Comments

શિક્ષણ ક્ષેત્રે ચિંતાજનક સ્થિતિ

Kid got stress doing homework or prepare for exam Free Vector - Nohat -  Free for designer

શિક્ષણ ક્ષેત્રે આ શું ચાલી રહ્યું છે! પોતાના અને પોતાનાં સંતાનોના ભવિષ્ય ઘડતર માટે તદ્દન ઉદાસીન હોય એવી પ્રજા બીજે ક્યાં હશે? સરકાર કે સત્તાવાળા જે કરે તે યોગ્ય જ હોય, તેમાં પૂછવાપણું જ ન હોય તેવી સદંતર પરાવલંબી પ્રજા બીજે ક્યાં હશે? છાપા-ચેનલોમાં શિક્ષણની ચર્ચા કરતા, લેખો લખતા લોકોને શિક્ષણ ક્ષેત્રે શું ચાલે છે તેની જમીની હકીકતોની ખબર જ ન હોય છતાં તેઓ શિક્ષણશાસ્ત્રી હોય, મોટીવેશનલ સિકર હોય એવું બીજે ક્યાં હશે?

વાત શરૂ કરીએ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીથી જ્યાં દિવાળી વેકેશન પૂરું થયા પછી કોલેજો 22 મી નવેમ્બરથી શરૂ થઈ ગઈ છે. પણ ગત સેમેસ્ટર 1,3,5 ની પરીક્ષાઓ શરૂ જ 20 મી ડિસેમ્બર પછી થવાની છે. સેમેસ્ટર એક તો સમજ્યાં કે શરૂ જ મોડું થયું એટલે તેની પરીક્ષા જાન્યુઆરીમાં થાય, પણ સેમેસ્ટર ત્રણ અને પાંચની તો નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં થઈ શકી હોત અને આગળના સેમેસ્ટરનો અભ્યાસ ડિસેમ્બરથી શરૂ કરાઈ શક્યો હોત! આ તો જાન્યુઆરી મધ્ય પછી ભણવાનું શરૂ થશે અને એપ્રિલ અંતમાં તો બધું પતાવી જ દેવાશે! કાગળ ઉપર યુનિવર્સિટીએ 22 નવેમ્બરથી 20 ડિસેમ્બરમાં શિક્ષણકાર્ય ચાલુ રાખવાનું જણાવ્યું છે એ પણ નવા સેમેસ્ટરનું જે કોઈ પણને હસવા માટે મોકો આપી શકે છે. વિદ્યાર્થીને પાંચમા સેમે.ની પરીક્ષા બાકી છે અને છઠ્ઠા સેમે.નું ભણાવવા માંડો!.. ટૂંકમાં કાગળ ઉપર કોલેજ ચાલુ છે, પણ મૂળભૂત શિક્ષણ બંધ છે.

આ ઉદાહરણ એક યુનિ. નું છે, પણ મૂળ પ્રશ્નો બધે જ છે. કેટલીક યુનિ. માં વેકેશન ખૂલતાં જ પરીક્ષા શરૂ થઈ છે. કેટલીકમાં હવે થશે. શૈક્ષણિક સત્રનું કેલેન્ડર બનાવતા સરકારના શિક્ષણ વિભાગને એ નથી સૂઝતું કે કડક રીતે તમામ યુનિવર્સિટીને જણાવે કે વેળાસર પરીક્ષાઓ યોજો. આપણી યુનિવર્સિટીમાં એક મોટું દૂષણ સ્થાનિક નેતાગીરી અને ગુંડાગીરીનો છે. યુનિવર્સિટી પરીક્ષાઓ જાહેર કરે અને સ્થાનિક બે ત્રણ લુખ્ખાને તારીખ અનુકૂળ ના હોય તો સત્તાવાળા તે મુજબ બદલી નાંખે. જાહેરત તો એવી કરે કે ‘‘વિદ્યાર્થીઓના હિતમાં’’! આવા નિર્ણયો યુનિવર્સિટીના લાખો વિદ્યાર્થીઓને ધ્યાનમાં લીધા વગર થાય છે.

