Business

વર્ષ 1900થી બાળકોના ચહેરા ઉપર ખુશી લાવતા સૌથી જૂના ટોયમેન તરીકે જાણીતા રંગીલદાસ એન્ડ બ્રધર્સ

પેઢી દર પેઢી કોઇપણ કારીગરી કે વ્યવસાયને જાળવી રાખવો હોય તો તેની પાછળ આપણી પહેલાની પેઢી પાસેથી લીધેલો અનુભવ અને માર્ગદર્શન જ મહત્વનું અને ઉજળું સાબિત થતું હોય છે. રમકડા જોતા જ કોઇપણ જમાનાનાં બાળકોના ચહેરા ઉપર એક અનેરી ખુશી છલકાતી હોય છે. પહેલાનો સમય હોય કે આજનો બાળકો પાસે કશુ કરાવવું હોય તો માતા-પિતા બાળકોને રમકડા અપાવવાનો લોભ બતાવે છે. 1900ની સાલથી ભાગાતળાવ મેઇન રોડ ખાતે બાળકોના ચહેરા ઉપર આવી જો કોઇ ખુશી લાવતું હોય તો તેનું શ્રેય શહેરની સૌથી જુની રમકડાની પેઢી રંગીલદાસ એન્ડ બ્રધર્સ હાલ જેનું નામ છે રંગીલદાસ ટોય્સ છે તેને ફાળે જાય છે. શહેરના રાજમાર્ગ ઉપરાંત આખા શહેરમાં ઘણી શાખા ધરાવનાર આ પેઢીનું સુકાન આજે ચોથી પેઢીએ અજયભાઇ અને પાંચમી પેઢીએ તેમના દિકરા નીલ ચોક્સી સુપેરે સંભાળી રહ્યા છે. તો આવો આપણે જાણીએ સવા સો વરસના રમકડાની પેઢીના વારસાને 21મી સદી સુધી કઇ રીતે જાળવી રખાયો

જમાના પ્રમાણે રમકડા બદલાયા અને ભાવો પણ
જેમ-જેમ
જમાનો બદલાતો ગયો તેમ તેમ રમકડાની બનાવટ અને તેમા વપરાતા મટીરિયલ્સમાં પણ બદલાવ આવતો ગયો. વર્ષો પહેલા લાકડાના રમકડા બનવવામાં આવતા હતા. સમય જતા નવી ટેક્નોલોજી અને મશીનરી આવતી ગઇ જેને કારણે રમકડામાં વપરાતું મટીરિયલ્સ પણ બદલાયું. પહેલા લાકડાના રમકડા બનતા હતા ત્યારબાદ પતરામાંથી અને હવે પ્લાસ્ટીક અને ફાઇબરમાંથી રમકડા બને છે. રમકડાનો અસલ જે ઘોડો 32 થી 35 રૂપીયામાં મળતો હતો તે 1500 થી 2 હજાર રૂપીયામાં મળે છે.

  • વંશવેલો
  • સ્વ.રંગીલદાસ ભગવાનદાસ મરચન્ટ (ભાગીદાર)
  • સ્વ.નાથાભાઇ વિઠ્ઠલદાસ ચોક્સી (ભાગીદાર)
  • સ્વ. સુંદરલાલ નાથાભાઇ ચોક્સી
  • સ્વ. સુરેશચંદ્ર સુંદરલાલ ચોક્સી
  • સ્વ. કિશોરચંદ્ર સુંદરલાલ ચોક્સી
  • સ્વ.પ્રફુલચંદ્ર સુંદરલાલ ચોક્સી
  • સ્વ. બકુલચંદ્ર સુંદરલાલ ચોક્સી
  • અશોકચંદ્ર સુંદરલાલ ચોક્સી
  • અજય બકુલચંદ્ર ચોક્સી
  • નીલ અજય ચોક્સી

2000 સ્ક્વેર ફુટથી 17 હજાર સ્ક્વેર ફુટ સુધીના વેરહાઉસ સુધીની સફર
અજયભાઇની
મહેનતથી 2 હજાર સ્ક્વેર ફુટની બાપ દાદાના સમયની દુકાનને ઘણી બધી શાખાઓ ખોલવાની સાથે 17 હજાર સ્ક્વેર ફુટના વેરહાઉસ સુધી વિસ્તારી શક્યા છે. આજે તેઓ રમકડા ફક્ત વેચતા નથી પરંતુ તેને લગતી દરેક સર્વિસ અને રીપેરીંગ પણ આ વેર હાઉસના માધ્યમથી ગ્રાહકોને કરી આપે છે. અજય ચોક્સી આ સખત મહેનત અને પર્સનલ અટેન્શનને જ સવા સો વરસના વારસાને જાળવી રાખવા પાછળનો સફળ મંત્ર માને છે.

