Comments

શિક્ષણ સંલગ્ન સહયોગી સંસ્થાઓનો વિકાસ થાય તો તે પણ શિક્ષણને જ મજબૂત બનાવે

NEP 2020: New education policy is a positive step towards nation building  and growth, here's how - Education Today News

ગુજરાત યુનિવર્સિટીના નવા બંધાતગુા કોમર્સ વિભાગના ભવનમાં નીચેના ભાગે કોમર્સ માટેનું મ્યુઝીયમ બનાવવામાં આવ્યું છે. વાણિજય વિષયક બાબતોનું પણ મ્યુઝિયમ હોય તે વિચાર માત્ર આવકારદાયક છે. આ મ્યુઝિયમ વાણિજય વિદ્યાશાખાના ઉદભવ વિકાસના દસ્તાવેજીકરણનો અને માહિતી આકર્ષક રીતે રજૂ કરવાનો નમ્ર પ્રયાસ છે. આમ તો આ બધા જ જીજ્ઞાસુઓ માટે ખુલ્લુ છે. પરંતુ ઓછામાં ઓછું વાણિજય વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ તેમા રસ લે. શાળા કોલેજો પોતાના શૈક્ષણિક પ્રવાસમાં તેને સામેલ કરે તે ઇચ્છનીય છે. વિદ્યાર્થીના ઘડતરમાં શિક્ષણેતર પ્રવૃત્તિઓ અગત્યની છે. તેવી જ રીતે શિક્ષણ સહાયક સંસ્થાઓ પણ અગત્યની છે. આપણે ત્યાં તેનો ઓછો વિકાસ થયો છે. પરંતુ હવે તે તરફ ધ્યાન જવા લાગ્યુ છે. ગુજરાતમાં ઉપયોગી કહી શકાય તેવું સાયન્સ સીટી નિર્માણ પામ્યુ છે તે મનોરંજક રીતે બાળકોને વિજ્ઞાન તરફ આકર્ષે તેમ છે.

ડો. વિક્રમ સારાભાઇ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કે તાલુકા કક્ષાએ લોકવિજ્ઞાન કેન્દ્ર ખોલવા મદદ કરવામાં આવતી હતી. હવે નવા સમયમાં આવા લોકવિજ્ઞાન કેન્દ્રો નવા રૂપરંગ સાથે વિકસવા જરૂરી છે. સરકાર શિક્ષણ પાછળ હવે બજેટ ફાળવે છે. પણ અધિકારીકક્ષાએથી શાળા કોલેજોમાં માત્ર સાધનો ખરીદવા પૂરતુ આ બજેટ કામ કરે છે. ખરેખર તો સરકારે સમાજલક્ષી સંસ્થાઓ સાથે રહીને જીલ્લા કે તાલુકા કક્ષાએ નાના – નાના પણ પાયાના વિજ્ઞાનના સિધ્ધાંતો સમજાવે તેવા વિજ્ઞાન કેન્દ્રો ખોલવા જરૂરી છે. સાયન્સસીટી રાજયકક્ષાએ ભલે હોય પણ દરેક જીલ્લામાં તેના કેન્દ્રો બનાવા જોઇએ. ઓછામાં ઓછું ગુજરાતના ઝોન મુજબ તો આ થઇજ શકે. સાથે જ જે ધનિકો દાન કરવા માંગે છે ઇવન માફકસરનો ધંધો કરવા માંગે છે તેમણે ખાનગી ધોરણે પણ એવા ફરવાના સ્થળો વિકસાવવા જોઇએ જયાં વિજ્ઞાન – કળા – સમાજલક્ષી બાબતો વણાયેલી હોય!

એક સમય હતો જયારે દરેક તાલુકા કક્ષાએ ગ્રામ પંચાયત કક્ષાએ લાયબ્રેરી હતી. આજે પણ ઘણા ગામડામાં લોકો ગ્રામ પુસ્તકાલયમાં ઘણું વાંચતા જોવા મળે છે. પણ આ પુસ્તકાલયો આધુનિકીકરણ માંગે છે. વાચનાલયની વ્યાખ્યા હવે વિસ્તૃત છે. ઓડીયો સિડી, વિડીયો સિડી, ઇન્ટરનેટ સુવિધાવાળા કોમ્પ્યુટરથી સજજ પુસ્તકાલયો, શિક્ષણ કેન્દ્રો ગામેગામ ખુલવા જોઇએ. આ કામ માત્ર સરકારનું નથી. ગામ, તાલુકાના આગેવાનો રસ લઇને આવા શિક્ષણ સહાયક કેન્દ્રો ખોલે તો દસમા -બારમાના વિદ્યાર્થીઓ, સ્પર્ધાત્મક પરિક્ષા આપતા વિદ્યાર્થીઓને તેનો લાભ થશે!

