સુરત: (Surat) સુરત મહાપાલિકાની ચૂંટણી (Election) જાહેર થઈ ગઈ છે ત્યારે આજે ચૂંટણીપંચે પણ સુરત મહાપાલિકાના મતદારોની આખરીયાદી જાહેર કરી દેતાં આગામી દિવસોમાં ચૂંટણીની ધમધમાટ વધી જશે. ગત લોકસભાની ચૂંટણી વખતે સુરતની મતદારયાદી અપડેટ થઈ હતી. જે હવે નવી જાહેર થતાં તેમાં આ વખતે 85 હજાર મતદારોનો વધારો થયો છે. એટલે કે નવા મતદારો-યુવા મતદારોનો (Young Voters) નોંધપાત્ર રીતે વધ્યાં છે. મનપાની ચૂંટણીમાં જીત માટે 500 મતથી લઇને બે ત્રણ હજાર મતોનો જ ફરક રહેતો હોય છે. એટલે આ નવા મતદારો ગેમચેન્જર સાબિત થાય તેવી શકયતા છે. જો કે સુરત મનપાની ચુંટણીમાં વર્ષ 2015માં નોંધાયેલા 2654830 મતદારોની સામે આ વખતે કુલ ૩૨,૮૮,૫૦૯ મતદારો નોંધાયા છે. એટલે કે 633670 મતદારો વધ્યા છે. તેમાં મનપાના નવા વિસ્તારોના મતદારોનો પણ સમાવેશ થાય છે.
સુરત મનપાની ચુંટણી માટે તડામાર તૈયારીઓ ચાલુ થઇ ચુકી છે, ત્યારે સુરત મનપાની સુધારેલી મતદાર યાદી જાહેર કરી દેવાતા હવે રાજકીય નેતાઓ તેના વિશ્લેશલમાં લાગી પડ્યા છે. મનપા દ્વારા જાહેર કરાયેલી વર્ષ 2021 મહાનગર પાલિકાની ચુંટણી માટેની સુધારેલી યાદીમાં નવા વોર્ડ સિમાંકન મુજબ કુલ 30 વોર્ડનો સમાવેશ થાય છે. મનપાની મુખ્ય ઓફિસ તમામ ઝોન ઓફિસ અને વોર્ડ ઓફિસમાં મંગળવારથી જાહેર જનતા જોઇ શકાશે તે રીતે નવી મતદાર યાદી મુકાશે.
અત્રે ઉલ્લખનીય છે કે, તા.૦૫/૦૧/૨૦૨૧ ના રોજ સુરત મહાનગરપાલિકાની પ્રાથમિક મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જેમાં કુલ ૩૨,૦૩,૦૫૧ મતદારો હતા. ત્યારબાદ તા.૧૫/૦૧/૨૦૨૧ ના રોજ વિધાનસભાની પુરવણી–૧ થી વધારાની મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. સુરત શહેરના મતદારોમાં નવીન મતદારો ૧,૪૭,૭૭૪, કમી થયેલા મતદારો 62,316 મળી આખરી પ્રસિદ્ધીના મતદારો ૩૨,૮૮,૫૦૯ થયાં છે.
સૌથી વધુ મતદારો વોર્ડ નંબર 2ની સરખાણીએ વોર્ડ નંબર 15માં ડબલ મતદારો
સુરત મનપાની સુધારેલી મતદાર યાદીમાં એક વાત ઉડીને આંખે વળી રહી છે કે વોર્ડ નંબર 15 કરંજ-મગોભમાં સૌથી ઓછા 84650 મતદારો છે. જયારે તેની સરખામણીએ સૌથી વધુ મતદારો ધરાવતો વોર્ડ વોર્ડ નંબર 2 અમરોલી-મોટા વરાછા-કઠોર માં 1,73, 526 મતદારો નોંધાયા છે. જે કરંજની સરખામણીએ ડબલ થાય છે.