્રતિદિન ઘટવાને બદલે વધી રહી છે ,ત્યારે સંબંધિત વહીવટી તંત્રોના, મનપાના જાગૃત સત્તાધીશો આ અંગે સકારાત્મકતા દાખવી વાહનચાલકોની અને જાહેર સુખાકારી સંદર્ભે રાહદારીઓને રસ્તા ઓળંગી અવરજવરની સલામતી માટે કાયમી ધોરણે ઉકેલ લાવી સુખદ અનુભવ કરાવશે ખરા? કે,પછી.. વગર વાંકે અકસ્માત મોતના સમાચારો પછી ,જે તે ભોગ બનનારના પરિવારને સરકારી તિજોરીએથી..મૃતક સહાય આપી- અપાવીને ફરજ પૂરી કર્યાનો સંતોષ માનશે ?
સુરત     – પંકજ શાંતિલાલ મહેતા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top