Top News

More Posts

   The Latest

Most Popular

સુરતઃ (Surat) શહેરમાં હાલ કોરોનાના દર્દીઓ માટે એકમાત્ર સંજીવની મનાતા રેમડેસિવિર ઇન્જેક્શનોની (Remdesivir Injection) માંગને પહોંચી વળવા તંત્ર સદંતર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. શહેરમાં ઇન્જેક્શનની અછતની પરિસ્થિતિ સુધરવામાં હજી અઠવાડિયાથી દસ દિવસનો સમય (Time) લાગશે તેવું તબીબી સૂત્રોએ જણાવ્યું છે.

સરકાર દ્વારા હાલમાં નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં રોજ રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો ફાળવવામાં આવી રહ્યો છે. પરંતુ આ જથ્થો મર્યાદિત હોવાથી દર્દીઓને હાલાકી થઈ રહી છે. બીજી તરફ ખાનગી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ માટે પણ રેમડેસિવિર ઇન્જેક્શનની ફાળવણીને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે. નવી સિવિલમાં રોજ મધરાતથી દર્દીના સંબંધી ઇન્જેક્શન લેવા માટે લાઈનો લગાવે છે. લાંબી લાઈનોમાં દર્દીના સંબંધીને માંડ એક ઇન્જેક્શન મળે છે. આ ઇન્જેક્શન મળ્યા પછી બીજા દિવસે ફરી દર્દીના સંબંધીને બીજા ઇન્જેક્શન માટે લાઈન લગાવી પડે છે.

ઉલ્લેખનીય છે કે, તબીબ દ્વારા દર્દીને 6 ઇન્જેક્શન આપવામાં આવે છે. દર્દીના સંબંધીને એક વખતમાં એક જ ઇન્જેક્શન મળી રહ્યું છે. આવામાં ઇન્જેક્શનની અછત હોવાનું સ્પષ્ટ છે. છતાં સરકાર દ્વારા પુરતા જથ્થાની ખોખલી વાતો કરવામાં આવી રહી છે. તબીબી સૂત્રોની માનીએ તો આગામી અઠવાડિયાથી દસ દિવસમાં ઇન્જેક્શનની આ અછતને દૂર કરી શકાશે. જો ઇન્જેક્શનનો જથ્થો વધારવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધારે બદતર બનશે.

ખાનગી હોસ્પિટલો રેમડેસિવિર ઇન્જેક્શનોની કાળા બજારી કરતી હોવાની ચર્ચા
શહેરમાં એક બાજુ દર્દીના સંબંધી રોજ એક એક ઇન્જેક્શન માટે લાંબી લાઈનોમાં ઉભા રહે છે. બીજી બાજુ કેટલાક દર્દીઓ માટે માંગે તે કિંમતે ઇન્જેક્શન લેવા તૈયાર છે. આવામાં શહેરની ખાનગી હોસ્પિટલો દ્વારા ઇન્જેક્શનની કાળા બજારી થઈ રહી હોવાની સંભાવનાઓ છે. હાલમાં જ શહેરની ક્રાઈમ બ્રાંચે યોગીચોક ખાતેની હોસ્પિટલમાંથી આ રીતે સિવિલમાંથી મેળવેલા ઇન્જેક્શનનો બહાર 12 હજારમાં વેચાણ થતું હોવાનું રેકેટ ઝડપી પાડ્યું હતું. શહેરમાં આવી અનેક હોસ્પિટલો ખૂદ રેમડેસિવિરની કાળાબજારી કરી રહી છે.

સુરત શહેરમાં હોસ્પિટલ્સમાં બેડ નથી. ઓકસિજન નથી. અને છેલ્લે બાકી હતું તે દવાખાને તરફડતા પેશન્ટને સારવાર માટે આપવામાં આવતા રેમડેસિવિર ઇન્જેકશનના પણ ઠેકાણા નથી. પરંતુ સુરત જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ પોતે ડોકટર હોવા છતાં વાસ્તવિકતા સમજી શકયા નથી. રેમડેસિવિર ઇન્જેકશનની કટોકટી ખાળવા માટે તેમને પરિત્રો કાઢવા સિવાય વિશેષ કશું ઉકાળ્યું નથી. સુરત જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ આરંભથી રેમડેસિવિર વ્યવસ્થા કરવામાં ગોથું ખાઇ ગયા છે. રેમડેસિવિર માટે તેમને રોજબરોજ નવી નવી સૂચનાઓ આપી ફતવાઓ બહાર પાડયા છે.

શરુઆતમાં ઇન્જેકશન માટે પેશન્ટના સંબંધીને અને હોસ્પિટલને સ્ટાફને લાઇનમાં ઉભા રાખ્યા હતા. પછી માત્ર હોસ્પિટલ સત્તાધિશોને ઇન્જેકશન લેવા કાકલૂદીઓ કરી પરંતુ હોસ્પિટલ સત્તાધિશો ટસનામસ ન થતા આખરે પેશન્ટના સબંધીઓને ઇન્જેકશન માટે કલાકો લાઇન ઉભા રાખીને તડપાવ્યા હતા. હવે આજે કલેકટર સાહેબે આવતીકાલથી ફરી ઇન્જેકશન વ્યવસ્થામાં ફેરફાર કરતો ફતવો બહાર પાડયો છે. કલેકટરે હવે આવતીકાલથી માત્ર અને માત્ર હોસ્પિટલને જ ઇન્જેકશન આપવા સમય અને ઠેકાણા સાથે શિડયુલ જાહેર કરી દીધુ છે. આ વાત સુરત શહેરમાં વાયુવેગે પ્રસરતા ફરી એકવખત જિલ્લા કલેકટર ઉપર ફિટકાર વરસી રહ્યો છે. સુરત શહેરમાં માત્ર મોટી હોસ્પિટલ જ હોય તેવા વ્હેમમાં રાચતા કલેકટરે ફતવો બહાર પાડી દીધો છે.

To Top