Business

પ્રેક્ષકોનો રિસ્પોન્સ જાણવા અનેક નાટકો મુંબઈ પહેલા સુરતમાં ભજવાય

1961માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટયૂટ દ્વારા દર વર્ષે 27 માર્ચના રોજ વિશ્વ રંગ મંચ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી તે પછી પ્રત્યેક વર્ષે દેશભરમાં આ દિવસે વિશ્વ રંગ મંચ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આઇટીઆઇ દ્વારા દર વર્ષે વિશ્વના ટોચના રંગ કર્મીની પસંદગી કરવામાં આવે છે. વર્ષ 2002માં ભારતના વિખ્યાત રંગ કર્મી સ્વ. ગીરીશ કર્નાડની પસંદગી કરવામાં આવી હતી. જૂની ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ જેટલો જાણીતો છે એટલો જ જુનો ઇતિહાસ સુરતની અવેતન રંગભૂમિનો રહ્યો છે. 1852માં સુરતના પારસી થિયેટર ગ્રુપ દ્વારા અંગ્રેજી નાટક શેક્સપિયરિયન નાટકનું ગુજરાતીકરણ ભજવાયું હતું. સુરતનો નાતો ગુજરાતી નાટકોને લઇ મુંબઇ જેટલો જ જુનો અને મુંબઇ જેટલો જ સમૃધ્ધ છે. આજે પણ ગુજરાતી નાટકોના દિગ્દર્શકો નાટકનો પ્રથમ શો મુંબઇને બદલે સુરતમાં રજૂ કરતાં આવ્યા છે. તેનું કારણ એ છે કે સુરતની અવેતન રંગભૂમિના નાટકો જોતા આવેલા દર્શકો નવા નાટકને કેવો પ્રતિસાદ આપે છે તેને આધારે નાટકમાં સુધારા વધારા કર્યા પછી મુંબઇમાં નાટક લોન્ચ કરવામાં આવે છે. આજે વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે ગુજરાતી રંગભૂમિમાં સુરતનું પણ મહત્વનું યોગદાન સામે આવી રહ્યું છે

રાષ્ટ્રીય કલા કેન્દ્રને લીધે સુરતમાં મુંબઇના INIના નાટકો આવવાના શરૂ થયા
રાષ્ટ્રીય
કલાકેન્દ્રના મહામંત્રી અને ગુજરાતી નાટ્યકાર રૂપીન પચ્ચીગર કહે છે કે 10 જુલાઇ 1955માં પોપટલાલ વ્યાસ, ચંદ્રકાંત પુરોહિત, વજુભાઇ ટાંક, ગની દહીંવાલા દ્વારા આરકેકેની સ્થાપના કરવામાં આવી હતી. સંસ્થા સાથે સંકળાયેલા વજુભાઇ ટાંક નાટકના જીવ હોવાથી તેમના સંપર્કો મુંબઇના નાટ્ય અભિનેતાઓ અને દિગ્દર્શકો સાથે હતા. તેને પગલે સુરતમાં પ્રવિણ જોષી, કાન્તિ મડીયા, પ્રતાપ ઓઝા, અરવિંદ જોષી, સરિતા જોષી જેવા ટોચના નાટ્યકારો, મુંબઇના INIના નાટકો સુરતમાં લાવ્યા હતા. ચંદ્રકાંત પુરોહિત અને વજુભાઇ ટાંકને લીધે રાષ્ટ્રીય કલાકેન્દ્ર દર વર્ષે એક નાટક રજુ કરતું હતું. આરકેકેના 67 વર્ષમાં 4-5 વર્ષોને બાદ કરતા સતત નાટકો રજુ થયા હતા. 1998માં ગુજરાત રાજ્ય નાટ્ય અકાદમી દ્વારા યોજાયેલી નાટ્ય સ્પર્ધામાં શ્રેષ્ઠ અભિનેતાનું ઇનામ રૂપીન પચ્ચીગર, પરેશ રાવલ અને સ્વ. અજીત વાચ્છાની ત્રણેને સાથે મળ્યું હતું. આરકેકે થકી દિપક ગાંધી, અનંગ મહેતા, કપિલદેવ શુકલ, પંકજ પાઠકજી, વિહંગ મહેતા, હેમા શુક્લ, કદિર પીરઝાદા, આશિફ મહેતા, જયોતિ વૈદ્ય, વિલોપન દેસાઇ જેવા નાટ્ય કર્મીઓ મળ્યા હતા.

