Charchapatra

પારકી ભૂમિ પર દેશ નિર્માણ

દુનિયાના ઇતિહાસમાં પ્રથમવાર બનેલી દાદાગીરી અને જબરદસ્તીથી પારકી ભૂમિ પર કબજો જમાવી આખો નવો દેશ રચી કાઢવાની ઘટનાને મૂંગે મોઢે મંજૂરી આપી દેવાની વિશ્વ સંગઠન સંસ્થા યુનોએ અવિશ્વસનીયતા, દબાણ, લાચારી, અન્યાયની વ્યથિત કથાને કંડારી છે. ઇસ્લામ પ્રાગટય પછી યહુદીઓ વિશ્વમાં ઠેરઠેર રઝળતી પ્રજા બની ગયા.પ્રથમ વિશ્વયુધ્ધ પછી અમેરિકા અને બ્રિટને ગંદા રાજકારણ, દાદાગીરી, અનાધિકૃત ખેલ પાડયો. જર્મનીમાં યહુદીઓ ર્ત્યે હિટલર કટ્ટર તિરસ્કાર ધરાવતો હતો, તેણે લગભગ સાંઠ લાખ યહુદીઓનો ગેસ ચેમ્બરોમાં નરસંહાર કરી યહુદી પ્રજાને નાપાક ગણી નાબૂદ કરવાની દિશામાં કામગીરી આરંભી હતી.

અમેરિકા મહાસત્તા બની ચૂકયું હતું અને બ્રિટન હકુમત વિશ્વવ્યાપી સ્વરૂપ પામી રહી હતી એટલે એ બંનેના સહિયારા પ્રયાસોએ યહુદી પ્રજાનું એકત્રીકરણ કરવાના પ્રયાસો કર્યા. વિશ્વમાં ઠેરઠેર રઝળતા યહૂદીઓ એક ભૂમિ પર વસાવવાની તેમની યોજના ઘડાઇ. પેલેસ્ટાઇન જે ફલસ્તીન તરીકે અરબ દેશ હતો તેની ભૂમિ પર વિસ્તરણ સાથે કબજો જમાવી બહારની યહૂદી પ્રજાને બોલાવી નવા દેશ ઇઝરાઇલ તરીકે પારકી ભૂમિપર દેશ નિર્માણ કર્યું. સામાન્ય રીતે તો કોઇના ઘરમાં પણ ગેરકાયદે પ્રવેશ કરી શકાતો નથી.

અમુક સમય માટે મહેમાન તરીકે તે ઘરના લોકોની સંમતિ સાથે રહી શકે છે, પણ તે પછી પોતાનો હક જમાવવા દાદાગીરી કરે તેને ચલાવી લેવાતી નથી અને ઝઘડો, હિંસા થાય છે. અમેરિકાની ભૂમિ વિશાળ છે, જો તે ઉદારતાપૂર્વક ચાહતે તો અમેરિકાના અમુક હિસ્સામાં યહૂદી પ્રજાને વસાવી શકતે, પણ પારકી ભૂમિનું દાન કરવાની બેશરમ હરકત કરી. જો પોતાના જ દેશની ભૂમિ પર યહૂદીઓના નવા દેશને કંડારવાની ઉદાર, સખાવતી નીતિ દર્શાવી હોત તો સદાકાળ તેની મહાનતા સ્થાપિત થઇ શકતી હતી. આજપર્યંત ઇઝરાઇલ પ્રત્યે ઇસ્લામી દેશો ધૃણા સેવે છે, ઝઘડા થતા રહે છે. ધાર્મિક કટ્ટરતા અને ઇસ્લામી દેશને થયેલા અન્યાય બદલ ઘર્ષણ થતું રહે છે અને તેમાંથી જ આતંકવાદી સંગઠન પણ ઉદ્‌ભવે છે.

ગંદી રાજરમત કરનાર દેશોને કુટિલતા સાથે પોતાના હેતુઓ પાર પાડવાની સરળતા તેમાં દેખાય છે. આવી રાજરમત હિંસાને નોતરે છે અને શકિતશાળી દેશોએ પૂરા પાડેલા શસ્ત્રો, વિસ્ફોટકો, મિસાઇલ્સ તબાહી નોતરે છે, કરોડો નિર્દોષ નાગરિકો માર્યા જાય છે. વિવ્યુધ્ધની શંકા પણ જામે છે. ઉદ્યમી યહૂદી પ્રજાએ જ્ઞાન વિજ્ઞાન, સાહસમાં, પરિશ્રમમાં અકલ્પ્ય સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેમને પણ તાનાશાહીનું દુ:ખ છે. ચંદ્ર સહિત અન્ય પરગ્રહો પર પહોંચવાની સિદ્ધિ એકવીસમી સદીના માનવે પ્રાપ્ત કરી છે ત્યારે સત્ય, પ્રેમ અને અહિંસાની સાથે વસુધૈવ કુટુંબકમની ભાવના પણ અત્યંત આવશ્યક ગણાય.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top