Editorial

જો ફાઇઝરની રસી કોવિડ-૧૯ની દવા તરીકે પણ સફળ રહેશે તો તે મોટી રાહતની વાત હશે

ચીનમાં ૨૦૧૯ના અંતમાં કોરોનાવાયરસનો રોગચાળો શરૂ થયો અને આ રોગચાળાએ વૈશ્વિક રોગચાળાનું સ્વરૂપ ધારણ કર્યું તેને બે વર્ષ પુરા થઇ ગયા છે અને આ વૈશ્વિક રોગચાળાએ હાલ થોડા સપ્તાહો પહેલા જ ત્રીજા વર્ષમાં પ્રવેશ કરી લીધો છે ત્યારે પણ આ રોગચાળાના કોરોનાવાયરસજન્ય રોગ કોવિડ-૧૯ની કોઇ દવા શોધી શકાઇ નથી. અન્ય રોગો, ખાસ કરીને કેટલાક અન્ય વાયરસજન્ય રોગોની દવાઓને આ વાયરસના ઉપચાર માટે ઉપયોગમાં લેવામાં આવી રહી છે. તેના ધાર્યા પરિણામો તો બહુ મળતા નથી અને ઘણા બધા દર્દીઓના મોત પણ નિપજ્યા છે. અલબત્ત, ઘણા બધા દર્દીઓ સાજા પણ થયા છે પરંતુ તેમાંના મોટા ભાગના દર્દીઓ પોતાની રોગપ્રતિકારક શક્તિના જોરે જ સાજા થયા છે. જો કે આ રોગની સીધી કોઇ દવાના અભાવે એક વાર કોઇને આ રોગ ઉભો થઇ જાય કે તે અને તેના કુટુંબીજનો એક ભયના માહોલમાં આવી જાય છે. જો કે કોવિડ-૧૯ સામે રક્ષણ માટે ઘણી રસીઓ દુનિયાભરમાં વિકસીત થઇ ગઇ છે પરંતુ આ રસીઓ સંપૂર્ણ અસરકારક નથી, છતાં તે રોગ સામે રક્ષણ નોંધપાત્ર પુરું પાડવામાં સફળ રહી હોવાનું જણાય છે પરંતુ ઉપચાર કે દવાનો અભાવ સતત વર્તાતો રહ્યો છે તેવા માહોલમાં એક દવા મળી આવી હોવાની આશા જન્મી છે અને આ દવા એ બીજુ કંઇ નહીં પરંતુ વિશ્વમાં ઉપયોગમાં લેવાતી આ રોગ સામેની અનેક રસીઓમાંની એક એવી ફાઇઝરની રસી છે.

કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના રોગ માટેની દવા કે સીધી ઉપચાર પદ્ધતિનો હાલ અભાવ છે અને અન્ય રોગોની દવાઓ આ રોગના ઉપચાર માટે ઉપયોગમાં લેવી પડે છે તેવા સંજોગોમાં આ જ રોગ સામે રક્ષણ માટે ઉપયોગમાં લેવાતી એક રસી દવા તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય તેવી આશા હવે જન્મી છે. કોવિડ માટેની ફાઇઝરની રસીનો ઉપયોગ ઉપચાર માટે કરાયા બાદ એક દર્દી સાજો થઇ ગયો હોવાના અહેવાલ આવ્યા છે અને તેણે નવી આશાઓ જગાડી છે. બ્રિટનના વેલ્શ વિસ્તારનો એક દર્દી, કે જે વ્યવસાયે ઓપ્ટિશ્યન છે તે આઠ મહિનાથી કોવિડ ગ્રસ્ત હતો. તે આઠ મહિનાથી કોવિડ પોઝિટિવ જ આવતો હતો અને ઘરે જ સારવાર હેઠળ હતો પરંતુ તેને ફાઇઝર રસીના બે ડોઝ થોડા સપ્તાહોના ગાળામાં આપવામાં આવ્યા બાદ તે સાજો થઇ ગયો છે. ફાઇઝરના બે ડોઝ આપીને તેનો ચેપ દૂર કરવામાં વૈજ્ઞાનિકોને સફળતા મળી છે.

