Sports

ઈતિહાસ રચનાર ભારતીય ટેનિસ પ્લેયર ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી બહાર, ચીનના ખેલાડીએ હરાવ્યો

નવી દિલ્હી(NewDelhi): ઓસ્ટ્રેલિયન ઓપન 2024માં (AustralianOpen2024) સુપર્બ પર્ફોમન્સ બતાવનાર ભારતીય ટેનિસ ખેલાડી સુમિત નાગલની (SumitNagal) સ્પર્ધાનો અંત આવ્યો છે. બીજા રાઉન્ડમાં સુમિતને ચીનના (China) શાંગ જુનચેંગ સામે 6-2, 3-6, 5-7, 4-6થી હારનો સામનો કરવો પડ્યો છે. બંને ખેલાડીઓ વચ્ચેની આ મેન્સ સિંગલ્સની મેચ 2 કલાક અને 50 મિનિટ સુધી ચાલી હતી.

આજે ગુરુવારે તા. 18 જાન્યુઆરીના રોજ કોર્ટ નંબર 13 પર રમાયેલી મેચમાં સુમિત નાગલે શાનદાર શરૂઆત કરી હતી અને તેણે પહેલો સેટ આસાનીથી જીતી લીધો હતો. જો કે આ પછી ચીનના ખેલાડીએ જબરદસ્ત વાપસી કરી હતી. બીજા સેટની ચોથી ગેમમાં શાંગે સુમિતની સર્વિસ તોડી હતી. ત્યાર બાદ ચીનના ખેલાડીએ આસાનીથી બીજો સેટ જીતી લીધો હતો. ત્યાર બાદ સુમિત ત્રીજા અને ચોથા સેટમાં પણ વાપસી કરી શક્યો ન હતો અને તે મેચ હારી ગયો હતો.

આ અગાઉ પ્રથમ રાઉન્ડમાં કઝાકિસ્તાનના એલેક્ઝાન્ડર બુબલિકને હરાવીને સુમિત નાગલે ઈતિહાસ રચ્યો હતો. સુમિતે ટૂર્નામેન્ટમાં 31મો સીડ એલેક્ઝાન્ડર બુબ્લિકને હરાવ્યો હતો. સુમિત નાગલે તે મેચ 6-4, 6-2, 7-6 (5)થી જીતી લીધી હતી. 35 વર્ષમાં આ પ્રથમ વખત બન્યું હતું જ્યારે કોઈ ભારતીય પુરુષ ટેનિસ ખેલાડીએ સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમમાં ક્રમાંકિત ખેલાડીને હરાવ્યો હોય.

સુમિત નાગલે ટૂર્નામેન્ટના ક્વોલિફાઇંગ રાઉન્ડની ફાઇનલમાં એલેક્સ મોલ્કન (સ્લોવાકિયા)ને 6-4, 6-4થી હરાવીને મુખ્ય ડ્રોમાં પ્રવેશ કર્યો હતો. તેણે 2019 માં યુએસ ઓપનમાં રોજર ફેડરર સામે તેના ગ્રાન્ડ સ્લેમમાં પ્રવેશ કર્યો હતો. તેણે ફેડરરને પણ એક સેટમાં હરાવ્યો હતો પરંતુ તે મેચ 6-4, 1-6, 2-6, 4-6થી હારી ગયો હતો. યુએસ ઓપન 2020ના પ્રથમ રાઉન્ડમાં તેણે અમેરિકાના બ્રેડલી ક્લાહ્નને 6-1, 6-3, 3-6, 6-1થી હરાવ્યો હતો.

બોપન્ના-એબડેન જીત્યા
બીજી તરફ ભારતના રોહન બોપન્ના અને મેથ્યુ એબ્ડેન (ઓસ્ટ્રેલિયા) મેન્સ ડબલ્સના બીજા રાઉન્ડમાં પહોંચી ગયા છે. બીજી ક્રમાંકિત બોપન્ના-એબ્ડેનની જોડીએ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ જેમ્સ ડકવર્થ અને માર્ક પોલમેન્સ સામે 7-6 (5), 4-6, 8-6 (2) થી જીત મેળવી હતી. બોપન્ના-એબડેન હવે ત્રીજા રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ જોન મિલમેન અને એડવર્ડ વિન્ટર સામે ટકરાશે.

Most Popular

To Top