Charchapatra

ઉભા થતા સવાલોના જવાબ જરૂરી છે

તાજેતરમાં સૌરાષ્ટ્રના ‘અદાણી ગ્રુપ’ સંચાલિત મુંદ્રા બંદરેથી બે કન્ટેનરોમાંથી 21000 કરોડની કિંમતનું હેરોઇન (ડ્રગ્સ) પકડાયું છે. આ કન્ટેનરો જે ઇરાનથી આવ્યા હતા. છેલ્લાં બે વર્ષમાં આવાં અનેક કન્ટેનરો જે તે પાર્ટીના નામે જ દિલ્હી પહોંચાડાયાં છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જ દરિયામાંથી છેલ્લા છ મહિનામાં ડ્રગ્સ સાથેની ઘણી મોટરબોટ ઇન્ડિયન કોસ્ટગાર્ડે પકડી છે. એ જોતાં ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતના દરિયાઇ પોર્ટોને ડ્રગ્સ નેટવર્કનું હબ બનાવ્યું હોવાનું માલમ પડે છે. આ આખા નેટવર્કના સંચાલનમાં કેન્દ્રના કોઇ મોટા માથાની સંડોવણી હોવાનું માલમ પડે છે.

આટલી જંગી માત્રામાં ડ્રગ્સ ઘુસાડાતું હતું ત્યારે દેશના રક્ષકો (ચોકીદારો) શું કરતા હતા? ડીઆરઆઇ, એનઆઇએ, સીબીઆઇ, નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરો આ બધા કયાં હતા? ડ્રગ્સ પકડાવા બાબતે મુંદ્રા પોર્ટના અદાણી ગ્રુપના સીઇઓ કહે છે આ બધું તપાસવાની જવાબદારી અમારી નથી! તો અદાણીને મોદીજીએ માત્ર રૂા. ઉઘરાવવા પોર્ટ સોંપ્યું છે? વિદેશોના એરપોર્ટો અને જહાજી પોર્ટો ઉપર મોટાં કન્ટેનરોથી લઇને નાનાં નાનાં પાર્સલો અને લગેજ બેગો પણ એક્ષ રે મશીનો દ્વારા 24 કલાક સ્કેનિંગ કરાય છે. સ્નીફર ડોગ દ્વારા પાર્સલો અને કન્ટેનરોની ચકાસણી કરાય છે. હવાઇ અડ્ડા અને દરિયાઇ પોર્ટ અત્યંત સંવેદનશીલ વિસ્તારો હોય છે જેને મોદી સરકાર ઉદ્યોગપતિઓને સોંપીને દેશને જોખમમાં નાંખી રહી છે. મુંદ્રા પોર્ટ સંચાલક અદાણી ગ્રુપનાં તમામ લાયસન્સો આ જંગી ડ્રગ્સ કાંડ જોતાં રદ થવાં જરૂરી બને છે.
સુરત     – જીતેન્દ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top