Comments

શું કોઇ પણ પ્રકારની ગણતરી કે અપેક્ષા વિનાના નિ:સ્વાર્થ સામાજિક સંબંધો શકય છે?

મનુષ્ય એક સામાજિક પ્રાણી છે તે કહેવાની જરૂર નથી કેમકે બહુ સ્વીકૃત બાબત છે, પછી ભલે મનુષ્ય અન્ય પ્રાણી કરતાં વધુ હિંસક કેમ ન હોય?! સંન્યાસી સિવાય કોઇ મનુષ્ય પરિવાર વિના, સમાજ વિના જીવી ન શકે. પરિવાર એ નાનો સમાજ છે અને સમાજ એ પરિવારનું વિસ્તૃત સ્વરૂપ છે. સામાન્ય રીતે પરિવારમાં આપણે દિન-પ્રતિદિન જે સંવાદ કરીએ છીએ, વર્તન-વ્યવહાર કરીઅી છેઅી તેમાં આપણો ઝાઝો સ્વાર્થ કે ગણતરીઓ હોતા નથી તે સહજ રીતે થાય છે. લોહીની સગાઇ, પ્રેમ, સ્નેહને કારણે આ સંબંધો નિ:સ્વાર્થ અને સહજ બની રહે છે. તેથી તેને આપણે પારિવારિક સંબંધો કહીએ છીએ.

સમાજ હવે પરિવાર પૂરતો સીમિત નથી રહ્યો. અનેક નજીકના કે દૂરના વ્યકિતઓ, મિત્રો, આપણી સાથે નોકરી કે વ્યવસાય કરતા સ્નેહીઓ પણ આપણો સમાજ છે. આર્થિક, સામાજિક કે સાંસ્કૃતિક બાબતોને કારણે આપણે એકબીજા સાથે જોડાયેલા રહીએ છીએ. ઘણીવાર સગા વ્હાલા કરતાં વધુ આત્મીય સંબંધો દૂરના વ્યકિતઓ સાથે બંધાય છે અને ટકી પણ રહે છે. તેથી કહેવાય છે, ‘બધા સગા, વ્હાલા નથી હોતા અને બધા વ્હાલા સગા નથી હોતા.’ આપણે એમ પણ કહીએ છીએ, આપણો પડોશી આપણો પહેલો સગો છે. બોલવામાં આ સારું લાગે છે પરંતુ તે એક લોકપ્રિય જૂઠાણું છે!

ઘણીવાર નજીકના સગાઓમાં જે ઇર્ષ્યાવૃત્તિ જોવા મળે છે તેવી દૂરના સંબંધોમાં જોવા મળતી નથી. વખત આવ્યે કયારેક નજીકના જ દૂર ભાગી જાય છે જયારે દૂરના સાથ નિભાવે છે! જેમ ટ્રેનમાં મુસાફરી કરતા હો ત્યારે નજીકના વૃક્ષો આપણી વિરુદ્ધ દિશામાં ગતિ કરતા લાગે છે જયારે દૂરના ક્ષિતીજ પરના વૃક્ષો આપણી સાથે ને સાથે ગતિ કતા રહે છે. ભલે આ વાત આભાસી છે પરંતુ નજીકના અને દૂરના સગા-સંબંધીઓના માનવ સંબંધો સાથે બંધ બેસે તેવી છે.

