Top News

More Posts

   The Latest

Most Popular

મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી સ્કોર્પિયો કાર મળી આવી તે કેસમાં નિતનવા ફણગા ફૂટી રહ્યા છે. છેલ્લામાં છેલ્લા સમાચારો મુજબ મુંબઈ પોલીસના ભૂતપૂર્વ પોલીસ ઓફિસર સચિન વાઝે વિસ્ફોટકો ભરેલી કારનો આરોપ બે રીઢા ગુનેગારોના માથે ઢોળીને તેમનું એન્કાઉન્ટર કરીને હીરો બની જવા માગતો હતો. આ કાર ગુજરાતી વેપારી મનસુખ હીરનની છે, તેની પોલીસને ગંધ ન આવે તેની તેણે પૂરી તકેદારી રાખી હતી, પણ આ વાત ફૂટી જતાં તેનો પ્લાન ફેઇલ ગયો હતો. મનસુખ હીરન પોલીસ સમક્ષ સચિન વાઝેની ભૂમિકા કબૂલ કરી લેશે તેવા ડરથી સચિન વાઝેએ તેની હત્યા કરાવી નાખી હતી. આ હત્યામાં તેણે મુંબઈ પોલીસના ભૂતપૂર્વ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્માની મદદ લીધી હોવાની વાત પણ બહાર આવી છે. સચિન વાઝેને જિલેટિન સ્ટિક મેળવવામાં પણ પ્રદીપ શર્માએ મદદ કરી હોવાનું બહાર આવ્યું છે.

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની ટીમ જ્યારે સચિન વાઝેના ઘરે તપાસ કરવા પહોંચી ત્યારે તેને એક પાસપોર્ટ મળી આવ્યો હતો. આ પાસપોર્ટ એક રીઢા ગુનેગારનો હતો. એજન્સીના માનવા પ્રમાણે સચિન વાઝેની યોજના આ ગુનેગાર અને તેના સાગરીતના માથે વિસ્ફોટકોનો આરોપ નાખીને તેમને બનાવટી અથડામણમાં ઠાર મારવાની હતી. આ રીતે વિસ્ફોટકોનો કેસ સોલ્વ થઈ જતો હતો અને સચિન વાઝેની વાહવાહ પણ થઈ જાય તેમ હતું. આ માટે તેણે ઔરંગાબાદથી મારુતિ ઇકો કાર પણ ચોરાવી હતી. આ કારમાં વિસ્ફોટકો પ્લાન્ટ કરવાની વાઝેની યોજના હતી. તેણે આ કારની ડુપ્લિકેટ નંબર પ્લેટ પણ બનાવી હતી. પરંતુ વાઝે બીજા કેસોમાં વ્યસ્ત હોવાને કારણે તે મારુતિ ઇકો કારનો ઉપયોગ કરી શક્યો નહોતો. તેણે પોતાના મિત્ર મનસુખ હીરનની સ્કોર્પિયો કારનો ઉપયોગ વિસ્ફોટકો પ્લાન્ટ કરવા માટે કર્યો હતો. આ માટે તેણે કારની નંબર પ્લેટ બદલી કાઢી હતી અને કાર ઓળખાઈ ન જાય તે માટે તેની ચેસિસ પરનો નંબર પણ ઘસી કાઢ્યો હતો.

મુકેશ અંબાણીના ઘરની નજીકથી વિસ્ફોટકો ભરેલી કારનો કેસ મહારાષ્ટ્ર પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) ને સોંપવામાં આવ્યો તેને કારણે સચિન વાઝેની રીઢા ગુનેગારોનું એન્કાઉન્ટર કરવાની યોજના ઊંધી વળી ગઈ હતી. એટીએસને પહેલા જ દિવસે સ્કોર્પિયો કાર પર વીમા કંપનીનું સ્ટિકર મળી આવ્યું હતું, જેને કારણે તેઓ કારના માલિક મનસુખ હીરન સુધી પહોંચી ગયા હતા. સચિન વાઝેને ખ્યાલ આવ્યો હતો કે જો એટીએસ મનસુખ હીરનની પૂછપરછ કરશે તો તે સચિન વાઝેનું નામ આપી દેશે. આ કારણે સચિન વાઝેએ મનસુખ હીરન પર ગુનો કબૂલી લેવાનું દબાણ કર્યું હતું. મનસુખ હીરન ગુનો કબૂલી લેવા તૈયાર ન હોવાથી સચિન વાઝેએ તેની હત્યા કરાવી નાખી હતી. મનસુખ હીરને આપઘાત કર્યો છે, તેવું સાબિત કરવા સચિન વાઝેએ તેની પાસે એક પત્ર લખાવડાવ્યો હતો, જેમાં તેણે ફરિયાદ કરી હતી કે પોલીસો તેને હેરાન કરી રહ્યા છે. જો કે મનસુખ હીરનની પત્નીએ સચિન વાઝેની સંડોવણીની માહિતી આપતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

સચિન વાઝેએ વિસ્ફોટકો ભરેલી કાર ગોઠવવા માટે અને મનસુખ હીરનની હત્યા કરીને પુરાવાનો નાશ કરવા માટે પણ પોતાના પોલીસ દળના સાથીદારોનો જ ઉપયોગ કર્યો હતો. મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી સ્કોર્પિયો કાર મૂકવા માટે તેણે પોતાના ડ્રાઇવરનો જ ઉપયોગ કર્યો હતો. તેણે પીપીઇ કિટમાં આવીને કાર મૂકી હતી. સચિન વાઝે તેની પાછળ ઇનોવા કારમાં ત્યાં આવ્યો હતો. ડ્રાઇવર સ્કોર્પિયો કાર પાર્ક કરીને ઇનોવામાં બેસી ગયો હતો. સચિન વાઝેને જ્યારે ખ્યાલ આવ્યો કે તેની યોજના ઊંધી વળી ગઇ છે ત્યારે તેણે પુરાવાનો નાશ કરવાનો પ્રારંભ કર્યો હતો. તેણે પોતાના ઘરની બહારના સીસીટીવી ફૂટેજ ડિલિટ કરાવી નાખ્યા હતા. તેણે કારની નકલી નંબર પ્લેટ ઉપરાંત હાર્ડ ડ્રાઇવ અને લેપટોપ પણ મીઠી નદીમાં પધરાવી દીધા હતા. તપાસકર્તાઓ સચિન વાઝેને મીઠી નદી પર લઈ ગયા હતા અને તેમાંથી પુરાવાઓ શોધી કાઢ્યા હતા.

મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકાર સચિન વાઝેનો ઉપયોગ હપ્તા વસૂલી માટે કરતી હતી તેમાં શંકાને કોઈ સ્થાન નથી. તે કારણે જ તેને હૃતિક રોશન અને કંગના રનૌતનો ઇમેઈલનો કેસ સોંપવામાં આવ્યો હતો. આ કેસમાં હૃતિક રોશન આરોપી હોવાથી તેની પાસેથી અઢળક રૂપિયા કઢાવી શકાય તેમ હતું. તેવી જ રીતે રેપર બાદશાહે સોશ્યલ મીડિયામાં બોગસ ફોલોઅર્સ બનાવ્યા તેનો કેસ પણ સચિન વાઝેને સોંપવામાં આવ્યો હતો. રિપબ્લિક ટીવીના સંચાલક અર્ણબ ગોસ્વામી જે આપઘાતના કેસમાં ખરાબ રીતે સંડોવાયેલા હતા તે કેસ પણ સચિન વાઝે સંભાળતો હતો.

સચિન વાઝેનો કેસ ચાલી રહ્યો હતો તે દરમિયાન બીજી પણ કેટલીક ચોંકાવનારી વાતો બહાર આવી હતી. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવિસે આક્ષેપ કર્યો હતો કે મહારાષ્ટ્રમાં પોલીસ અધિકારીઓની બદલી કરવાની બાબતમાં મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. ફડનવિસે મહારાષ્ટ્રના ગુપ્તચર ખાતાના ભૂતપૂર્વ કમિશનર રશ્મિ શુક્લાએ ૨૦૧૯ માં મહારાષ્ટ્રના તત્કાલીન પોલીસ વડા સુબોધ જયસ્વાલ પરનો પત્ર ટાંક્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે પોલીસમાં બદલી માટે રાજકારણીઓને જંગી રકમ ચૂકવવી પડે છે. આ પત્રમાં ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચેની ફોન વાતચીતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હકીકતમાં આ વાતચીત રશ્મિ શુક્લાએ ટેપ કરી હતી.

મહારાષ્ટ્ર સરકારે વાતને ઉડાવી દેતાં કહ્યું હતું કે રશ્મિ શુક્લાને વાતચીત ટેપ કરવાની કોઈએ મંજૂરી આપી નહોતી. દેવેન્દ્ર ફડનવિસે આ કિસ્સામાં સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાની માગણી કરી હતી. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આ બાબતની તપાસ તેમના મુખ્ય સચિવ સીતારામ કુંતેને સોંપી હતી. તેમણે ફોન ટેપનો હેવાલ આપવાને બદલે રશ્મિ શુક્લા પર આક્ષેપ કર્યો હતો કે ૨૦૧૯ ની ચૂંટણીમાં ભાજપને બહુમતી ન મળતાં તેણે બીજા પક્ષોના વિધાનસભ્યોને ફોડવાનું કામ રશ્મિ શુક્લાને સોંપ્યું હતું. બે વિધાનસભ્યો દ્વારા તેને અનુમોદન પણ આપવામાં આવ્યું હતું. રાજકારણીઓ દ્વારા પોલીસ અધિકારીઓનો ઉપયોગ કેવી રીતે દાવપેચ રમવા માટે કરવામાં આવે છે, તેનો આ દાખલો છે.

સચિન વાઝેના કેસને કારણે ભૂતપૂર્વ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્મા પણ ફરીથી વિવાદમાં ફસાઈ ગયા છે. સચિન વાઝે ક્રાઇમ બ્રાંચમાં પ્રદીપ શર્માના હાથ નીચે જ કામ કરતો હતો. તેણે મોટા ભાગના એન્કાઉન્ટર પ્રદીપ શર્માના કહેવાથી જ કર્યા હતા. સચિન વાઝેની જેમ પ્રદીપ શર્માને પણ ભ્રષ્ટાચારના આરોપ હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ૨૦૧૭ માં તેમને તમામ આરોપોથી મુક્ત કરવામાં આવ્યા તે પછી તેમને ફરીથી પોલીસ દળમાં લેવામાં આવ્યા હતા. તેઓ ૨૦૧૯ માં રિટાયર થયા પછી શિવસેનામાં જોડાયા હતા અને વિધાનસભાની ચૂંટણી પણ લડીને હારી ગયા હતા. પ્રદીપ શર્માની જેમ સચિન વાઝે પણ શિવસેનામાં જોડાયો હતો. પ્રદીપ શર્મા રિટાયર થયા પછી પણ સચિન વાઝેને તેની ગુનાઇત પ્રવૃત્તિમાં સાથ આપતા હતા. મનસુખ હીરનની હત્યામાં પણ તેમની સંડોવણી હોવાનું માનવામાં આવે છે. મહારાષ્ટ્રના રાજકારણીઓ રાજ કરવાને લાયક નથી અને પોલીસ અધિકારીઓ કાયદાના રક્ષકને બદલે ભક્ષક બનીને રહી ગયા છે.

To Top