Top News

More Posts

   The Latest

Most Popular

ગણદેવીના સીમાડે આવેલા અને 2016માં તત્કાલીન ધારાસભ્ય મંગુભાઈ પટેલે દત્તક લીધેલા ખેરગામની સમસ્યાનો હજુ પણ અંત આવ્યો નથી. એ ખરું કે એશિયાની સૌથી જૂની સુગર ફેક્ટરીઓમાંની એક એવી ગણદેવી સુગર ફેક્ટરીને કારણે ભલે ગણદેવી ઓળખાતું હોય, પરંતુ એ સુગર ફેક્ટરી ખરેખર તો ખેરગામ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી છે. ગામની વસતી 2310 ની છે. આ નાનકડા ગામમાં ભંડારી, કોળી પટેલ, કોળધા, હળપતિ, નાયકા, ધોડિયા પટેલ, આહીર, દેસાઇ, રોહિત સમાજ અને મુસ્લિમોની વસતી છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ઘણા લોકો નોકરી પણ કરે છે, તો કેટલાક વ્યવસાય કરે છે.

ગામમાં ખેતીમાં ખાસ કરીને કેરી તથા ચીકુનો પાક મહત્ત્વનો છે. ગામમાં ઘરોની સંખ્યા 626 છે. ગામનાં બાળકોના શિક્ષણની ખેવના કરવા માટે ત્રણ પ્રાથમિક શાળા તથા ત્રણ આંગણવાડી આવેલી છે. પરંતુ સસ્તા અનાજની એકપણ દુકાન આવેલી નથી, તેથી તેમને ગણદેવી પર આધાર રાખવો પડે છે. ગામમાં બેન્ક પણ નથી, તે માટે પણ ગણદેવીમાં આવેલી બેન્કો ઉપર આધાર રાખવો પડે છે. હાલમાં રેખાબેન પટેલનાં સરપંચ પદે છે. હાલમાં ગ્રામ પંચાયતના સ્તરે ઘણાં વિકાસનાં કામો થયાં છે.

ગામના મુખ્ય રસ્તા સહિત અંતરિયાળ માર્ગો પાકા છે, તો સાથે સાથે બ્લોક પેવિંગ, સ્ટ્રીટ લાઇટ, ઘન કચરાના નિકાલ માટે ડોર ટુ ડોર કચરાના નિકાલ માટે વાહન જેવી સુવિધાઓ છે. એમ તો 2016માં તત્કાલીન ધારાસભ્ય અને માજી મંત્રી મંગુભાઇ પટેલે ખેરગામને દત્તક લીધું હતું. પરંતુ એ પછી તેમને સંન્યાસ લેવાનો વખત આવતાં ખેરગામની વિકાસને ગતિ આપવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. ગામમાં ત્રણ શાળા છે, હાઇસ્કૂલ નથી, તેમજ પુસ્તકાલય પણ નથી.

પુસ્તકો તો જ્ઞાનનું મંદિર છે, ત્યારે ગામમાં એક સારું પુસ્તકાલય હોય એ દિશામાં પ્રયાસ થવા જોઇએ. સુરક્ષા માટે સીસીટીવી કેમેરાથી પણ ગામને સજ્જ કરવાની જરૂર છે. ખાસ તો ખારેલ ખાતે નેશનલ હાઇવેને જોડતો સ્ટેટ હાઇવે આ ગામ નજીકથી પસાર થાય છે, ત્યારે સીસીટીવી કેમેરાથી સુરક્ષા સઘન બનાવવાની જરૂર છે. ગામમાં સ્મશાનભૂમિ પણ નથી. ગણદેવીના સીમાડે જ ગામ આવેલું હોવાને કારણે ગણદેવીની સ્મશાનભૂમિનો જ ઉપયોગ કોઇકનું મૃત્યુ થાય ત્યારે કરવો પડતો હોય છે. ઓછી વસતી હોવાને કારણે ગામમાં સ્મશાનભૂમિની એવી જરૂરિયાત પણ ઊભી થઇ નથી. ગણદેવીની સ્મશાનભૂમિમાં સગવડ સારી હોવાને કારણે મૃતકોનાં અગ્નિસંસ્કાર કરવામાં કોઇ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી.