હવે આપણાં રોજિંદા વ્યવહારો તપાસીએ. આપણે જાણ્યે-અજાણ્યે અલગ-અલગ વ્યકિતઓ સાથે અલગ અલગ વ્યવહાર કરીએ છીએ. કઇ વ્યકિત કેટલી કામની છે અને ભવિષ્યમાં કેટલી કામમાં આવવાની છે તેની ગણતરી કરી તેની સાથે વર્તન-વ્યવહારનો તખ્તો ગોઠવીએ છીએ. આપણાં સામાજિક વ્યવહારોમાં આપણી નાની-મોટી પ્રચ્છન્ન અપેક્ષાઓ છૂપાયેલી હોય છે. એક પણ સામાજિક વ્યવહાર અપેક્ષા વિનાનો હોતો નથી! સવાલ એ થાય કે સંબંધો બંધાય તે પહેલાં અપેક્ષા જન્મે છે કે સંબંધો બંધાયા પછી અપેક્ષા જન્મે છે? મરઘી પહેલી કે ઇંડું પહેલું તેના જેવો આ સવાલ છે. માનવ વર્તનનું મનોવિજ્ઞાન કહે છે, મહદ્‌અંશે મોટા ભાગના સંબંધોમાં પહેલા અપેક્ષા હોય છે, ગણતરી હોય છે. જો કે સંબંધો બંધાય ગયા બાદ તેની માત્રા વધી જતી હોય છે.

ડોકટર અને દર્દીના સંબંધોમાં શું જોવા મળે છે? આમ જોવા જઇએ તો ડોકટરને દર્દી પાસે ઝાઝી અપેક્ષા હોતી નથી. સામે પક્ષે દર્દીને ડોકટર પાસે ઘણી અપેક્ષા હોય છે! બિલ ઓછું કરી આપે, સેમ્પલની દવા મફતમાં આપે. ઓપરેશનમાં કાળજી રાખે વગેરે વગેરે… આજકાલ ઘણાં ડોકટરો દર્દીઓના અભિપ્રાયો સોશિયલ મિડિયામાં શેર કરે છે જે આ વ્યવસાયના ભાગ રૂપે હોય છે તેમાં ડોકટરની કોઇ અપેક્ષા હોતી નથી. કેટલાક કિસ્સામાં બંને પક્ષે અપેક્ષાઓ, ગણતરીઓ જોવા મળે છે. જેમકે પુસ્તક પ્રકાશક ને લેખકની જરૂર હોય છે, લેખકને પ્રકાશકની જરૂર હોય છે.

આજકાલ કોલેજ કક્ષાના પુસ્તક પ્રકાશન સંદર્ભે એવો ટ્રેન્ડ જોવા મળે છે કે પ્રકાશક પાસે મેટર તૈયાર હોય છે માત્ર લેખક-પ્રોફેસરોના નામ જોઇએ છે. એક પણ અક્ષર નહિ લખ્યો હોય છતાં લેખકોની યાદીમાં નામ છપાય છે. જો કે બધા જ કિસ્સામાં એવું બનતું નથી એ પણ સ્વીકારવું રહ્યું. લેખક-પ્રકાશકના કેટલાંક કિસ્સામાં બંનેની અપેક્ષાઓ સંતોષાય છે. લેખકોની લાંબી યાદી પુસ્તકો ખપાવી આપવામાં મદદરૂપ નિવડે છે. બીજી બાજુ લેખક-પ્રોફેસરોની પુસ્તક લેખનની યાદી લાંબી બને છે જે તેમને તેમના એકેડેમિક પરફોર્મન્શ ઇન્ડેક્ષ વધારવામાં કામ લાગે છે. આ એક પ્રકારનું પરસ્પરાવલંબન છે. વ્યવહારુ લોકો એને વાડકી-વાડકીનો વ્યવહાર પણ કહે છે અને સામાજિક સ્તરે આ સ્વાભાવિક છે.

