Dakshin Gujarat

શરમજનક: ગણદેવી પાલિકા પાસે કોરોનાકાળમાં પણ એક પણ એમ્બ્યુલન્સ કે શબવાહિની નથી

નવસારી: (Navsari) ગણદેવી નગર પાલિકામાં છેલ્લા દસ વર્ષમાં અંદાજે 50 કરોડથી વધુ વિકાસના કામો થયાના બણગાં ફૂંકાતા રહ્યા છે. પરંતુ સામાન્ય લોકો માટે જરૂરી એમ્બ્યુલન્સ (Ambulance) અને શબવાહિનીની સેવા આપવામાં શહેરી બાવાઓ ઉણાં ઉતર્યા છે, તેની પરેશાની અત્યારે કોરોના કાળમાં લોકોએ ભોગવવી પડી રહી છે. ગણદેવી તાલુકા ખેડૂત સંઘે તેની શબવાહિની કોરોનાના મૃતકો માટે નહીં આપવાનો નિર્ણય કર્યા બાદ ગણદેવીમાં (Gandevi) કોરોનાથી મૃત્યુ પામેલાઓને કૈલાસઘામ સુધી લઇ જવામાં મુશ્કેલી પેદા થઇ હતી. પરંતુ ભાટ મહોલ્લાના સેવાભાવી યુવાન મનહર પટેલે સેવા પૂરી પાડતાં લોકોએ રાહત અનુભવી હતી.

ગણદેવી નગર પાલિકાનો વહીવટ છેલ્લા 10 વર્ષમાં વિવાદે ચઢતો રહ્યો છે. વડા તળાવનું બ્યુટીફિકેશન હોય કે એકના એક રસ્તા પર વારંવાર બ્લોક નાંખવા કે પાકી ગટર તોડી ત્યાં નાળા નાંખવા જેવી કામગીરી પાછળ પ્રજાના પૈસાના બગાડ થયાના વિવાદ ચાલતા જ રહ્યા છે. 10 વર્ષમાં અંદાજે 50 કરોડથી વધુ વિકાસના કામો થયા છે. પરંતુ એ કામમાં ગુણવત્તાનો અભાવ હોવાનો મુદ્દો ગઇ ચૂંટણીમાં ખાસ્સો ગાજ્યો હતો અને તેનો વાસ્તવિક અનુભવ હવે થયો છે.

કરોડોના કામો થવા છતાં પ્રજા માટે જરૂરી કામો થયા નથી, એ મુદ્દો અત્યારે કોરોના કાળમાં લોકો અનુભવી રહ્યા છે. દસ વર્ષમાં શબવાહિની અને એમ્બ્યુલન્સ જેવી મહત્વની જરૂરિયાતની સેવા ગણદેવી નગર પાલિકા આપી શકી નથી. એ સંજોગોમાં નગરમાં કોરોનાને કારણે હાલમાં ચારેક વ્યક્તિના મૃત્યુ થયા, ત્યારે લોકોએ મૃતકોને સ્મશાન સુધી લઇ જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સંજોગોમાં તત્કાળ નિર્ણય લઇને પાલિકાએ લોકોને સુવિધા આપવા કોઇક પગલાં ભરવા જોઇતા હતા. આ સંજોગોમાં ભાટ મહોલ્લામાં રહેતા સેવાભાવી યુવાન મેહુલ પટેલે પોતાનો ટેમ્પો મૃતકોને સ્મશાન સુધી લઇ જવાની સેવા માટે આપવાની જાહેરાત કરી હતી. મેહુલ પટેલ આ સેવા વિનામૂલ્યે આપી રહ્યા છે, ત્યારે નગરમાં તેમની સેવાની સરાહના થઇ રહી છે. જ્યારે પાલિકાના શાસકો જાણે મૂર્છિત અવસ્થામાં હોય એ રીતે સેનિટાઇઝ કરવાની લોકપ્રિયતા મેળવનારાઓ તેના કરતાં વધુ જરૂરી શબવાહિની કે એમ્બ્યુલન્સ જેવી ખરીદી કરવાનો નિર્ણય કરવામાં હાલમાં કશું કરી શક્યા નથી.

મેહુલ પટેલ ફેબ્રુઆરીમાં યોજાયેલી ગણદેવી નગર પાલિકાની ચૂંટણીમાં ગણદેવી નાગરિક મંચના ઉમેદવાર તરીકે વોર્ડ નં.1માં ચૂંટણી લડ્યા હતા. પરંતુ તેઓ વિજયી થયા ન હતા. એમ છતાં દિલથી સેવાને વરેલા મેહુલ પટેલ પોતે ટેમ્પો ચલાવીને જ ગુજરાન ચલાવતા હોવા છતાં કોરોનાના મૃતકો માટે વિનામૂલ્યે સેવા આપવા ફ્રન્ટલાઇન વોરિયર બની ગયા છે.

Most Popular

To Top