કઇ રીતે થઇ શરૂઆત
સને
1900માં સ્વ.રંગીલદાસ ભગવાનદાસ મરચન્ટે ભાગાતળાવ ખાતે આ પેઢીની શરૂઆત કરી હતી. 1932માં તેમના વિશ્વાસુ મિત્ર સ્વ.નાથાભાઇ વિઠલદાસ ચોક્સી, જે આમ તો વ્યવસાયે વકીલ હતા અને સુરત શહેરના મેયર પણ રહી ચુક્યા હતા, તેઓને આ પેઢીમાં પોતાની સાથે ભાગીદાર બનાવ્યા. ત્યારબાદ રંગીલદાસના ભાઇ પ્રાણલાલે નાથાભાઇના દિકરા સુંદરલાલ ચોક્સીને પાર્ટનર બનાવ્યા હતા. 1950માં આ ભાગીદારી પુર્ણ થઇ અને રમકડાની પેઢી રંગીલદાસ પરિવારમાંથી ચોક્સી પરિવાર પાસે આવી. અને તેઓએ આજે પણ સ્વ.રંગીલદાસના નામે જ વ્યવસાય જાળવી રાખ્યો છે. સુંદરલાલના એકમાત્ર પૌત્ર અજય ચોક્સીએ આ બિઝનેસને ચાલુ રાખ્યો અને બાકીના ભાઇઓ અલગ-અલગ વ્યવસાયમાં જોડાઇ ગયા.

‘દિકરા દુકાનનો વારસો સંભાળી રાખજે’ : અજય ચોક્સી
અજય
ચોક્સી કહે છે કે, મારા દાદા સુંદર લાલની સલાહ મે માથે ચઢાવી અને આ ધંધો ચાલું રાખ્યો. એના માટે સખત પરિશ્રમના ભાગરૂપે વર્ષો પહેલા હું મુંબઇથી રમકડા લાવતો હતો. સુરતથી ફ્લાઇંગ રાણીમાં મુંબઇ સુધી પહોંચવા માટે આખો દિવસ નીકળી જતો હતો. રાત્રે મુંબઇથી રમકડાના મોટા કાર્ટૂન (પાર્સલો)લઇને વિરમગામ પેસેન્જરમાં પરત સુરત આવવું પડતું હતું. આવું કરવાનો આશય એ હતો કે, નવી વેરાઇટીના રમકડા મુંબઇના માર્કેટમાં આવે તે મારી દુકાન પર પણ ગ્રાહકોને મળી રહેવા જોઇએ. સુરત રેલવે સ્ટેશને રાત્રિના સમયે મુંબઇથી આવ્યા બાદ ઘોડાગાડી ક્યાં તો લારીમાં રમકડાના પાર્સલો મુકીને ભાગળની દુકાનો સુધી લવાતા હતા. ચાઈના જઇને ત્યાં 3 મહિના રહીને રમકડાં બનાવવાની ફેક્ટરીમાં જઈને સારી ક્વોલિટીનો માલ હું પોતે લાવીને વેચુ઼ં છું.

BIS નો નિયમ આવતા બે વર્ષથી રમકડાની આયાત બંધ થઇ ગઇ : નીલ ચોક્સી
પાંચમી
પેઢીએ નીલ ચોક્સી આજે રમકડાની દુકાન સંભાળી રહ્યા છે. તેઓ જણાવે છે કે, હાલ દિલ્હીના સદર માર્કેટમાંથી સુરત રમકડા આવે છે. BIS (બ્યુરો ઓફ ઇન્ડીયન સ્ટાન્ડર્ડ) અને ISI ના માર્કાવાળા રમકડા જે નોન ટોક્સિક હોવા ઉપરાંત નાના બાળકો માટે બિનહાનિકારક હોવાને લીધે નિયમ પ્રમાણે આ પ્રકારના માર્કીંગવાળા જ ટોય વેચી શકાય છે.  BIS ઓફીસર કોવિડના સમયે ફ્લાઇટ બંધ હોવાને કારણે ચાઇના જઇ શક્તા ન હતા. જેથી છેલ્લા બે વર્ષથી બ્રાન્ડેડ રમકડા જેવા કે બાર્બી, લેગો, હેશ બ્રો અને હોટ વ્હીલ્સનું ઇમ્પોર્ટ બંધ થઇ ગયું છે.

ટોયસ ડિઝાઇન અને માર્કેટીંગ માટે ક્રીએટીવ ટીમ
બદલાતી
ટેક્નોલોજીને ધ્યાનમાં રાખીને રમકડા ઉપ્તાદન કરતી કંપનીઓ આજે રમકડા ડિઝાઇન કરવા માટે અને તેનું માર્કેટીંગ કરવા માટે ક્રીએટીવ ટીમની નિમણુંક કરે છે. આજના તેઓને ડિજીટલ યુગના બાળકો સ્ક્રીન સામે ખાસ્સો સમય પસાર કરતાં હોવાથી યૂ-ટ્યૂબ અને બીજી સોશ્યલ મીડિયા સાઈટ્સના માધ્યમથી તથા કાર્ટુનો થકી રમકડાંનું માર્કેટીંગ કરી બાળકોને રમકડાં તરફ આસાનીથી આકર્ષી શકાય છે. જે રમકડાના વેચાણમાં ખુબ મહત્વનો ભાગ ભજવે છે. ઉ.દા. તરીકે નોટબંધી પછી રૂ.500 અને 2 હજારની નવી ચલણી નોટો બજારમાં આવે તે પહેલા આ નોટની પ્રિન્ટવાળા કમ્પાસ બોક્ષ- પેન્સીલ પાઉચ રમકડાની દુકાનોમાં વેચાણ માટે આવી ગયા હતા.

Most Popular

To Top