Top News

More Posts

   The Latest

Most Popular

આણંદ : વિદ્યાનગર ખાતે આવેલી બીજેવીએમ કોમર્સ કોલેજ ખાતે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બે દિવસીય મેગા પ્લેસમેન્ટ ફેર યોજાયો હતો. જેમાં જિલ્લાની 28 સરકારી અને અનુદાનિત કોલેજોના 2758 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ ફેરમાં 1700 વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લેવાયાં હતાં. જેમાંથી 600 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ કરવામાં આવ્યું હતું. રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં સરકારી અને અનુદાનિત કોલજોમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરી સ્નાતક કે અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરતા હોય તેવા વિદ્યાર્થીઓને પોતાની મનપસંદ રોજગારી-નોકરીની તકો  મળી રહે તેમજ નોકરીદાતાઓને પણ પોતાની પસંદગીના ઉમેદવારો મળી રહે તે માટે જિલ્લા સહમેગા પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ આયોજનના ભાગરૂપે વિદ્યાનગર ખાતેની બીજેવીએમ કોમર્સ કોલેજ ખાતે 23 અને 24મીના બે દિવસીય પ્લેસમેન્ટનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા પ્લેસમેન્ટનો પ્રારંભ સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડો. નિરંજનભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો.

આ અંગે બી એન્ડ બી ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીના આચાર્ય અને પ્લેસમેન્ટ ફેરના નોડલ ઓફિસર ડો. કે. એમ. મકવાણાએ જણાવ્યું હતું કે, આ બે દિવસીય મેગા પ્લેસમેન્ટ ફેરમાં આણંદ જિલ્લાની 28 સરકારી અને અનુદાનિત કોલેજોના કુલ 2758 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ પ્લેસમેન્ટ ફેરના માધ્યમથી નોકરીદાતાઓએ તેમના પસંદગીના ઉમેદવારો મળી રહે તે માટે 15 જેટલી કંપનીઓએ ફેરમાં ભાગ લીધો હતો. બે દિવસ સુધી ચાલેલા આ મેગા પ્લેસમેન્ટ ફેરમાં 1700 વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. જેમાંથી 600 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ કરવામાં આવ્યું હતું આ ફેર દરમિયાન બે કોલેજો દ્વાર એમ.ઓ.યુ. પણ કરવામાં આવ્યું હતું.આ મેગા પ્લેસમેન્ટ દરમિયાન ચારૂતર વિદ્યા મંડળના માનદ સહ મંત્રી આર. સી. તલાટી, પ્લેસમેન્ટ ફેરના ઝોનલ ઓફિસર ડો. પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટ, બીજેવીએમ કોલેજના આચાર્ય ડો. કેતકીબેન શેઠએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાની સાથે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું.

To Top