Gujarat

અકસ્માતમાં મૃત્યુ પામેલા ખંભાતના પરિવારજનોને ચાર લાખની સહાય

ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ કરી જૂનાગઢથી પરત ખંભાત જઇ રહેલા પરિવારને ધોળકા નજીક વટામણ ચોકડી પાસે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર સહિત પાંચ લોકોનું મૃત્યુ થયું હતું. આ ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને રૂપિયા ચાર લાખની સહાય મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ અને સંવેદના વ્યક્ત કરી હતી.

તાજેતરમાં ખંભાતનો પરિવાર ગીરનારની લીલી પરિક્રમા કરી પરત ફરી રહ્યો હતો. ત્યારે વટામણ ચોકડી પાસે તેમના થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારનાં ચાર વ્યક્તિઓના દુ:ખદ નિધન થયાં હતાં. આ ઉપરાંત તેમની સાથેના અન્ય એક વ્યક્તિનું પણ મૃત્યુ નીપજ્યું હતું.

આ દર્દનાક ઘટનાથી મૃત્યુ પામેલા પરિવાર અને અનાથ-નિરાધાર બની ગયેલાં બે બાળકોની પડખે આ વિપદામાં ઊભા રહી રાજ્ય સરકાર તરફથી સહાય કરવા ખંભાતના ધારાસભ્ય મયુર રાવલે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે સહાનુભૂતિ અને સંવેદના દર્શાવતા આ ગમખ્વાર અકસ્માતમાં મૃત્યું પામેલા પ્રત્યેક મૃતકોના વારસદારને રૂ.૪ લાખની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી તાત્કાલિક આપવાનો નિર્ણય કર્યો છે.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગોંડલના બીલીયાણા નજીક માર્ગ અકસ્માતમાં સુરતના એક જ પરિવારનાં 6 વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું, તેઓને પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ચાર લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હતી.

Most Popular

To Top