કોરોના સમયમાં શિક્ષણને વ્યાપક નુકસાન થયું છે, પણ આપણા શિક્ષણ તંત્રની વ્યાપક મર્યાદાઓને કારણે કોરોના કાળ પછી પણ આ નુકસાનની અસરો ચાલુ છે. સરકાર જાહેરાતો કરીને આઘી ખસી જાય છે. જમીન ઉપર તો વાલીઓએ, અધ્યાપકોએ વિચારવાનું છે. મેડીકલ ક્ષેત્રે પી.જી.ના એડમિશન પણ ગુંચવાયા છે. કોર્ટમાં મેટર ચાલે છે એટલે ત્યાં પણ શૈક્ષણિક વર્ષ કેટલું મોડું થશે તે ખબર નથી. એક યુનિવર્સિટીમાં મેડીકલના નપાસ વિદ્યાર્થીઓ પાસ કરવાનું કૌભાંડ પકડાયા પછી, તપાસ ચાલ્યા પછી અને દોષિતો સામે આવ્યા પછી પણ સરકારને લેખિતમાં ફરિયાદ કરવી પડે છે કે ગુનેગારોને સજા કરો! આ તો કેવું તંત્ર!

એક તો સેમેસ્ટર પધ્ધતિને કારણે પરીક્ષાઓ વધી ગઈ છે અને મૂળ શિક્ષણના દિવસો ઘટી ગયા છે. ગ્રાન્ટઈન એઈડ કોલેજો-શાળાઓમાં અધ્યાપકો શિક્ષકોની જગ્યાઓ ખાલી છે તે ભરતીની પ્રક્રિયા પૂરી થતી નથી. કોઈ પણ પ્રકારની સગવડ-સ્ટાફ વગર ખાનગી શાળા કોલેજો ચાલે છે. જેના કોરોનાના મરજીયાત હાજરીના નિયમનો પૂરેપૂરો લાભ લેવાય છે. એટલે ઘરે બેઠા પરીક્ષા આપો સર્ટી મેળવો સિસ્ટમ ચાલે છે. વળી જૂના સમયમાં સરકારે વિદ્યાર્થીની વધતી સંખ્યાને પહોંચી વળવા સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ શાળા કોલેજોમાં વિદ્યાર્થીસંખ્યા વધારી આપી. હવે કોલેજોમાં વર્ગ દીઠ દોઢસોની મંજૂરી તો હતી જ. હવે આર્થિક નબળા વર્ગના સવર્ણ વિદ્યાર્થીઓ માટે અનામત જાહેર થતાં તેમની સંખ્યા પણ દરેક યુનિવર્સિટી ઉમેરી રહી છે એટલે દોઢસોને બદલે એકસો એંસી સુધી ભરતી થઈ શકે.

હવે આ નિયમનો લાભ સેલ્ફ ફાયનાન્સ સંસ્થાઓને ભરપૂર થઈ રહ્યો છે. એના એ જ ખર્ચામાં વધારે આવક! અને ઉચ્ચ શિક્ષણમાં કોરોનાકાળમાં ફી માફીની તો વાત જ ભૂલાઈ ગઈ છે! તો પ્રશ્ન એ છે કે શિક્ષણમાં ડમીકાંડ થાય, રીએસેસમેન્ટના નામે મેડીકલના વિદ્યાર્થીઓને નપાસમાંથી પાસ કરી દેવામાં આવે! સત્ર શરૂ થયા છતાં પરીક્ષાઓ ન લેવાય! વર્ગખંડમાં દોઢસો-બસો છોકરાઓ ભરી દેવામાં આવે! અધ્યાપકો-શિક્ષકો વગર પ્રાથમિક શાળાથી મેડીકલ કોલેજો ચાલે તો આપણાં લોકપ્રતિનિધિ, નેતાઓ, માતા-પિતા-વિદ્યાર્થી કોઈએ નહિ વિચારવાનું! આપણે પ્રશ્નો જ નહિ કરવાના? આ ઉપેક્ષાવૃત્તિ આપણને ક્યાં લઈ જશે?
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top