સુરતની અવેતન રંગભૂમિએ આ દિગ્ગજ કલાકારો એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીને આપ્યા
યઝદી
કરંજીયા, ધર્મેશ વ્યાસ, પ્રતિક ગાંધી, કુકુલ તારમાસ્તર, કપિલદેવ શુક્લ, પંકજ પાઠકજી, કેતન રાઠોડ, રાજેશ વજીર, હેતલ પૂણિવાલા, પ્રવિણ પાન પાટીલ, દિલીપ ઘાસવાલા, જયેશ મોરે, પૂર્ણિમા મુન્શફ, ઉર્વસી વાંકાવાલા, નમિતા વાંકાવાલા, હાર્દિકા પટેલ. જયારે ગુજરાતી નાટકોમાં સંગીતકાર તરીકે મેહુલ સુરતી, સૌનક પંડયા, સેટીંગ્સમાં અમરચંદ અરબસ્તાની, મેકઅપમેન તરીકે અરૂણ જરદોષ અને નાટ્ય લેખન સ્પર્ધાના આયોજક તરીકે ગાંધી સ્મૃતિના ભૂતપૂર્વ મેનેજર ભૂપેન્દ્ર જાડાવાલાનું મોટું યોગદાન રહ્યું છે. સુરતના ઘણા કલાકારોએ બોલીવુડ અને ટેલીવુડમાં નામના અને કિર્તિ મેળવી છે.

1955માં વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ ઓપન એર થિયેટર રંગ ઉપવનનું લોકાર્પણ કર્યું હતું
નાટ્ય
કર્મી અને સુરતની રંગભૂમિના ઇતિહાસના જાણકાર નરેશ કાપડિયા કહે છે કે 1955માં વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ સુરતના પ્રથમ ઓપન એર થિયેટર રંગ ઉપવનનું ઉદ્‌ઘાટન કર્યું હતું. એક સમયે આ થિયેટરમાં 3000 જેટલા પ્રેક્ષકો બેસી શકતા હતા. રંગ ઉપવન ઉપરાંત સુરત ટેક્સટાઇલ માર્કેટના ઓડીટોરીયમમાં પણ નાટકોની ભજવણી થતી હતી. 1983માં સુરતના મેયરપદે નવીનચંદ્ર ભરતીયા હતા ત્યારે ગાંધી સ્મૃતિ ભવનનું ઉદ્‌ઘાટન થયું હતું. ગાંધી સ્મૃતિના ઉદ્‌ઘાટન પ્રસંગે નાટકની ભજવણી કરવા માટે પદ્મશ્રી યઝદી કરંજીયા, અમરચંદ અરબસ્તાની અને નરેશ કાપડિયા તૈયાર થયા હતા. ગાંધી સ્મૃતિનું લોકાર્પણ યઝદી કરંજીયાના નાટકથી થાય એવી બધાની ઇચ્છા હતી. પરંતુ ઉદ્‌ઘાટનના દિવસે યઝદીભાઇનું નાટક મુંબઇમાં ભજવવાનું હોવાથી ખુદ યઝદીભાઇએ પ્રથમ નાટક નરેશ કાપડિયા રજૂ કરે એવું સૂચન કર્યું હતું તેને પગલે કાપડિયાનું નાટક ‘ધરમનો કાંટો’ ગાંધી સ્મૃતિનું પ્રથમ નાટક બન્યું હતું.

સુરત મહાનગરપાલિકા નાટ્ય સ્પર્ધાએ અડધી સદી વટાવી
રાજ્યમાં
અને દેશમાં એક માત્ર સુરત મહાનગરપાલિકા 1969થી નાટ્ય સ્પર્ધાઓ યોજતી આવી છે તે પછી વડોદરા મહાનગરપાલિકાએ પણ સુરતમાંથી પ્રેરણા લઇ નાટ્ય સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું. આ બાબતનો રોચક ઇતિહાસ રજૂ કરતા નાટ્યકાર નરેશ કાપડિયા કહે છે કે 1969માં ગાંધીજીની જન્મ શતાબ્દીની ઉજવણી નિમિત્તે ગુજરાત રાજ્ય નાટ્ય અકાદમી દ્વારા પ્રથમ રાજ્ય કક્ષાની ત્રિઅંકી નાટ્ય સ્પર્ધાનું સુરતમાં આયોજન કર્યું હતું. આ આયોજન સફળ રહેતા વજુભાઇ ટાંક અને ચંદ્રકાંત પુરોહિતે સુરત મહાનગરપાલિકાને આ પ્રકારની સ્પર્ધા યોજવા સુચન કર્યું હતું. જેને હવે 50 વર્ષ પૂરા થવા જઇ રહ્યા છે. એ રીતે સુરતની અવેતન રંગભૂમિ અડધી સદીની યાત્રા તરફ જઇ રહી છે. કોરોના, પૂર અને રમખાણોમાં ચારેક વર્ષને બાદ કરતા સુરતમાં અવિરત સ્પર્ધા યોજાય છે.