ભાણીબેન ભૂખણદાસ સોલંકી વૃદ્ધાશ્રમ

એમ તો વૃદ્ધાશ્રમ એ વિભક્ત કુટુંબની સમસ્યા ગણાય છે. પરંતુ ઘણી વખત વૃદ્ધાશ્રમ આશીર્વાદરૂપ પણ લાગે છે. ગણદેવીના સીમાડે આવેલા આ ગામમાં ભાણીબેન ભૂખણદાસ સોલંકી વૃદ્ધાશ્રમ આવેલો છે. અત્યારે અહીં 41 વડિલ જીવનનો છાંયડો માણી રહ્યાં છે. અહીંની સગવડ બેમિસાલ છે અને ઓછા ખર્ચે અહીં વડીલો નિરાંતે સ્વાભિમાનથી રહી શકે છે. વૃદ્ધાશ્રમ તો હોવા જ ન જોઇએ એવું બધા ઇચ્છે છે. પરંતુ ઘણા વડિલોને જીવનના અંત ભાગે કોઇ સેવા કરવાવાળું ન હોય ત્યારે તેમને માટે વૃદ્ધાશ્રમ ઉપયોગી થઇ પડે છે. ગામની નીરવ શાંતિ વચ્ચે અહીં વૃદ્ધો આનંદમય જીવન ગાળે છે. મુંબઇનું ભૂખણદાસ વિઠ્ઠલદાસ સોલંકી ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ આ વૃદ્ધાશ્રમ ચાલે છે.

ખાંડ ઉદ્યોગનું શિરમોર નામ : ગણદેવી સહકારી ખાંડ ઉદ્યોગ મંડળ

1962 એટલે કે આવતા વર્ષે સ્થાપનાના આઠમા દાયકામાં પ્રવેશનારી સહકારી ખાંડઉદ્યોગ મંડળ આજે ખાંડ ઉદ્યોગ ક્ષેત્રે એક શિરમોર નામ છે. ખાસ કરીને સહકારી સુગર ફેક્ટરીઓમાં ગણદેવીનું નામ ઊંચેરું છે. 79 વર્ષથી ચાલતી આ સુગર ફેક્ટરીને વિવિધ ક્ષેત્રના એક બે નહીં 22 વિવિધ એવોર્ડ મળ્યા છે, એ જ તેની કાર્યક્ષમતા અને સફળતાના પુરાવા છે.

એમ તો દક્ષિણ ગુજરાતમાં એક સુગર ફેક્ટરી શરૂ કરવા માટે હિલચાલ 1954માં શરૂ થઇ હતી. એ વખતે ગણદેવી, નવસારી, ચીખલી, વલસાડ અને પારડી વિસ્તારમાં સુગર ફેક્ટરી શરૂ થવી જોઇએ એવી ગતિવિધિ શરૂ થઇ હતી. પરંતુ એ માટે એક વર્ષમાં 12 હજારનું શેરભંડોળ એકત્ર કરવું પડે એમ હતું. એ વખતે એક કરોડ રૂપિયાના ખર્ચે સુગર ફેક્ટરી ઊભી થઇ શકે એમ હતી. એ માટે સરકારી યોજના હેઠળ ખેડૂતોએ 15 લાખ રૂપિયા એકત્ર કરવા પડે, તો 8 લાખની સરકારી જામીનગીરી પર આઇએફસીમાંથી સો ટકા લોન મળી શકે. 1955માં તે વખતના મુંબઇ રાજ્યના નાણામંત્રી જીવરાજ મહેતાએ શેરભંડોળ એકત્ર કરવાનો નિર્ણય કર્યો અને 1956માં 7 લાખનું શેરભંડોળ એકત્ર થયું.

લાલભાઇ નાયક, ગુલાબભાઇ મહેતા અને ઠાકોરભાઇ દેસાઇ એ સાથે મુંબઇ નાણામંત્રીને મળવા ગયા. એ વખતે જીવરજભાઇએ 10 લાખ જમા કરાવીને સરકારની ભાગીદારીનો નિર્ણય કર્યો. 1956ના અંત સુધીમાં 10 લાખનું શેરભંડોળ એકત્ર થઇ ગયું. પરંતુ 1957માં કેન્દ્ર સરકારમાં વિદેશી હુંડિયામણની ખેંચ ઊભી થઇ. એ કારણથી સરકારે ફક્ત 30 ટકા જ વિદેશી હુંડિયામણ આપવાની તૈયારી દેખાડી. બાકીની મશીનરી દેશમાં જ બનાવાય તો વિદેશી હુંડિયામણ બચી જાય અને સુગર ફેક્ટરી શરૂ પણ થઇ જાય. એ હેઠળ ગણદેવી સુગર માટે મશીનરીનો સોદો પણ થયો, પરંતુ કોલકાતા સુગરની મશીનરી માટેનું ટેન્ડર રદ થતાં પાછી નવેસરથી શરૂઆત કરવી પડે એવો ઘાટ થયો.

