Business

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા વધુ 14000 કરોડના રોકાણ માટે કરાર થયા

આગામી તા.10થી 13મી જાન્યુ. દરમ્યાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા સોમવારે ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં 14000 કરોડના રોકાણ માટે કરાર થયા હતા. ગત સોમવારે પણ ગાંધીનગરમાં 24185.22 કરોડના રોકાણ માટે કરાર થયા હતા.

આગામી જાન્યુઆરી ૨૦૨૨માં તા. ૧૦થી ૧૨ દરમ્યાન યોજાનારી આ ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પૂર્વ તૈયારીઓ રૂપે ગુજરાત સરકારે આ સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગકારોએ રૂ. ૧૪૦૦૩.૧૦ કરોડના સુચિત રોકાણો અંગેના ૧૨ જેટલા MOU ગાંધીનગરમાં કર્યા હતા. આ સુચિત રોકાણોથી શરૂ થનારા ઉદ્યોગોમાં આગામી સમયમાં પ્રત્યક્ષ અને પરોક્ષ મળી એમ ૨૮,૫૮૫ લોકોને નવા રોજગારના અવસર પ્રાપ્ત થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતનો જે કોલ આપ્યો છે તેને આ વાઇબ્રન્ટ સમિટની ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ની થીમ દ્વારા સાકાર કરવા ગુજરાત સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.તેમણે કહ્યું કે, ભારતના દરેક ક્ષેત્રની પ્રગતિ અને વિકાસમાં ગુજરાત મોટુ યોગદાન આપવા તત્પર છે. પટેલે જે ઉદ્યોગો માટેના સુચિત રોકાણ MOU થયા છે તે ઉદ્યોગો સમયસર શરૂ થાય તે માટે રાજ્ય સરકાર તરફથી આપવાની થતી મદદમાં સરકાર વિલંબ નહીં દાખવે તેમ પણ ઉદ્યોગકારોને જણાવ્યું હતું.

મૂડીરોકાણમાં રસ દાખવનાર ઉદ્યોગો
જે ઔદ્યોગિક ક્ષેત્રોએ મૂડીરોકાણમાં રસ દાખવ્યો છે તેમાં – કેમિકલ, ફાર્મા, API, પેસ્ટિસાઇડ્સ, ઇલેક્ટ્રીક વ્હીકલની બેટરી માટે કેમિકલ, પેઇંટ ફેક્ટરી, ડાય્ઝ એન્ડ ઇન્ટરમિડિયેટ રસાયણો તેમજ એગ્રોકેમિકલ્સ, દવા ઉદ્યોગોની કંપનીઓ સહિત અન્ય વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ ઊદ્યોગો ગુજરાતમાં દહેજ, ભરુચ, વાપી, ઝઘડિયા, સાયખા, અંકલેશ્વર, સાણંદ, સહિત અન્ય સ્થળોએ ઔદ્યોગિક મૂડીરોકાણ કરશે.

Most Popular

To Top