Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: ફિનટેક ફર્મ પેટીએમના (Paytm) શેર (Share) અઠવાડિયાના પહેલાં ટ્રેડિંગ (Trading) દિવસે મિશ્ર પર્ફોમન્સ કરતા જોવા મળ્યા છે. આજે સોમવારે તા. 19 ફેબ્રુઆરીના રોજ શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થતાની સાથે જ પેટીએમના શેર્સમાં અપર સર્કિટ લાગી હતી. તે 5 ટકા ઉછળીને રૂ. 358.35ના સ્તરે પહોંચી ગયા હતા. શેરમાં વધારા સાથે Paytmની પેરેન્ટ કંપની વન97 કોમ્યુનિકેશન (One97 Communication)ની માર્કેટ મૂડીમાં પણ વધારો થયો છે. કંપનીના શેરમાં આ તોફાની ઉછાળા પાછળ શું કારણ છે, ચાલો જાણીએ..

સૌથી પહેલા પેટીએમના સ્ટોકમાં થયેલા ઉછાળાની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે આજે સવારે શેરબજાર મામૂલી ઉછાળા સાથે ખુલ્યું હતું. બજાર ખુલતાની સાથે જ One97 શેરની કિંમતમાં 5 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આ અગાઉ ગયા અઠવાડિયે પાંચ દિવસમાં તેની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. ગયા અઠવાડિયા દરમિયાન તે 8.58 ટકા ઘટ્યો હતો. કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન પણ રૂ. 22760 કરોડના સ્તરે પહોંચી ગયું હતું. આ પહેલા શુક્રવારે પેટીએમના શેર 341.30 રૂપિયાના સ્તરે બંધ થયા હતા.

બજારના જાણકારો કહે છે કે, પેટીએમના શેરની કિંમતોમાં આ વધારો પહેલેથી જ અપેક્ષિત હતો. ખરેખર ગયા અઠવાડિયે આ ફિનટેક ફર્મ વિશે બે મોટા અને રાહત સમાચાર હતા. પહેલા સમાચાર એ હતા કે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ પેટીએમ પેમેન્ટ્સ બેંક, પેટીએમની બેંકિંગ શાખા પર પ્રતિબંધની સમયમર્યાદા અગાઉ નિર્ધારિત 29 ફેબ્રુઆરી 2024 થી વધારીને 15 માર્ચ કરી હતી. એટલે કે પેટીએમને વધુ 15 દિવસનો સમય મળ્યો છે અને તેના ગ્રાહકો આ તારીખ સુધી વોલેટ, એકાઉન્ટ, ફાસ્ટટેગ અને અન્ય પેટીએમ બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરી શકશે.

આ પછી તરત જ બીજા સમાચાર આવ્યા જેમાં ફિનટેક ફર્મ પેટીએમ એ તેના સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કે તેણે તેનું નોડલ એકાઉન્ટ એક્સિસ બેંકમાં શિફ્ટ કર્યું છે. પેટીએમનું નોડલ એકાઉન્ટ એક માસ્ટર એકાઉન્ટ જેવું છે, જે તમામ ગ્રાહકો અને વેપારીઓના વ્યવહારોનું સમાધાન કરે છે. આનો અર્થ એ છે કે જે ગ્રાહકોનું પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં ખાતું છે તેઓ 15 માર્ચ પછી પણ સરળતાથી તેમના વ્યવહારોનું સમાધાન કરી શકે છે. આ ઉપરાંત ક્યૂઆર કોડ, સાઉન્ડબોક્સ અને કાર્ડ મશીન જેવી સેવાઓ પણ ચાલુ રહેશે.

19 દિવસમાં માર્કેટ કેપ અડધું થઈ ગયું છે
નોંધનીય છે કે 31 જાન્યુઆરીએ આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેંકની સેવાઓ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જાહેર કર્યો હતો, જે પહેલા 29 ફેબ્રુઆરીથી અને હવે 15 માર્ચથી લાગુ કરવામાં આવશે. આ ઓર્ડરના બીજા જ દિવસે, એટલે કે 1લી ફેબ્રુઆરીએ પેટીએમ શેર્સ 20 ટકાની નીચલી સર્કિટ પર પહોંચ્યો અને ત્યારથી એક-બે દિવસ સિવાય ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ રહ્યો. દરમિયાન પેટીએમનું માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ અડધું થઈ ગયું છે. પેટીએમ એમકેપ 31 જાન્યુઆરીએ રૂ. 48,310 કરોડ હતો, જે સોમવાર, 19 ફેબ્રુઆરીએ રૂ. 22,760 કરોડ નોંધાયો હતો.

To Top