1960 માં પંજાબમાં હમીરામાં મશીનરી માટે 16 લાખમાં સોદો થયો કે તરત જ મોહનભાઇ નાયક, પરાગજી નાયક અને ડાહ્યાભાઇ નાયક પંજાબ જઇને મશીનરી લઇ આવ્યા. એ વખતે ગુલાબભાઇ મહેતા એમડી તરીકે માનદ સેવા આપતા હતા. પરંતુ મશીનરી આવવા સાથે સુગર ફેક્ટરીનું કામ શરૂ થવામાં હતું, તેથી કોઇ જાણકાર વ્યક્તિની જરૂર હતી અને તેથી 1961માં કપિલભાઇ પાઠકની એમડી તરીકે નિયુક્તિ કરવામાં આવી. એ સાથે સુગર ફેક્ટરીનું કામ પૂરજોશમાં શરૂ થઇ ગયું અને એ તૈયાર થઇ જતાં તેનું ઉદધાટન ક્યારે કોને હસ્તે કરાવવું એ ચર્ચા શરૂ થઇ. આખરે, મોરારજી દેસાઇના હસ્તે ગણદેવી સુગર ફેક્ટરીનું ઉદધાટન કરાવવાનું નક્કી થયું અને તારીખ નક્કી થઇ
23 ડિસેમ્બર 1962.

એ વખતે 250 ટન શેરડીની પીલાણ ક્ષમતા સાથે ગણદેવી સુગરનો પ્રારંભ થયો. એટલી પીલાણ ક્ષમતા ઓછી પડે, તેથી ટૂંક સમયમાં જ મશીનરીમાં જુગાડ કરીને તેની ક્ષમતા 700 ટન સુધી પહોંચાડી. 1983-84માં એ ક્ષમતા 2000 ટન સુધી પહોંચાડાઇ, તો એ જ વર્ષે સુગરના કામદારો તથા ઓફિસરો માટેના રહેઠાણ માટેની સુવિધા ઊભી થઇ. એ પછી સવાલ પેદા થયો સુગર ફેક્ટરીના વિસ્તૃતીકરણનો. લોન લેવાને બદલે એ કામ ખેડૂતોના સહકારથી પાર પાડવાનું નક્કી થયું. ખેડૂતો શેરડી આપે તેમાં ટને 25 રૂપિયા કાપીને તેમાંથી 79 લાખ રૂપિયાની અનામત એ સમયે ઊભી કરવામાં આવી હતી. બગાસમાંથી દાણ બનાવવાનું કામ પણ શરૂ થયું અને એ તમામ કામગીરીને પગલે 1985-86માં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેલ્ફ ડિફેન્સ એન્ડ નેશનલ કેરેક્ટરનો ગોલ્ડ મેડલ મળ્યો અને એ સાથે અવિરત સારી કામગીરી અને વધતી ક્ષમતાના અનેક એવોર્ડ આટલા વર્ષોમાં મળ્યા છે. એ વર્ષે સામાજિક જવાબદારી ઉઠાવવાનું એક ઉત્તમ ઉદાહરણ સુગરે પૂરું પાડ્યું. સુગર ફેક્ટરીમાં શેરડી લાવવા લઇ જવા માટે ટ્રકો લોન પર લેવામાં આવી હતી. લોનના હપ્તા પૂરા થયા એટલે એ ટ્રકો ડ્રાઇવરોને માલિક બનાવી આપી દેવાઇ અને તે રીતે સામાન્ય મજુરોને ટ્રકના માલિક બનાવીને પગભર કરી દેવાયા.