યુરોપમાં નાના-નાના મ્યુઝિયમનો ખાસો પ્રકાર થયેલો છ. નેધરલેન્ડના આમ્સ્ટ્રડેમમાં બાયોલોજીનું અદભૂત મ્યુઝિયમ છે જયાં વાયરસથી માંડીને શરીર રચના સહિતનું પ્રદર્શન છે. આવું જ બેલ્જીયમમાં ડાયનોસોરના અસ્થિઓનું મ્યુઝિયમ છે જયાં આગળના ભાગમાં માનવ શરીરની સંપૂર્ણ સમજ આપતું મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમ છે એટલું માત્ર પૂરતું નથી. શાળાઓના શિક્ષકો બાળકો સાથે અહિં આવે છે. મ્યુઝિયમના દરેક ટેબલ ફરતે ટીમના બાળકો ઊભા રહે છે. અને માનવ શરીરના એકે એક ભાગ હાથમાં લઇને, નિરીક્ષણ કરીને પોતાની નોટ્‌સમાં મુદ્દા ટપકાવે છે. કદાચ મેડિકલના શરીરના શાસ્ત્રના વિદ્યાર્થીઓને પણ ઉયોગી થઇ પડે તેવી સુક્ષમતા સાથેનું આ પ્રદર્શન પાંચમાંથી દસમાના વિદ્યાર્થીઓ મનભરીને માણે છે.

યુરોપના ઘણા દેશોમાં શિક્ષણ ખૂબ બીન ઔપચારીક બનાવી દેવાયુ છે. સંગીતના સાધનોનું મ્યુઝિયમ, હિરાનું મ્યુઝિયમ, જાતિય વિજ્ઞાનનું મ્યુઝિયમ…. યુરોપના ઇતિહાસનું…. કઇ બાબત એવી હશે કે તેનું તદ્દન આધુનિક શૈલીનું ઓડિયો વિજયુઅલ ઉપકરણ સાથેનું મ્યુઝિયમ નહિં હોય! આપણે પરદેશમાંથી ઘણું બધું લાવીએ છીએ. સાથે થોડી આવી ‘શિક્ષણ સમજ’ પણ લાવવા જેવી છે. આ બધું જ ખર્ચાળ નથી પણ નિસ્બત માગે છે. નાના નાના પુસ્તકાલયો, નાના નાના સંગ્રહાલયો… જીલ્લા કે તાલુકા કક્ષાની પ્રયોગશાળાઓ બાળકોનો શિક્ષણમાં રસ ઊભો કરશે!

જો આપણે ખરેખર માનતા હોઇએ કે શિક્ષણ ચાર દિવાલોમાંથી બહાર નિકળવું જોઇએ, શિક્ષણ સમય પત્રકમાંથી બહાર નિકળવું જોઇએ. શિક્ષણ ચોકકસ પાઠયક્રમોમાંથી બહાર નિકળવું જોઇએ તો આપણે આ નવા રસ્તા વિચારવા પડશે. અને હા. જેમને શિક્ષણ સંસ્થાઓ પણ માત્ર કમાણી માટે જ ખોલી છે તેમને પણ કહેવાનું કે કમાણી આમા પણ છે! આજકાલ ઉચ્ચ મધ્યમ વર્ગને પોતાના બાળકોને વેકેશનમાં કયાં ફરવા લઇ જવા! એક બે રજામાં કયાં આંખો મારવો તે પ્રશ્ન છે. વઘાઇનો બોટનીકલ ગાર્ડન, ગાંધીનગરનો ઇન્દ્રોડાપાર્ક એવા બે ત્રણ સ્થળો છે જે વીસ – પચ્ચીસ થવા જરૂરી છે. ‘જ્ઞાન સાથે ગમ્મત’ નો હેતુ પાર પાડવામાં કમાણી પણ થઇ શકે છે. જો નિસ્બત હોય તો!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top