Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: (New Delhi) અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરમાં ‘પ્રાણ પ્રતિષ્ઠા’ થવાની છે તેના ઉપલક્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) 11 દિવસના અનુષ્ઠાન પર છે. તેઓ પ્રત્યેક દિવસે વિશેષ ધાર્મિક વિધી કરી રહ્યા છે. સાથેજ તેઓએ તેમની દિનચર્યા પણ બદલી છે જેના ભાગ રૂપે મોદી જમીન પર ધાબળો પાથરી સૂઈ રહ્યા છે અને માત્ર નારિયેળ પાણી (Coconut Water) પી રહ્યા છે એમ સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું.

  • રામ મંદિર સમારંભ પહેલા વડા પ્રધાન માત્ર નારિયેળ પાણી પી રહ્યા છે
  • મોદી ગાયોની પૂજા અને સેવા કરી રહ્યા છે સાથે જ વિવિધ પ્રકારના દાન કરી રહ્યા છે
  • મોદી દેશભરમાં વિવિધ રામ મંદિરોની મુલાકાત લઈ રહ્યા છે, ભજનમાં ભાગ લઈ રહ્યા છે

રામ મંદિર અનુષ્ઠાનને લઈ મોદી ‘ગૌ-પૂજા’ પણ કરી રહ્યા છે, ગાયોને ખવડાવી રહ્યા છે અને ‘અન્નદાન’ અને શાસ્ત્રો અનુસાર કપડાં આપવા જેવા વિવિધ દાન કરી રહ્યા છે. એક શ્રદ્ધાળુ ‘રામભક્ત’ તરીકે મોદી છેલ્લા કેટલાક દિવસોમાં દેશના વિવિધ ભાગોમાં મંદિરોની મુલાકાત લઈ રહ્યા છે જેમાં નાસિકમાં રામકુંડ અને શ્રી કાલારામ મંદિર, આંધ્ર પ્રદેશમાં લેપાક્ષીમાં વીરભદ્ર મંદિર અને ગુરુવાયુર મંદિર અને કેરળમાં ત્રિપ્રયાર શ્રી રામસ્વામી મંદિર સામેલ છે.

મળતી માહિતી મુજબ વડાપ્રધાન આગામી બે દિવસમાં તમિલનાડુમાં આવા વધુ મંદિરોની મુલાકાત લેશે. આ મંદિરો દેશના વિવિધ ભાગો માટે એકીકૃત શક્તિ તરીકે કામ કરે છે સાથે જ ભગવાન રામ સાથે પણ જોડાણ ધરાવે છે. છેલ્લા કેટલાક દિવસોમાં દેશભરના મંદિરોની તેમની મુલાકાત અને વિવિધ ભાષાઓમાં રામાયણ સાંભળવું અને મંદિરોમાં ભજનમાં ભાગ લેવો એ નોંધપાત્ર છે કારણ કે તેની અસર ધર્મના સામાન્ય રીતે સમજી શકાય તેવા ક્ષેત્રની બહાર છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદીના પ્રયાસોનો ઉદ્દેશ્ય ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના તેમના સ્વપ્નને અનુરૂપ ભારતીય સામાજિક-સાંસ્કૃતિક એકતાને મજબૂત કરવાનો પણ છે. આ સાથે જ તેમણે મંદિરોના પરિસરને સાફ કરવાની ઝુંબેશ પણ શરૂ કરી છે અને નાસિકમાં કાલારામ મંદિરમાં સફાઈ કરી હતી.

To Top