એ પછી તો સુગર ફેક્ટરીની આગેકૂચ ચાલતી જ રહી. છેલ્લા સાડા ત્રણ દાયકાનો એક એવો યુગ આવ્યો કે જેમાં ગણદેવી સુગરના ચેરમેન તરીકે જયંતિભાઇ પટેલ જોડાયા અને તેમની ટીમે ગણદેવી સુગરને વધુ સક્ષમ બનાવી દીધી. એ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં આવેલી સહકારી સુગરોમાં સૌથી વધુ શેરડીના ભાવ આપીને શેરડી પકવતા ખેડૂતોને પણ આર્થિક રીતે સંપન્ન કરવાનું કામ થતું રહ્યું. જયંતિભાઇ સુગરના ચેરમેન રહેવા સાથે સાથે સુગર ફેડરેશનના પણ ઘણા વખત સુધી ચેરમેન રહ્યા છે. હવે એ યુગની સમાપ્તિ આ વર્ષે પૂરી થઇ છે. નાદુરસ્ત તબિયતને કારણે જયંતિભાઇ પટેલે ચેરમેન પદેથી રાજીનામું આપીને નવી નેતાગીરીને સુગરની ધૂરા સંભાળવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે. જો કે, તેમના હાથ નીચે જ અત્યારની ટીમ તૈયાર થઇ છે, ત્યારે આ નવા સુકાનીઓના હાથમાં પણ સુગર અને ખેડૂતોના હિતો જળવાયેલા રહેશે એ નિશ્ચિત છે.

ફળ સંશોધન કેન્દ્રની ફેલાતી સુવાસ

નવસારી કૃષિ યુનિવર્સિટીના નેજા હેઠળ ફળ સંશોધન કેન્દ્ર ખેરગામમાં ચાલે છે. અહીં ફળ ઉપર વિવિધ સંશોધનો થાય છે. ફળ આપતા વૃક્ષોની સારી જાત વિકસાવવાની દિશામાં સંશોધનો થતા રહે છે, તેનો લાભ ખેડૂતોને મળતો હોય છે. ખેતી વિસ્તાર ગણતા ખેરગામમાં ફળ સંશોધન કેન્દ્ર તેની કામગીરીથી દક્ષિણ ગુજરાતમાં પણ જાણીતું છે. ઉપરાંત ફળમાં કોઇ રોગ લાગે તો તેની સારવાર અંગે પણ અહીં સારી જાણકારી મળી રહે છે, તેના કારણે ચીકુ અને કેરી જેવા બાગાયતી પાકો લેતા ખેડૂતો માટે આ કેન્દ્ર લાભકારી થઇ પડે છે.

બસસેવા નથી !

ગણદેવી લગોલગ પૂર્વ પટ્ટીમાં ખેરગામ આવેલું છે. પરંતુ ગામમાં બસસેવા નથી !  ગણદેવીથી તમારે રિક્ષા પકડીને કે ચાલતા જ જવું પડે. બસ ન હોવાને કારણે બસ સ્ટેન્ડ પણ નથી. ગણદેવી પાલિકા હોવા છતાં સિટી બસ સેવાની સુવિધા નથી. તેના કારણે ગણદેવીથી એક-બે કિલોમીટર દૂર આવેલાં ગામોમાં જવાની સગવડ નથી.

પશુ દવાખાનાની પણ જરૂર

ખેતીની સાથે સાથે પશુપાલન પૂરક વ્યવસાય તરીકે વિકસ્યો છે. પરંતુ ગામમાં પશુ ડોક્ટરની સુવિધા નથી. પશુ દવાખાનું પણ નથી. તેના કારણે પશુપાલકોને મુશ્કેલી વેઠવી પડે છે. આ મુશ્કેલી દૂર કરવાની દિશામાં સરકાર વિચારણા કરે તો પશુપાલકોની પરેશાની દૂર થઇ શકે એમ છે. ગામમાં બે મંડળીઓ આવેલી છે. એક મંડળી ખાંડઉદ્યોગ કર્મચારી સહકારીમંડળી છે. વર્ષોથી ચાલતી આ મંડળી ગણદેવી સુગર ફેક્ટરીના કર્મચારીઓની સહાય માટે શરૂ થઇ છે. સુગર ફેક્ટરીના કર્મચારીઓ તેના સભાસદો છે અને તેની કામગીરી સારી છે.

મોબાઇલ કનેક્ટિવિટીનો પણ અભાવ

ગામમાં મોબાઇલ કનેક્ટિવિટી સારી નથી. ખાસ તો કોરોનાને કારણે લોકડાઉન સમયે લોકોએ ઘણું પરેશાન થવું પડ્યું. એમાંય ઓનલાઇન શિક્ષણને કારણે તો વિદ્યાર્થીઓ માટે મોટો અવરોધ પેદા થયો હતો. આજના ડિજિટલ યુગમાં પણ મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા ખૂબ જ મહત્ત્વની થઇ ગઇ છે, ત્યારે આ ગામને એ સુવિધા સત્વરે મળે એ દિશામાં વિચારણા થવી જોઇએ.

To Top