આનાથી એવી આશા જન્મી છે કે ફાઇઝરની રસીનો ઉપયોગ દવા તરીકે પણ કરી શકાશે. રસી કોઇ પણ રોગને અટકાવવા માટે આપવામાં આવે છે. તે તંદુરસ્ત લોકોને આપવામાં આવે છે જ્યારે દવા રોગના દર્દીને રોગમાંથી સાજો કરવા માટે આપવામાં આવે છે. બ્રિટનનો આ દર્દી રસી પણ લઇ શક્યો ન હતો કારણ કે સતત આઠ મહિનાથી તે સતત કોવિડ પોઝિટિવ હતો. ફાઇઝરની રસી તેને દવા તરીકે આપવા માટે અજમાવવામાં આવી હતી અને અખતરો સફળ રહ્યો છે. પ્રથમ ડોઝ લીધાના પંદર દિવસમાં બ્રિટનના આ દર્દીના શરીરમાં વાયરસનું પ્રમાણ ૬૪ ટકા જેટલું ઘટી ગયું હતું અને બીજો ડોઝ લીધાના થોડા સમય પછી તે સંપૂર્ણ સાજો થઇ ગયો હતો. પ્રથમ ડોઝ લીધા પછીના કુલ ૭૨ દિવસ પછી તે રોગમુક્ત થયો હતો. આ આખો કેસ એક મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયો છે. જો કે આ બાબતમાં હજી વધુ સંશોધનો જરૂરી છે. વધુ સંશોધનોમાં ફાઇઝર કંપનીની કોવિડ રસી દવા તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે તેવું પુરવાર થશે તો તે એક મોટી સફળતા હશે.

આમ પણ વાયરસજન્ય રોગોનો ઉપચાર મુશ્કેલ હોય છે. બેકટેરિયાજન્ય ઘણા રોગોની દવાઓ શોધાઇ ગઇ છે પરંતુ ઘણા વાયરસજન્ય રોગો હજી પણ પુરેપુરા સાધ્ય બન્યા નથી. એઇડ્ઝ પણ આમાનો એક રોગ છે, જો કે સદભાગ્યે એઇડ્ઝ ઘણો ચેપી રોગ નથી તેટલું સારું છે. કોવિડ-૧૯નો રોગ કોરોનાવાયરસના એક નવા પ્રકારથી થાય છે જે વાયરસને સાર્સ કોવ-ટુ નામ આપવામાં આવ્યું છે. આ વાયરસના ઉપચાર માટેની દવાનો અભાવ છે ત્યારે બીજા રોગોની દવાઓના અખતરા આ વાયરસના સફાયા માટે થાય છે. આપણા દેશમાં કેટલાયે સમયથી કોવિડના ઉપચાર માટે જે રેમડેસીવીરના ઇન્જેકશનો વપરાય છે તે મૂળ તો ઇબોલા વાયરસ માટેના ઇન્જેકશનો છે. જાત જાતની દવાઓના અખતરાઓ અને મોંઘી દાટ સારવાર પછી પણ ઘણા દર્દીઓના જીવ ગયા છે અને કેટલાક દર્દીઓ તો ઉપચારના અખતરાઓથી મર્યા હોવાનું પણ જણાય છે ત્યારે આ કોવિડ-૧૯ની કોઇ દવા શોધાઇ જાય તો મોટી રાહત થાય. જો ફાઇઝરના બે ડોઝ આ રોગના દર્દીને સાજા કરવા માટે પુરતા થઇ રહેતા હોય તો આ રોગની સારવારનો ખર્ચ પણ ઘણો ઓછો થઇ જાય. જો કે દવા પણ દર્દીને સાજા કરવાની સો ટકા ગેરંટી આપી શકતી નથી પરંતુ દવાની હાજરી એક મોટી માનસિક રાહત પણ પુરી પાડી શકે છે.

Most Popular

To Top