વ્યકિતઓ પોતાનું ધાર્યું કામ કઢાવવા માટે કેવા કેવા બેકગ્રાઉન્ડ બનાવે છે અને ચોકઠાં ગોઠવી સામેની વ્યકિતને પોતાની બનાવી કેવા કેવા કામો કરાવી લે છે તેના સાચા કિસ્સા આ રહ્યાં. એક પ્રોફેસર મિત્ર મળ્યા. એમણે કહ્યું ‘મારા જન્મ દિન નિમિત્તે કયારેય શુભેચ્છા નહિ પાઠવનાર એક અધ્યાપકે અચાનક પ્રતિ વર્ષ શુભેચ્છા પાઠવવાનું શરૂ કર્યું. પહેલાં ફોનથી પછી રૂબરૂ પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવવા માંડયા! થોડા વર્ષો સુધી આ સિલસિલો ચાલુ રહ્યો પછી એ શુભેચ્છક-અધ્યાપકે પ્રસ્તાવ મૂકયો, સર, મારે તમારા માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. કરવું છે મારો હાથ પકડશો? શુભેચ્છક- અધ્યાપક વર્ષોથી તપસ્યા કરતા હતા. ‘ના’ કેવી રીતે પડાય?! અંતે અધ્યાપક પીએચ.ડી. થઇ ગયા, પછી તેમણે જન્મદિન નિમિત્તે શુભેચ્છા પાઠવવાનું બંધ કર્યું!

એક સ્વ-નિર્ભર શિક્ષણ સંસ્થાના ટ્રસ્ટી મળ્યા. એમણે કહ્યું: ‘હમણાં હમણાં છાસવારે એક વ્યકિત મને મળવા આવે છે કહે છે, સાહેબ નિવૃત્ત છું આપની સંસ્થામાં કોઇ સેવાનું કામ હોય તો જણાવશો. એમણે સંસ્થાને થોડા વર્ષો સેવા પૂરી પાડી પછી પ્રસ્તાવ મૂકયો, સાહેબ, મારા દિકરાને આપની સંસ્થામાં નોકરીએ રાખો ને! આપનો જીવીશ ત્યાં સુધી ઋણી રહીશ!! ટ્રસ્ટી ના ન પાડી શકયા. દિકરો નોકરીએ લાગ્યા પછી એમણે સેવા આપવાનું બંધ કર્યું.

એક પ્રતિષ્ઠિત કંપનીના સી.ઇ.ઓ. આ લખનારને કહેતા હતા: ‘દૂરની અજાણી વ્યકિત જયારે જયારે તેમની સાથે સંબંધો વિકસાવવાનો પ્રયત્ન કરે છે તેની પાછળ તેમનો મૂળ હેતુ તેમના પરિવારના કોઇ સભ્યને કંપનીમાં નોકરી અપાવવાનો હોય છે. કંપનીમાં મારા પદને કારણે અત્યાર સુધી સેંકડો વ્યકિતઓ એ મારી સાથે નજીકના સંબંધો વિકસાવ્યા છે હું કેટલાંને સંતોષ આપી શકું? તેમના કામ ન થાય તો સંબંધ તોડતાં તેમને વાર લાગતી નથી. મારી પણ કેટલીક મર્યાદાઓ હોય છે તે સમજવા કોઇ તૈયારજ નથી.

ઉપરના ત્રણે કિસ્સાઓ એ બાબત પર પ્રકાશ પાડે છે કે મોટા ભાગની વ્યકિતઓના વર્તન-વ્યવહારોમાં અને સંબંધો વિકસાવવામાં સ્વાર્થી ગણતરીઓ કામ કરે છે. ઘણીવાર લોકો પોતાનું કામ કરાવવા ઇમેશનલી બ્લેકમેઇલ કરતા હોય છે. તેમના આંસુ તેમનું રુદન સામેની વ્યકિત પાસે કામ કરાવવા પૂરતું અને પોતાનો રોટલો શેકવા પૂરતું ટેમ્પરરી હોય છે. આવું સમાજના બધા જ લોકો કરે છે એવું પણ નથી. કેટલાંક સંબંધો વિકસાવ્યા વિના લાંચ આપીને પણ કામ કરાવી લે છે. ખેર! સામાજિક મનોવિજ્ઞાન આ પ્રકારના સંબંધો વિકસાવવાની કળાને, વ્યકિતના વ્યવહારોને યોગ્ય અને વ્યાજબી ઠેરવે છે અને વ્યકિતની આ વિશિષ્ટ લાક્ષણિકતાઓ છે એમ માને છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top