Charchapatra

કાળન્યાય

 ‘જેનું જે હતું તેને તે જ મળ્યું’ જેવી ઘટનાઓ જયારે ઈતિહાસમાં બને છે ત્યારે તેને ‘કાળન્યાય’ ગણી શકાય છે. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના નામે અંગ્રેજો ભારતમાં વેપાર કરવા આવ્યા અને મોગલ શહેનશાહ જહાંગીર પાસેથી વેપાર માટે પરવાનો મેળવ્યો અને તે પછી પગદંડો જમાવવા ભારતની ત્યારની પરિસ્થિતિ પારખી જઈ રાજકારણની કૂટનીતિ અજમાવી ક્રમેક્રમે આખા દેશ પર શાસન જમાવી દઈ દેશને ગુલામીમાં ધકેલી દીધો. અઢારસો સત્તાવનની સાલમાં સ્વાતંત્ર્ય સંગ્રામ થયો, પણ નિષ્ફળ નીવડયો, તેની ભારે અસર ઈસ્ટ ઈન્ડિયા કંપની પર પણ થઈ અને ઈંગ્લેન્ડની રાણીએ અંગ્રેજોની કંપનીને પોતાના તાબામાં લઈ લીધી અને રાણી તરફથી બ્રિટિશ શાસન અમલમાં આવ્યું. દેશી રજવાડાં ‘સત્તા વિનાની સરકાર’ અને અંગ્રેજી સત્તાધીશ વ્યવસ્થાનું નિર્માણ થયું.

તે પછીના નવ દાયકામાં આઝાદીના લડવૈયા બની અનેક ભારતીયો શહીદ થયાં. રાષ્ટ્રપિતા ગાંધીજીએ સત્ય, પ્રેમ અને અહિંસાના આદર્શો સાથે આંદોલન ચલાવ્યું અને સત્યાગ્રહો થયા. આખો દેશ જાગી ગયો અને જોડાઈ ગયો. અંતે અંગ્રેજ શાસકોએ જવું પડયું ત્યારે પેલો કાળન્યાય સિધ્ધ થયો. ભરતનું શાસન ભારતીયોને મળ્યું, સ્વરાજ આવ્યું, લોકશાહી પ્રસ્થાપિત થઈ. આની સાથે જ કાળન્યાયની  સુસંગત ઘટના હાલમાં બની છે. ઓગણીસસો બત્રીસની સાલમાં જે. આર.ડી. ટાટાએ ત્યારના રૂપિયા બે લાખની મૂડીથી હવાઈ સેવા એરઈન્ડિયાની સ્થાપના કરી હતી. ઓગણીસસો ત્રેપનની સાલમાં ‘એરઈન્ડિયા’ નું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.

આટલાં વર્ષોમાં આ હવાઈસેવા દેવાદાર થઈ ગઈ અને રૂપિયા એકસઠ હજાર પાંચસો બાંસઠ કરોડનું કુલ દેવું થઈ ગયું. તેની રોજની ખોટ રૂપિયા વીસ કરોડ થઈ. તેના બાર હજાર પંચ્યાસી કર્મચારીઓ છે. હવે ટાટા સન્સના ચેરમેન રતનટાટાએ રૂપિયા અઢાર હજાર કરોડ બોલીથી એરઈન્ડિયા હવાઈસેવા ખરીદી લીધી છે. તેમણે કહ્યું છે કે પોતે જે એર લાઈન્સની સ્થાપના નેવું વર્ષ અગાઉ કરી હતી એ એર ઈન્ડિયાને ટાટા સન્સ ફરી લઈ લેશે. આગામી ડિસેમ્બરમાં તેમની માલિકી થઈ જશે. પુન:નિર્માણ માટે નોંધપાત્ર પ્રયાસો થશે. હવાઈ પ્રવાસ માટેના પ્રયાસ તેમના કુશળ નેતૃત્વમાં સફળ થશે. ભારતીયને જ આ સે વા સાંપડી છે તે સદ્દભાગ્ય.
સુરત       – યૂસુફ એમ. ગુજરાતી   – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top