National

રસીકરણની કામગીરી પુરી થયા બાદ સીએએ લાગુ પડાશે: ગૃહ મંત્રી

ઠાકુરનગર(પ.બંગાળ), તા. ૧૧(પીટીઆઇ): કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે જણાવ્યું હતું કે નવા નાગરિકતા કાયદા (સીએએ) હેઠળ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની પ્રક્રિયા એક વખત કોવિડ રસીકરણનું કાર્ય પુરું થાય તે પછી શરૂ કરવામાં આવશે જેમાં પશ્ચિમ બંગાળના માટુઆ સમુદાયના લોકોને પણ નાગરિકતા અપાશે.

સિટિઝનશીપ(એમેન્ડમેન્ટ) એક્ટ-સીએએ અંગે દેશના લઘુમતિઓને વિરોધ પક્ષો ગેરમાર્ગે દોરી રહ્યા છે તેવો આક્ષેપ કરતા અમિત શાહે કહ્યું હતું કે આ કાયદો અમલમાં મૂકવાથી ભારતીય લઘુમતિઓના દરજ્જાને કોઇ અસર થશે નહીં.

અમિત શાહે કહ્યું હતું કે મોદી સરકારે ૨૦૧૮માં વચન આપ્યું હતું કે તે એક નવો નાગરિકતા કાયદો લાવશે અને જ્યારે ૨૦૧૯માં ભાજપને ફરી મતદારોએ સત્તા આપી તો તેણે પોતાનું આ વચન પાળ્યું છે. શાહે જણાવ્યું હતું કે ૨૦૨૦માં દેશ જ્યારે કોવિડ-૧૯ના રોગચાળાથી ગ્રસ્ત થઇ ગયો ત્યારબાદ સરકારે આ કાયદાનું અમલીકરણ અટકાવી રાખ્યું હતું.

મમતા દીદી કહે છે કે અમે ખોટા વચનો આપ્યા છે. તેમણે સીએએનો વિરોધ કરવાનુ ચાલુ કર્યું અને કહ્યું કે તેણી આનો અમલ ક્યારેય થવા દેશે નહીં. ભાજપ પોતે કરેલા વચનો હંમેશા પુરા કરે છે. અમે આ કાયદો લાવ્યા અને શરણાર્થીઓને નાગરિકતા મળશે એમ શાહે પશ્ચિમ બંગાળમાં બોલતા કહ્યું હતું. જેવી કોવિડ રસીકરણની પ્રક્રિયા પુરી થશે કે સીએએ હેઠળ નાગરિકતા આપવાની પ્રક્રિયા શરૂ થશે એમ અમિત શાહે માટુઆ સમાજના ગઢ સમાન આ વિસ્તારમાં એક રેલીને સંબોધન કરતા કહ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે માટુઆ સમુદાય મૂળભૂત રીતે પૂર્વ પાકિસ્તાન(હાલના બાંગ્લાદેશ)થી આવેલો સમુદાય છે જે ભારતના ભાગલા દરમ્યાન અને બાંગ્લાદેશની સ્થાપના પછી સ્થળાંતર કરીને આવેલો નબળો હિન્દુ સમુદાય છે.

તેમનામાંના ઘણાને ભારતની નાગરિકતા મળી ગઇ છે પરંતુ આમ છતાં એક નોંધપાત્ર હિસ્સાને આ નાગરિકતા મળી નથી. શાહે કહ્યું હતું કે મમતા બેનરજી સીએએના અમલીકરણનો વિરોધ કરવાની સ્થિતિમાં નહીં હોય કારણ કે આ વર્ષના એપ્રિલ-મેમાં થવાની શક્યતા છે તે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પછી મમતા બેનરજી મુખ્યમંત્રીપદ ગુમાવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top