Top News

More Posts

   The Latest

Most Popular

ગોધરા: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે દેશના વિવિધ રાજ્યોમાં પી.એમ.કેર અંતર્ગત વિવિધ સ્થળોએ પી.એસ.એ. પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે હેઠળ પંચમહાલ જિલ્લામાં પણ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે એક પી.એસ.એ. પ્લાન્ટનું ઈ-લોકાર્પણ યોજાયું હતું. આ પ્રસંગે ગોધરાના સરદારનગર ખંડ ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ  જેઠાભાઈ આહિરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. પ્રાસંગિક પ્રવચન કરતા ઉપાધ્યક્ષ જેઠાભાઈએ જણાવ્યું હતું કે આપણાં લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તા. 7 ઓક્ટોબર, 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો તેને આજે 20 વર્ષ પૂર્ણ થયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અસરકારક નેતૃત્વ અને માર્ગદર્શન તેમજ ડોક્ટરો અને કોરોના વોરીયર્સની અથાક મહેનતથી લાખો લોકોની જિંદગી બચાવીને કોરોના કટોકટીમાંથી આપણે બહાર આવ્યા છીએ. સંક્રમણની બીજી લહેરમાં ઉભી થયેલ ઓક્સિજનની માંગને ધ્યાનમાં રાખીને આગોતરા આયોજનના ભાગરૂપે દેશભરમાં પી.એસ.એ. પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે તેમ જણાવી વિધાનસભા ઉપાધ્યક્ષએ પંચમહાલ જિલ્લામાં પણ 11 પી.એસ.એ. પ્લાન્ટ સ્થાપવાનું આયોજન છે, જે પૈકી 8 પ્લાન્ટ સ્થપાઈ ચૂક્યા છે.  સિવિલ હોસ્પિટલ, ગોધરા ખાતે 80 લાખના ખર્ચે સ્થપાયેલા અને લોકાર્પણ કરાયેલ 1000 લિટર પ્રતિ મિનીટની ક્ષમતાના પી.એસ.એ. પ્લાન્ટ થકી 100 જેટલા બેડના દર્દીઓને ઓક્સિજન પૂરો પાડી શકાશે તેમ ઉમેર્યું હતું. મેડિકલ ઓક્સિજનની આ સુવિધાઓ કોરોના સિવાય અન્ય તબીબી સારવારમાં પણ અતિ ઉપયોગી બની રહેશે. 

કોરોનાના કપરા કાળમાં પરિવારની સલામતીની ચિંતા હોવા છતાં પોતાના જીવના જોખમે  લોકોની સેવા કરનારા તબીબો અને કોરોના વોરિયર્સનો આભાર માનતા તેમણે જણાવ્યું હતું કે દેશના 135 કરોડ પૈકી 100 કરોડ જેટલા લોકોને રસી અપાઈ ચૂકી છે પરંતુ હજી પણ કોરોના અંગે સરકાર જાહેર કરાયેલ માર્ગદર્શિકાનું  ચુસ્ત પાલન કરવા તેમણે અપીલ કરી હતી.13 તબીબો-આરોગ્ય કર્મચારીઓને  ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ સહિતના વરિષ્ઠ પદાધિકારીઓ તેમજ જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ બી. રાઠોડ, ડાયરેક્ટર એઈડ્સ કન્ટ્રોલ ડો. રાજેશ ગોપાલ, સીડીએચઓ ડો. મિનાક્ષી ચૌહાણ, સીડીએમઓ ડો. મોના પંડ્યા સહિતના અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

To Top