Top News

More Posts

   The Latest

Most Popular

સુરતના ગુરુ સંત વિશ્વનાથ અવધૂતજી મહારાજની બારડોલી તાલુકાના હરીપુરા ખાતે તાપી નદીના કિનારે અંતિમવિધિ કરવામાં આવી હતી. રાંદેર આશ્રમના આચાર્ય ધર્મેન્દ્રજી મહારાજ દ્વારા તેમના પાર્થિવદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. તેમની અંતિમ વિધિ સમયે હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી.

ગત મંગળવારના રોજ વિશ્વનાથ અવધૂતજી મહારાજે 95 વર્ષની વયે અવધૂત આશ્રમમાં અંતિમશ્વાસ લીધા હતા. દત્ત ભક્તિ પરંપરામાં તેઓ રંગ અવધૂત સ્વામી મહારાજના ગુરુશિષ્ય હતા.

સુરતમાં આશ્રમ ખાતે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા બાદ બુધવારના રોજ તેમનો પાર્થિવ દેહ બારડોલીના ધામદોડ ખાતે આવેલા રંગ અવધૂત મંદિર ખાતે દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો.

ત્યારબાદ મોડી સાંજે પાર્થિવ દેહ બારડોલી તાલુકાનાં કડોદ પાસે આવેલા નાનકડા હરિપૂરા ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તાપી નદીના કિનારે અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને રાખવામાં આવ્યો હતો. મોડી રાત સુધી ભાવિક ભક્તોનો પ્રવાહ સતત ચાલુ રહ્યો હતો. ગુરુવારે સવારે પણ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાંથી પણ ભક્તો તેમની અંતિમ ઝલક જોવા માટે ઉમટી પડ્યા હતા.

બપોર બાદ તેમની અંતિમ વિધિ યોજાય હતી. સુરતના રાંદેર ખાતે આવેલા આશ્રમના આચાર્ય ધર્મેન્દ્રજી મહારાજે અગ્નિદાહ આપ્યો હતો. અગ્નિદાહ પૂર્વે પાર્થિવ શરીર પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મનીષાનંદજી મહારાજ અને નારેશ્વર મંદિરના ટ્રસ્ટી યોગેશભાઈ સહિતના સંતો અને આગેવાનો હાજર રહ્યા હતા.

To Top