સુરતમાં બોલીવુડ અને ટોલીવુડના દિગ્ગજ કલાકારોએ નાટકો ભજવ્યા
ગુજરાતી
નાટકોના અભિનેતા અને દિગ્દર્શક સંજય ગોરડીયા કહે છે કે મુંબઇમાં બનેલા ગુજરાતી અને હિન્દી ભાષાના નાટકો મુંબઇમાં રજૂ થયા પછી તેની બીજી પસંદગી સુરત રહેતુ આવ્યું છે. શબાના આઝમી, ફારૂખ શેખ, શત્રુઘ્ન સિંન્હા, ઝીન્નત અમાન, રોહિણી હટંગડી, સરિતા જોષી, સંજય ગોરડીયા, પદ્મારાણી, કેતકી દવે, રસિક દવે, શરમન જોષી, અરવિંદ જોષી, અરવિંદ રાઠોડ, નાના પાટેકર, આયેશા ઝુલ્કા, પરેશ રાવલ, અનુપમ ખેર જેવા કલાકારોએ સુરતમાં નાટકોનું મંચન કર્યું હતું. સુરતમાં કોમર્શ્યલ ગુજરાતી અને હિન્દી નાટકો લાવવાનું શ્રેય આરકેકે ઉપરાંત વ્યકિતગત રીતે ધીરૂભાઇ દૂધવાલા, મહેન્દ્ર શાહ, હસમુખ પંચાલ અને વસીમ જરીવાલાને ફાળે જાય છે.

સાત દાયકાથી સુરતનું યઝદી કરંજીયા ગ્રુપ નાટકો રજૂ કરતું આવ્યું છે
સુરતની
રંગભૂમિમાં ગુજરાતી નાટકો 1853થી ભજવાતા આવ્યા છે. સુરતના વિખ્યાત નાટ્યકાર પદ્મશ્રી યઝદી કરંજીયા કહે છે કે 10 ઓકટોબર 1853માં દાદાભાઇ નવરોજજીના પરામર્શથી ફરામજી રૂસ્તમજી દલાલે રૂસ્તમ સોહરાબ નાટક રજૂ કર્યું હતું તે પછી ‘નઠારી… ઠેકાણે પડી’ નાટક ઇંગ્લેન્ડના નાટકથી પ્રેરિત હતું તે ભજવાયું હતું. યઝદી કરંજીયા કહે છે કે માતા પિતા શિક્ષક અને કલાકાર હોવાથી બાળપણમાં 1951-52માં સ્ત્રી પાત્ર ભજવવાની તક મળી હતી તે પછી 1958માં ગુજરાત સરકારનો બેસ્ટ એકટરનો એવોર્ડ મળ્યો હતો. નાટ્યકાર રતન રૂસ્તમજી માર્શલ અને ચંદ્રવદન મહેતા સાથે 350થી વધુ પારસી અને મિશ્રભાષી નાટકો કર્યા હતા. સ્વ. ફીરોઝ આંટીયાએ ‘વાહ રે બહેરામ’, ‘બહેરામની સાસુ’ સહિતની બહેરામ નાટકોની સિરીઝ શરૂ કરી હતી. જેમાં અમારો અભિનય ખુબ વખણાયો હતો. કરંજીયા ગ્રુપે 50 થી 60 એકાંકી, 35 થી 40 ત્રિઅંકી નાટકો ભજવ્યા હતા. આ નાટ્ય મંડળીના મહેરનોશ કરંજીયા, વીરા કરંજીયા, જાલ લંગડાના, રોહિન્ટન, ફરજાન, શેહઝાદ અને મહારૂખ કરંજીયા આ નાટકોથી લોકપ્રિય થયા હતા. યઝદી કરંજીયા કહે છે કે જયોતિન્દ્ર દવેના અમૃત મહોત્સવ પ્રસંગે વજુભાઇ ટાંકે રાષ્ટ્રીય કલાકેન્દ્ર મારફત 10 થી 15 મિનિટની સ્ક્રિપ્ટ ભજવવાની સ્પર્ધા રાખી હતી તેમાંથી ‘અશોક પારસી હતો’ નાટકનો ઉદ્‌ભવ થયો હતો.

Most Popular

To Top